Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ શોધ સમિતિના સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયા

એકેડેમીક કાઉન્સીલ-સીન્ડીકેટની સંયુકત બેઠકમાં ડો. ભાવિન કોઠારીની દરખાસ્ત મંજુરઃ નવી કોલેજોની મંજુરી માટે વિચારણા

રાજકોટ, તા. ૬ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીનો ૩ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૨માં પૂર્ણ થાય છે ત્યારે નવા કુલપતિની પસંદગીનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. આજે કુલપતિ શોધ સમિતિના એક સભ્યની પસંદગી કરવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શોધ સમિતિની રચના માટે પ્રથમ એકેડેમીક કાઉન્સીલ અને સિન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં સિનીયર સિન્ડીકેટ સભ્ય ડો. ભાવિન કોઠારીએ એ.સી. અને સિન્ડીકેટની સંયુકત બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુભાઈ પંડયાનું સૂચવ્યુ હતું. જેને સિન્ડીકેટ સભ્ય ડો. ભરત રામાનુજ અને ગીરીશ ભીમાણીએ ટેકો જાહેર કર્યો હતો અને સર્વાનુમતે હિમાંશુભાઈ પંડયાનું નામ મંજુર થયુ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કોલેજોને મંજુરી આપવી કે નહિ ? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ધંધાદારી કોલેજોને મંજુરી આપવા અંગે કુલનાયક વિજય દેસાણી અને ગીરીશ ભીમાણીએ તરફેણ કરી હતી. જ્યારે અન્ય સભ્યોએ હાલની કોલેજોમાં પણ સંખ્યા ખાલી રહેતી હોય નવી કોલેજને મંજુરી ન આપવા અભિપ્રાય આપ્યો હતો. ભારે વિવાદ બાદ ૧૫ દિવસ બાદ વધુ ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે.

(3:25 pm IST)