Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણી તથા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી ૩ ઓકટોબર આસપાસ

ચૂંટણી પંચ દ્વારા સાંજ સુધીમાં જાહેરાતઃ પાટનગરમાં ભાજપ, કોંગી, આપનો ત્રિપાંખીયો જંગ

રાજકોટ, તા. ૬ :.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે ૪ વાગ્યે ખાસ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. જેમા ગાંધીનગર મહાનગરપાલિકાની અગાઉ મોકુફ રહેલ સામાન્ય ચૂંટણી તથા રાજ્યની નગરપાલિકાઓ અને તાલુકા-જિલ્લા પંચાયતોની ખાલી પડેલ બેઠકોનો પેટાચૂંટણી કાર્યક્રમ જાહેર થવાનો નિર્દેષ છે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અને બાકીની પેટાચૂંટણીઓ એક સાથે અથવા નજીક-નજીકના દિવસોમાં થનાર છે. મતદાન માટે તા. ૩ ઓકટોબર રવિવાર નક્કી થયાનું જાણવા મળે છે. ફેરફાર થાય તો તેની નજીકના જ કોઈ દિવસમાં મતદાન થશે.

રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી  બેઠક ભાજપના મહિલા સભ્યના અવસાનથી અને શિવરાજપુર બેઠક કોંગીના પુરૂષ સભ્યના અવસાનથી ખાલી પડેલી છે. બન્ને બેઠકો જસદણ પંથકની છે. આજે અન્ય ગ્રામ્ય પેટાચૂંટણીઓ જાહેર થાય તો તેની સાથે જ જાહેર થઈ જવાની પ્રબળ શકયતા છે.

ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી એપ્રિલમાં જાહેર થયેલ. કોરોનાના ભારે ઉછાળાના કારણે મોકુફ રહેલ. બે ઉમેદવારોના અવસાનના કારણે ચૂંટણી પ્રક્રિયા માટે રાબેતા મુજબ જેટલો જ સમય અપાશે. પાટનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી ભર્યો જંગ છે.

(4:31 pm IST)