Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજકોટની રામેશ્વર સહકારી મંડળીની ૧૨ મિલકતો જપ્તે લેવા આદેશો

રામેશ્વર મંડળીના સંજય દૂધાગરા, ગોપાલ રૈયાણી, વિપુલ વસોયા મુખ્ય સૂત્રધારઃ કુલ ૨૩૬૫ રોકાણકારોઃ ૬ મિલકતો જામનગરની : રાજ્યના ગૃહ વિભાગે ડાયરેકટ સીટી પ્રાંત-૧ સિદ્ધાર્થ ગઢવીને સૂચના આપીઃ બુધવારે નાનામવામાં પ્રથમ મિલકત ટાંચમાં લેવાશે

રાજકોટ, તા. ૬ :. રાજકોટની રામેશ્વર સહકારી મંડળીના ત્રણ મુખ્ય સૂત્રધાર સંજય દૂધાગરા, ગોપાલ રૈયાણી, વિપુલ વસોયાએ રામેશ્વર સરકારી મંડળી રજીસ્ટ્રેશન કરાવી, રોકાણકારો-થાપણદારોને વાર્ષિક વ્યાજ ૬ ટકા, એક વર્ષ ફિકસમાં ૧૨ ટકા, ૧૩ ટકા તથા ૧૮ ટકા અને ૬૫ માસમાં નાણા બમણા કરી દેવાનો વાયદો. લલચામણી જાહેરાત કરી કુલ ૪૧ કરોડ ૯૮ લાખથી વધતી રકમ ઉઘરાવી નાણા પરત નહિ કરતા જે તે સમયે મોટો ઉહાપોહ મચી ગયો હતો.

આ રામેશ્વર સહકારી મંડળીમાં કુલ ૨૩૬૫ રોકાણકારોના ૪૨ કરોડ જેવી રકમ ફસાઈ ગઈ હતી. આ મામલે તપાસનો ધમધમાટ થયો હતો. આખરે રાજ્યના ગૃહ વિભાગે ધી ગુજરાત પ્રોટેકશન ઈન્સ્ટેસ્ટ ઓફ ડીપોઝીટર ફાયનાન્સ એકટ મુજબ શ્રી રામેશ્વર સહકારી મંડળીની રાજકોટ અને જામનગરમાં આવેલ કરોડોની ૧૨ મિલકતો ટાંચમાં લેવા-જપ્ત કરી લેવા આદેશો કર્યા છે.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગે આ બાબતે રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવીને સક્ષમ અધિકારી ત્રણ મિલકત ટાંચમાં લેવા અંગે ડાયરેકટ સૂચના આપતા બુધવારે શ્રી સિદ્ધાર્થ ગઢવી રાજકોટના નાનામવા સર્વે નં. ૩૩/૧ રહેઠાણ ૧૦૨ ચો.મી. જેની કિંમત ૨ કરોડ ૫૦ લાખ થવા જાય છે. તે બુધવારે સીલ કરી દેવા કાર્યવાહી કરશે.

અધિકારીઓએ જણાવેલ કે તમામ મિલકત શ્રી રામેશ્વર સહકારી મંડળીની છે. જેમાં રાજકોટમાં ૬ અને જામનગરમાં ૬ છે. બુધવારે પ્રથમ મિલકત ટાંચમાં લઈ ગૃહખાતાને જાણ કરી દેવાશે. આ ઉચાપત પ્રકરણે રાજકોટ-જામનગરમાં ભારે ચર્ચા જગાવી હતી.

(3:17 pm IST)