Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ગુજસીટોક ગુનાના આરોપી નિખિલ દોંગાને હોસ્પીટલમાંથી ભગાડવાના ગુનામાં પકડાયેલ વધુ બે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૬: સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં ચકચાર જાગેલ તે સૌરાષ્ટ્ર વિસ્તારના નામાંકીત અને ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગાને ભુજ જેલમાંથી સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જયાંથી તે ભાગી જતા પુરા ગુજરાતની પોલીસને ધંધે લગાડનાર નિખિલ દોંગાને પોલીસ જાપ્તા હેઠળથી ભગાડવામાં મદદગારી કરનાર નિકુંજ તુલસીભાઇ દોંગા તથા વિજય વિઠલભાઇ સાંગાણીને ગુજરાત હાઇકોર્ટે જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઇએ તો ખુનના ગુન્હામાં ગોંડલ જેલ હવાલે રહેલ નિખિલ દોંગા વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તેને ભુજ જેલમાં મોકલવામાં આવેલ જે ભુજની પાલારા જેલમાંથી સારવાર અર્થે નિખિલને જી. કે. જનરલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ અને તા. રપ/૦૩/ર૦ર૧ થી તા. ર૯/૦૩/ર૦ર૧ સુધી સારવાર લીધેલ બાદ રાત્રીના ભરત નામના વ્યકિત તથા અજાણ્યા વ્યકિતની મદદગારીથી પોલીસ જાપ્તામાં રહેલ પોલીસવાળાની બેદરકારીના કારણોસર ભુજ હોસ્પીટલમાંથી ફોરવ્હીલ કારમાં સવાર થઇ નિખિલ દોંગા નાસી જતા પુરા ગુજરાતમાં ચકચાર જાગેલ જે ગુન્હાની ફરીયાદ ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે રહેતા સહદેવસિંહ માવસંગભા ચૌહાણે ભુજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિખિલ દોંગા સહીતનાઓ વિરૂધ્ધ તા. ર૯/૦૩/ર૦ર૧ના ગુન્હો દાખલ કરાવેલ.

ઉપરોકત કેસમાં જામીન મુકત થવા રાજકોટના રહીશ નિકુંજ તુલસીભાઇ દોંગા તથા માધાપર કચ્છના રહીશ વિજય વિઠલભાઇ સાંગાણીએ કરેલ જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે રદ કરેલ જેથી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

તમામ પક્ષેની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા સદર કામે ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ હોય, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર અરજદારો નિકુંજ દોંગા તથા વિજય સાંગાણીને રેગ્યુલર જામીન પર મુકત કરવો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં અરજદારો નિકુંજ દોંગા તથા વિજય સાંગાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુજના એડવોકેટ આર. એસ. ગઢવી, હાઇકોર્ટના એડવોકેટ પ્રતિક જસાણી તેમજ સુરેશ ફળદુ એશોશીયેટસના ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:26 pm IST)