Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ખાલી પડેલા આવાસના ફલેટોમાં ગેરકાયદે કબ્જો કરનારા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મ.ન.પા.ની આવાસ યોજનાની ખખડધજ હાલત જોઇ અમિત અરોરા ચોંકયા : સવારથી મ્યુ. કમિશનરે ખુદ કુવાડવા રોડ, રેલનગર, નટરાજનગર સહિતની આવાસ યોજનામાં દરોડા પાડતા ખળભળાટ : સેંકડો ખાલી પડેલા ફલેટોમાં બહારના લોકોની ઘુસણખોરી : વર્ષોથી ખાલી પડેલા કવાર્ટરો ખખડી ગયા

રાજકોટ તા. ૬ : મ.ન.પા.ની આવાસ યોજનાઓમાં ખાલી પડેલા અને કોર્પોરેશને કોઇને ફાળવ્યા ન હોય તેવા ફલેટમાં બહારના લોકો ઘુસણખોરી કરતા હોવાનું ખુદ મ્યુ. કમિશનર અમિત અરોરાએ આજે સવારે લીધેલી વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત દરમિયાન ખુલતા તેઓ ચોંકી ઉઠયા હતા. આથી તેઓએ શહેરની તમામ મ.ન.પા.ની આવાસ યોજનાઓનો તાત્કાલિક સર્વે કરવા સુચના આપી મ.ન.પા.એ નહી ફાળવેલા કવાર્ટરોમાં જે કોઇએ ઘુસણખોરી કરી હોય તેવા લોકો સામે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફોજદારી ફરિયાદ કરવા સુચનાઓ આપી હતી.

આ અંગે મ્યુ. કમિશનરશ્રી અરોરાએ જણાવેલ કે, તેઓએ કુવાડવા રોડ પરની એલ.આઇ.જી., રેલનગરની ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ, નટરાજનગર વગેરે આવાસ યોજનાઓની મુલાકાત લીધી. આ દરમિયાન ખાલી પડેલા અને મ.ન.પા.એ કોઇને નહી ફાળવેલા કવાર્ટરોમાં સામાન મુકી ગેરકાયદે કબ્જો કરવાના કેટલાક કિસ્સા ધ્યાનમાં આવ્યા છે. ઉપરાંત આવા બિનઉપયોગી કવાર્ટરોની હાલત પણ ખખડધજ જેવી થઇ ગયાનું જોવા મળેલ.

જ્યારે નટરાજનગરમાં જે લોકોને આવાસો ફાળવાયા છે સાથે જ તેઓના ઢોર બાંધવા શેડ પણ અપાયા છે છતાં અહીંના લાભાર્થીઓ તેઓના ઢોર ખુલ્લા પ્લોટમાં બાંધતા હોવાનું જોવા મળેલ. આથી આ સમસ્યાનું નિરાકરણ પણ લાવવા સુચનાઓ અપાઇ હતી.

દરમિયાન મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, સરકારશ્રી દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના બનાવી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે. આજે તા. ૬ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન આવાસ યોજનાઓમાં ખાલી રહેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબજો ધરાવતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીએ વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના, નટરાજનગર સાધુવાસવાણી રોડ પર આવેલ રાજીવ આવાસ યોજના, મારૂતી સર્વિસ સ્ટેશન પાછળ મોરબી રોડ પર આવેલ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ અને જકાતનાકા પાછળ કુવાડવા રોડ પર આવેલ BSVP – 2 આવાસ યોજનાની મુલાકાત કરી હતી.

મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલા આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને RMC હસ્તકની આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવા સુચના આપી હતી સાથોસાથ સ્વચ્છતા જાળવવા બાબતે પણ સૂચન કર્યા હતા.

વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ઇન્ચાર્જ આવાસ યોજનાના સિટી એન્જી. એસ. બી. છૈયા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડે. એન્જી. પી.ટી. પટેલ, આસી. મેનેજર કૌશિક ઉનાવા અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 pm IST)