Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના સાંનિધ્યે ઉજવાયો ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો તૃતીય દિવસ

સિધ્ધત્વના પરિવારમાં આવવાનો એક જ માર્ગ, મને બધા સાથે ફાવે : માતા-પિતાનું એક સજેશન સંતાન માટે લેશન હોય : પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા. ૬ : ઘર મંદિરમાં પરમાત્મા હોય ન હોય, મન મંદિરમાં પરમાત્માના વાસ સાથે પોતાના પરિવારને પ્રભુ પરિવાર બનાવવાના જીવંત દ્રશ્યો સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વ ઉજવાતા જન જનના હૃદયમાં પરિવાર પ્રેમની પરિમલ પ્રસરાવીને સૌને પ્રભુ પરિવારમાં પ્રવેશ પામવા સંકલ્પ બદ્ઘ કરી ગયો.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ આદિ ૪૯ સંત - સતીજીઓથી દીપી રહેલાં પરમધામ ચાતુર્માસના ઉદાર હૃદયા લાભાર્થી માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી પરિવાર-બાદશાહ પરિવાર તેમજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સંઘપતિ રૂપે લાભ લેનારા શાસનદીપક ગુરુદેવ પૂજય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજય શ્રી જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં કવેસ્ટ ફાઉન્ડેશન – સાયનના ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠના બહોળા અનુદાનના સહયોગે આ અમૂલ્ય અવસરનો લાભ લઇને સમગ્ર ભારતના તેમજ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપોર, આફ્રિકા, પાકિસ્તાન, કંબોડિયા, બાંગ્લાદેશ, દુબઈ, સુદાન, અબુધાબી આદિ ૧૨૦ દેશોના હજારો લાખો ભાવિકો ધન્ય બની રહ્યાં છે.આ અવસરે સ્નેહભીની મધુરવાણી વહાવતા પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, ધર્મની શરૂઆત ધર્મક્ષેત્રથી નહીં પરંતુ કર્મક્ષેત્રથી થતી હોય છે. ધર્મક્ષેત્ર હોય ચાહે સંસારનું ક્ષેત્ર પરંતુ જયાં સમજનો વિકાસ થયેલો હોય એને જગતના દરેક સાથે ફાવી જતું હોય. એને અંશમાત્ર પણ કોઈ પ્રત્યેના અણગમા વિના બધા સાથે ફાવે છે, તે પણ પ્રભુ પરિવારનું પાત્ર હોય છે. પ્રભુના પરિવારમાં, સિધ્ધત્વના પરિવારમાં હોવાનો એક જ માર્ગ હોય છે, મને બધા સાથે ફાવે. આ પર્વાધિરાજ સંદેશો આપી રહ્યાં છે કે તમારા પરિવારને એવો પ્રેમ પરિવાર બનાવી લો કે સ્વયં પરમાત્માને તમારા પરિવારમાં આવવાનું મન થઈ જાય. જેવી રીતે સિગ્નેચર વિનાના ચેકની કોઈ વેલ્યુ નથી હોતી, એમ પરસ્પર પ્રેમ વિનાના પરિવારની કોઈ કિંમત નથી હોતી. ઘરના મંદિરમાં ચાહે પરમાત્મા હોય કે ન હોય પરંતુ મંદિરમાં પરમાત્માને વસાવીને પોતાના પરિવારને પ્રભુ પરિવાર બનાવીએ. પ્રભુ કહે છે, અહીંયા પરિવારમાં જેને બે-ચાર સાથે રહેતાં ન આવડે એને કદી મોક્ષમાં અનંત સાથે રહેતાં ન આવડે.પરિવાર નામની સ્કૂલમાં પ્રથમ ટીચર માતા પિતા હોય છે, જેમના સજેશનમાં પરિવારને પ્રભુ પરિવાર બનાવવાની ક્ષમતા હોય છે. દરેક પેરેન્ટ્સ યાદ રાખે કે મારા દરેક સજેશન મારા સંતાન માટે જીવનભરનું એક લેસન હોય છે. કેમ કે ભૂલ કદી એક નથી હોતી, પરંતુ દરેક ભૂલ અનેક ભૂલોની પરંપરા લઈને આવતી હોય છે. પ્રભુ કહે છે પરિવારને પ્રભુ પરિવાર બનાવવાની એક જ શરત હોય છે કે, નાની નાની વાતો કે ભૂલોને ભૂલી જઈએ. કેમ કે, જેને ભૂલતાં આવડે છે તે જ ભગવાન બની શકે છે.આ અવસરે સર્જાયેલા સુંદર અને સંવેદનશીલ દ્રશ્યો સાથે શાસન દીપક ગુરુદેવ પૂજય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ તેમજ પૂજય શ્રી જય - વિજયાજી મહાસતીજી - મા સ્વામીની સ્મૃતિમાં ઉદારહૃદયા દાનવીર શ્રેષ્ઠિવર્ય ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠના બહોળા અનુદાનના સહયોગે શ્રી સરદાર નગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે 'મા સ્વામી સાધર્મિક સહાય' યોજનાની ઘોષણા કરવામાં આવી હતી જેના અંતર્ગત સૌરાષ્ટ્રના સાધાર્મિક જરૂરિયાતમંદ ભાવિકોને રૂપિયા દસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે. એ સાથે જ બંગાળના સાધર્મિક જરૂરિયાતમંદો માટે દાનવીર અવંતિભાઈ કાંકરિયા પરિવાર તેમજ કિરીટભાઈ મહેતા અને મુલરાજભાઇ છેડા પરિવાર દ્વારા કચ્છના જરૂરિયાતમંદ પરિવારોને સહાય આપવામાં આવશે. એ સાથે જ મુંબઈના જરૂરિયાતમંદ ભાવિકોને JAINAના સહયોગે સહાય આપવામાં આવશે.આજના દિવસે શ્રાવક ધર્મના કર્તવ્ય એવા દાનધર્મની પરમ ગુરૂદેવ દ્વારા કરવામાં આવેલી પ્રેરણાને ઝીલીને પુસ્તકો અને સ્ટેશનરીનું અનુદાન અનેક જરૂરિયાતમંદોને અર્પણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ હર્ષ છવાઇ ગયો હતો.પરમ ગુરુદેવની પ્રેરણાથી દેશ-વિદેશના અનેક ભાવિકો દ્વારા થઈ રહેલી સિદ્ઘિ તપ, માસક્ષમણ તપ, ધર્મચક્ર તપ, ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૧ અને ૮ ઉપવાસ જેવી ઉગ્ર તપ આરાધના થઈ રહી છે.

કાલે દેરાસરોમાં મહાવીર સ્વામી જન્મ વાંચનઃ ૧૪ સ્વપ્નાના ધી બોલાશે

દાદાવાડી દેરાસર (માંડવી ચોક) બપોરેઃ ર-૩૦

મણીયાર દેરાસર         સવારેઃ ૯-૩૦

વાસુપૂજય સ્વામી જિનાલય સવારેઃ ૯-૩૦

પંચવટી દેરાસર         સવારેઃ ૯-૩૦

જાગનાથ જૈન સંઘ       સવારેઃ ૯-૩૦

પ્રહલાદ પ્લોટ દેરાસર   સવારેઃ ૯-૩૦

અરેપોર્ટ રોડ દેરાસર     સવારેઃ ૯-૩૦

પટ્ટણી દેરાસર                     ----

નાગેશ્વર જૈન તીર્થ                 ----

બાવન જિનાલય                   ----

શ્રમજીવી કાચનું જિનાલય સવારેઃ ૯-૩૦

ઘંટાકર્ણવીર દેરાસર      બપોરેઃ ર-૩૦

યુનિ. રોડ દેરાસર        સવારેઃ ૯-૩૦

આનંદનગર શ્વે. મૂર્તિ જૈન સંઘ સવારેઃ ૯-૩૦

ગાંધીગ્રામ દેરાસર                 ----

રૈયા રોડ દેરાસર                  ----

વર્ધમાનનગર સંઘ                 ----

આજીડેમ દેરાસર                   ----

કાલાવડ રોડ જૈન સંઘ   સવારેઃ ૯-૩૦

(3:35 pm IST)