Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

દેશનાં શ્રમિકોને સક્ષમ પગારવાળી રોજગારી જરૂરીઃ મગનભાઇ પટેલ

દેશનાં શ્રમિકોને સક્ષમ પગારવાળી રોજગારી જરૂરીઃ મગનભાઇ પટેલ

રાજકોટ તા. ૪: ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડરેશનના પ્રમુખ મગનભાઇ એચ. પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાકાળ દરમિયાન સૌથી વધારે આર્થિક ગંભીર અસર દેશનાં ૭૪ કરોડ શ્રમિક મજુરોને પહોંચી છે. સરકારે ગરીબો, શ્રમિકો માટે આરોગ્ય વીમા યોજના, જીવન વીમા યોજના, હાઉસીંગ યોજના, એજયુકેશન યોજના, અનાજ વિતરણ યોજના તેમજ અન્ય નાના મોટા વ્યવસાય માટે ગેરંટર વગરની લોન જેવી ઘણી બધી વ્યવસ્થા કરી છે, તેમાં સરકારી અવ્યવસ્થા અને તેની સાથે જોડાયેલા વેપારીઓ કે કન્સલ્ટન્ટો આ યોજનાઓને નફાખોરીમાં ફેરવી પરિણામલક્ષી પરિણામ લાવી શકયા નથી માટે દેશનાં ૭૪ કરોડ શ્રમિકો માટે કેન્દ્ર, રાજય સરકારો અને યોગ્ય વ્યકિતઓએ મોનીટરીંગ કરવું પડશે.

મગનભાઇ પટેલે વધુમાં જણાવ્યું છે કે આજે દેશમાં શ્રમિક અને ગરીબવર્ગના પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે જેની કિંમત આશરે રૂ. ૪૦૦ જેટલી હોય છે. આના બદલે જો રૂ. ૪૦૦ ની દૈનિક આવક મુજબની નોકરી શ્રમિકોને આપવામાં આવે તો તેઓને સરકારના અનાજની જરૂર ના રહે. આજની મોંઘવારી પ્રમાણે ગરીબ અને શ્રમિક વર્ગને સક્ષમ પગારવાળી રોજગારી અને રોજે રોજ કામની જરૂર છે.

આજે શ્રમિકો ફકત સરકારી સહાય પર આધારિત હોય છે. સરકારી સહાય લેવા માટે તેમની પાસે કોઇ જાણકારી હોતી નથી જેના લીધે સરકારી યોજનાનો યોગ્ય લાભ તેમને મળતવો નથી, આથી અયોગ્ય માણસો એજન્ટો દ્વારા અને ઓળખાણ દ્વારા લાયકાતમાં સમાવેશ થતો ના હોવા છતાં ખોટા લાભ લઇ જાય છે. ESI, PFજેવી બીજી સરકારી યોજનાઓ છે તેમાં શ્રમિકોના પરિવારોને ખાસ અગ્રીમતા આપવી જોઇએ. આ અંગે મગનભાઇ પટેલ, નરેન્દ્ર મોદી, શ્રમ રોજગાર અને ઉદ્યોગ મંત્રાલય સહીત રાજયોનાં મુખ્યમંત્રીઓને પત્ર લખી ધ્યાન દોર્યું છે.

(3:18 pm IST)