Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

કાલાવડ રોડ રામપાર્કમાં મોડી રાતે ક્રાઇમ બ્રાંચનો દરોડો મોબાઇલ ફોનમાં ગીતો વગાડી દારૂ પી ડિસ્કો કરતાં બે સ્પા સંચાલક પકડાયા

અજય ખખ્ખર અને રોહન મકવાણા પાસેથી દારૂ, ગ્લાસ, ચવાણા-દાળીયાના ૪ ખુલેલા પેકેટ, ૫૦ હજારના ત્રણ મોબાઇલ ફોન પણ કબ્જેઃ બંને મુળ વિરપુરના વતની

રાજકોટ તા. ૬: કાલાવડ રોડ પર આત્મીય કોલેજની સામેના ભાગે રામપાર્ક-૨માં 'જય ભોલે' નામના મકાનમાં રહેતાં બે શખ્સ મોડી રાતે મોબાઇલ ફોનમાં મોટા અવાજે ગીતો વગાડી દારૂની મહેફીલ માણતા હોવાની માહિતી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી બંનેને નશો કરેલી હાલતમાં પકડી લઇ દારૂ, બાયટીંગ અને મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.

પોલીસે અજય વિજયભાઇ ખખ્ખર (ઉ.વ.૨૬-રહે. હાલ રામ પાર્ક, જય ભોલે નામના ભટ્ટભાઇના ભાડાના મકાનમાં, મુળ વતન વિરપુર સતી માતાના મંદિર પાસે તા. જેતપુર) તથા તેના જ ગામના રોહન દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૩) સામે દારૂબંધીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

બે શખ્સ મોડી રાતે મોબાઇલ ફોનમાં મોટા અવાજે ગીતો વગાડી ડીસ્કો કરી દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી પેટ્રોલીંગમાં રહેલા અંશુમનભા ગઢવી, દિપકભાઇ ડાંગર અને કિરતસિંહ ઝાલાને મળતાં પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે બંનેને પીધેલા પકડી ૩૫૦ મીલી દારૂ, બે ગ્લાસ, ચવાણુ અને દાળીયાના તૂટેલી હાલતમાં ૪ પેકેટ તથા રૂ. ૫૦ હજારના ત્રણ મોબાઇલ ફોન કબ્જે લીધા હતાં.

મહેફીલમાં ઓચીંતી પોલીસ ત્રાટકતાં બંનેનો નશો ઉતરી ગયો હતો. આ બંને રાજકોટ રહી સ્પા ચલાવે છે. જો કે હાલમાં કોરોના ગાઇડલાઇનને કારણે સ્પા બંધ છે.

(3:24 pm IST)