Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

પર્યુષણ પર્વે શેઠ ઉપાશ્રય ખાતે ધર્મ આરાધનાઃ બુધવારે ૧૪ સ્વપ્નની ઉછામણી

સંઘ સમિતિના હિતેનભાઇ કામદારની માસ ક્ષમણની તપશ્ચર્યા

રાજકોટ તા. ૬: શ્રી સ્થાનકવાસી જૈન સમાજની અંદર અનોખી ભાત પામનાર શેઠ ઉપાશ્રય સંઘ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણ વાંચન નિમિતે તા. ૮ ને બુધવારના રોજ પ્રભુના ગુણગાન સાથે ત્રિશલા માતાને આવેલા ૧૪ સ્વપ્નના ઉછામણીનું અનેરૃં આયોજન કરવામાં આવેલ છે. આ સ્વપ્નો ઘણા સમયથી અખંડ જાપથી અભિમંત્રીત થયેલા છે. શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્યા એવમ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તિ તપસ્વી પૂ. રાજેમતિબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. શ્વેતાંસીબાઇ મહાસતીજી આદીઠાણા-૩ ની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણપર્વની શાદાર શરૂઆત કરવામાં આવેલ. પર્યુષણના આ અતિ પાવન પ્રસંગે જૈન સમુદાયમાં દરરોજ તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ, અઠ્ઠાઇ સહિતની શ્રધ્ધા ભકિત ભાવના ચાલુ થઇ ગયેલ છે. સતત આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં જ્ઞાન-પ્રવચન માટે ભાવિકો પધારી લાભ લઇ રહ્યા છે. દરરોજ પ્રાર્થના સવારે ૬:૧પ થી ૭ વાગ્યે, સવારે વ્યાખ્યાન સવારે ૯ થી ૧૦:૧પ કલાકે, ધાર્મિક કાર્યક્રમો ૧૦:૧પ થી ૧૦:૩૦, સવારે ૬ થી સાંજે ૬ અખંડ ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ, બપોરે ધાર્મિક ગેમ્સ ૩ થી ૪, સંધ્યા કાલીન પ્રતિક્રમણ રોજ ૭ થી ૮ કલાકે શેઠ ઉપાશ્રયે કરવામાં આવે છે તેમજ શેઠ ઉપાશ્રયે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો લાભ લઇ રહ્યા છે. શેઠ ઉપાશ્રય સંઘ સમિતિના તમામ કાર્યકર્તાઓ સક્રિય રહી ભવ્ય વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. શ્રી શેઠ ઉપાશ્રય સંઘ સમિતિના હિતેનભાઇ કામદાર માસ ખખ્ખમણની ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે, આ ઉપરાંત તપસ્વીઓ પણ તપસ્યા કરી રહ્યા છે.

(3:34 pm IST)