Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

શાળા નં. ૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય પારિતોષિક એનાયત

રાજકોટ તા. ૬ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પે. સેન્ટર શાળા નંબર ૯૩ ના આચાર્ય વનિતાબેન રાઠોડ ને વર્ષ ૨૦૨૧માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.

કોરોના મહામારીના કારણે આ વર્ષે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રના ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા. આ ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૯૩ નાં આચાર્ય વનિતાબેન રાઠોડની પસંદગી કરાતા તેઓને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. પ્રમાણપત્ર તથા સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યું. મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનજીની હાજરીમાં તથા આદરણીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિડશ્રીના હસ્તે તેઓએ કરેલી વિશિષ્ટ કામગીરીની વીડિયોગ્રાફી પણ દેશભરમાં પ્રસારિત કરવામાં આવી.

વનિતાબેન રાઠોડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત થયેલા નવતર પ્રયોગો, બાળકોના આરોગ્ય માટે લીધેલ કાળજી તથા પર્યાવરણ જાળવણી અને માવજત માટે અને કન્યા કેળવણીના  માટે તથા બાળકોના અભિનય કળા, ખેલ કૂદ, શાળા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તથા દાતાશ્રીની મદદથી તેમણે કરેલી શાળાના ભૌતિક સુવિધાઓના વિકાસની કામગીરીને ધ્યાનમાં લઈન રાષ્ટ્રીય કક્ષાએ સરાહના કરવામાં આવી.

ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા  શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ટી. એસ. જોષી સાહેબ, હૈદર, નૂતનબેન રાવલ, શિક્ષણ નિયામક ચાવડા તથા ગાંધીનગરના શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત કરવા બદલ વનીતાબેન રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું.

ગુજરાતના ગૌરવ સમાન વનિતાબેન રાઠોડને શિક્ષણ જગત તરફથી શિક્ષણ પરિવારના વિવિધ સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, કેળવણી નિરીક્ષક  ડો. પૂર્વીબેન ઉચાટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત, વાઇસ ચેરમેન  સંગીતાબેન છાયા, નગર પ્રા.શિ. સમિતિના વિવિધ સદસ્યો, યુઆરસી દિપકભાઈ સાગઠીયા, સી.આર.સી પ્રકાશભાઈ ચાવડા તથા શાળાના શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(3:19 pm IST)