Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

હવેથી દરેક ગ્રા.પં. કચેરીએ આરટીઓની ડીજીટાઇઝ સેવા શરૂ થશે

બીજી ઓકટોબરથી રાજય સરકારની રોજબરોજની સેવાઓ સાથે આરટીઓની ડુપ્લીકેટ આરસી, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, લાયસન્સ રીન્યુ, શિખાઉ લાયસન્સની અરજી સહીતની ૧૦ કામગીરી ઓનલાઇન થશે : ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ સેન્ટરમાં આરટીઓને લગતી કામગીરી માટે સ્ટાફને તાલીમ અપાઇઃ હવે લોકોને આરટીઓ કચેરી સુધી લાંબા નહી થવુ પડે : કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને અરજદારોને કચેરીએ જવુ ન પડે તે માટે રાજયના વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા નિર્ણય લેવાયો

રાજકોટ, તા., ૬: રાજય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અરજદારો માટે સરકારશ્રીની રોજબરોજની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. આ સેવા સેતુમાં  આગામી તા. ર જી ઓકટોબરથી દરેક ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ સેન્ટર ખાતે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે.

રાજયના વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા દરેક જીલ્લાના સહાયક પ્રાદેશીક  વાહન વ્યવહાર અધિકારીને આગામી તા.  ર જી ઓકટોબરથી જે તે જીલ્લાના દરેક ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર ખાતે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવા શરૂ કરવા જણાવાયું છે અને આ અંગે ઇ-ગ્રામ સેન્ટરના કર્મચારીઓને આરટીઓને લગતી કામગીરી   માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.

ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર ખાતે   ડુપ્લીકેટ આરસી બુક-ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, શિખાઉ લાયસન્સ અરજી કરાવવી, એપોઇમેન્ટ મેળવવી, હાઇપોથીકેશન રદ કરવું, ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુઅલ, આરસી બુક સંબંધીત માહીતી ઉપલબ્ધ કરાવવી, ડ્રાઇવીંગ લાયસન્સની માહીતી, ડ્રાઇવીંગ લાયસન્સ રીપ્લેસમેન્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ બેકલોગ તથા વાહન આરસીની બેકલોગની કામગીરી સહીત ૧૦ કામગીરી થશે.

ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેવા સેન્ટર ઉપર આરટીઓ સંબંધીત અરજદારે ઇ-ગ્રામ ખાતે નક્કી થયેલ ફીનું ચુકવણું કરવાનું રહેશે. તેમજ આરસી સંબંધીત માહીતી અને ડ્રાઇવીંગ લાયસન્સ સેવા સેતુના દિવસે અરજદારને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે સિવાયની બાકીની અરજી માટે અરજદાર ઇ-ગ્રામ સેવા સેન્ટર ખાતેથી જરૂરી આધાર-પુરાવા અને ફી સાથે ઓનલાઇન અરજી કરી નિયત તારીખ મેળવી લેવાની રહેશે અને જે તે ઇ-ગ્રામ સેવા સેન્ટર ખાતે અગ્રતાના ધોરણે જે તે અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

દરેક ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર ખાતે સરકારશ્રીની રોજ-બરોજની સેવાઓ સાથે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવાઓ  શરૂ થયે લોકોને હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહી થવુ પડે.

રાજયના વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને ઓછામાં ઓછા અરજદારો આરટીઓ કચેરીએ આવે તે માટે ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર ખાતે આરટીઓની ડીજીટાઇઝ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (૪.૬)

-: અહેવાલ :-

રાજભા ઝાલા

(3:16 pm IST)