Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

શહેર ભાજપ કાર્યાલય ખાતે આ વર્ષે ગણપતિ મહોત્સવનું સાદાઇપૂર્ણ આયોજન

રાજકોટ,તા. ૬ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગણેશ ચતુર્થીના શુભ દિન તા. ૧૦થી ૧૯ સુધી શહેર ભાજપ દ્વારા હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ હોય સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર આયોજન કરવામાં આવેલ છે.

ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી લગલગાટ સફળતાભર્યુઅને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં શહેરના  રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે છેલ્લા ૧૩ વર્ષથી કરવામાં આવતુ હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવનું સતત ૧પમાં વર્ષે હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને શહેર ભાજપ કાર્યાલય ખાતે સાદગીભર્યુ આયોજન કરવામાં આવેલ છે.

રિધ્ધી સિધ્ધીના દેવ ગણપતિદાદાનું તા.૧૦ ના શુક્રવારે સવારે ૧૦ કલાકે પૂજન–અર્ચન સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ દાદાનું સ્થાપન થશે. તા.૧૦ થી તા.૧૯ રોજેરોજ ગણપતિદાદાનું પૂજન–અર્ચન અને સાંજે ૭:૦૦ મહાઆરતી યોજાશે. તા.૧૯ ના ગણપતિ યજ્ઞ સાથે  વિર્સજન કરવામાં  આવશે.

આ આયોજનમાં કોવિડ–૧૯ની ગાઈડલાઈન મુજબ મર્યાદીત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી દરરોજ સાંજે ૭ કલાકે આરતીમાં જોડાશે, જેમાં વોર્ડવાઈઝ કાર્યાલય ખાતેથી નિમંત્રણો પાઠવવામાં આવશે, એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

(4:25 pm IST)