Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

બ્રહ્માજી સૃષ્ટિના સર્જકઃ વિષ્ણુ અને મહેશ વિવિધ સ્વરૂપે તારણહાર

શિવજી ભગવાન શ્રીરામની અને રામ 'દેવાધિદેવ મહાદેવ'ની આરાધનામાં લીન

શ્રાવણ મહિનામાં ભકતો શિવજીની આરાધના કરે છે. પરંતુ, ભોળાનાથ ભગવાન શિવને સતત આરાધનામાં લીન થયેલાં જોઈએ છીએ. ભગવાન શિવ કોની આરાધના કરે છે? ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શકિતશાળી મનાય છે તેથી જ મહાદેવને દેવાધિદેવ કહેવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ સિવાય તમામ દેવી-દેવતા શિવને તેમના આરાધ્ય દેવ માને છે અને તેમની પુજા કરે છે. દેવોના દેવ મહાદેવ કૈલાશ પર્વત પર સમાધિમાં લીન રહે છે તો કોનું ધ્યાન કરે છે. ભગવાન શીવ તેમના આરાધ્ય દેવનું ધ્યાન ધરતા હોય છે, જેનો ઉલ્લેખ પદ્મપુરાણના ઉતરાખંડમાં કરાયો છે.

પદ્મપુરાણ અનુસાર, એકવાર મા પાર્વતીએ મહાદેવને પુછ્યુ કે, ''હે પ્રભુ તમે સમાધીમાં લીન રહો છો તો કોનું ધ્યાન ધરો છો?''

મહાદેવજીએ કહ્યું કે, શ્નતમારા આ પ્રશ્નનો જવાબ ટુંક સમયમાં જ આપીશ.લૃ થોડા દિવસ બાદ મહાદેવ બુધ્ધ કૌશિક ઋુષિના સ્વપ્નમાં આવ્યા અને ઋષિને આદેશ આપ્યો કે તમે રામ રક્ષાસ્ત્રોત લખો, પરંતુ ઋષિ કૌશિકે વિનમ્રતાથી ભગવાન મહાદેવને કહ્યુ કે, હું રામ રક્ષાસ્ત્રોત લખવા અસક્ષમ છુ. આ સાંભળી મહાદેવે સ્વપ્નમાં જ ઋષિમુનીને સંપૂર્ણ રામ રક્ષાસ્ત્રોત સંભળાવ્યું અને બીજા દિવસે બુધ્ધ કૌશિક ઋષિએ રામ રક્ષાસ્ત્રોત લખ્યું.            મહાદેવે માતા ગૌરીને કહ્યું કે, ''હું હંમેશા શ્રી રામ નામનું સ્મરણ કરૃં છું.'' માતા ગૌરીએ મહાદેવને પુછ્યુ કે, ''રામ તો વિષ્ણુ ભગવાનનો અવતાર છે, તો તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાના બદલે શ્રી રામનું સ્મરણ કેમ કરો છો?'' મહાદેવે કહ્યું કે, ''દેવી હું શ્રી રામનું સ્મરણ એટલે કરૂ છુ કે, જેવી રીતે તરસ્યો માણસ જેટલી વ્યાકુળતાથી પાણીને યાદ કરે છે તેવી જ રીતે હું ભગવાન વિષ્ણુના સાક્ષાત સ્વરૂપ શ્રી રામનું સ્મરણ કરૂ છું. જેવી રીતે ઠંડીની સિઝનમાં મનુષ્યો અગ્નિને યાદ કરે છે, દેવતા, પિતૃ, ઋષિ અને મનુષ્ય અખંડ ભગવાન વિષ્ણુનું ચિંતન કરે છે, જે રીતે પવિત્ર નારી હંમેશા તેના પતિને યાદ રાખે કરે છે અને ભયભિત મનુષ્ય નિર્ભય આશ્રય શોધે છે, લોભી વ્યકિત ધનનું ચિંતન કરે છે અને પુત્ર જન્મની ઇચ્છા રાખતા મનુષ્ય પુત્ર માટે વ્યાકુળ રહે છે. આ જ રીતે હું ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામનું સ્મરણ કરૂ છું. ભગવાન વિષ્ણુ દ્વારા નિર્મિત સંપૂર્ણ જગત કર્મને આધિન છે અને કર્મ વિષ્ણુને આધિન છે. શ્રી રામ નામના જપથી તેનો નાશ થાય છે. શ્રી રામ નામના જપનું મહત્વ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ જેટલું છે. આ માટે હું હંમેશા શ્રી રામ નામનું સ્મરણ કરૂ છું.''

એક અદ્દભૂત સંયોગ એ પણ છે કે ભગવાન શ્રી રામ પોતે ભગવાન શિવની આરાધના કરે છે. જયાં શ્રીરામનું મંદિર હોય છે, ત્યાં ભગવાન મહાદેવનું શિવલીંગ હોય જ છે. શ્રી રામ શિવજીના સ્મરણ વગર કોઈ કાર્ય નથી કરતા અને મહાદેવજી શ્રી રામનું સ્મરણ કરે છે.

દશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુધ્ધ અને કલ્કિ. વિષ્ણુના આવા મુખ્ય દસ અવતારોને દશાવતાર કહેવામાં આવે છે. કલ્કિ અવતાર ભવિષ્યમાં થવાનો છે અને બાકીના બધા જ અવતારો અવતરી ચૂકયા છે. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એટલે શ્રી રામ. તો, દેવાધિદેવ મહાદેવના ૧૯ અવતારોમાં નવમો અવતાર હનુમાનજીનો છે. ભગવાન શ્રીરામ અને રામભકત હનુમાન. આ બન્ને નામ અનન્ય ભકિતભાવપૂર્વક સાથે જ લેવાય છે. ભગવાન બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર કહેવાયાં છે. તો, ભગવાન વિષ્ણુ અને મહેશએ આ સૃષ્ટિ પર અનિષ્ટ વધ્યાં ત્યારે વિવિધ અવતાર લઈ તેનો નાશ કર્યો છે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જક છે તો વિષ્ણુ અને મહેશ આ સૃષ્ટિના તારણહાર છે. પવિત્ર શ્રાવણ માસના અંતે દેવ-ત્રિપૂટીને વંદન.(૩૦.૮)

સંકલનઃ હેમાંગિની ભાવસાર

અમદાવાદ, મો.૯૯૭૯૨ ૨૮૦૨૯

(3:29 pm IST)