Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

એકસપાયર્ડ આયુર્વેદિક દવા અને સિરપ ધાબડવાના કોભાંડમાં આરોપીઓના રિમાન્ડ

બની બેઠેલા ડોકટર પરેશ ચોવટીયા સહિત ત્રણેયએ રાત લોકઅપમાં વીતાવીઃ કોમ્પ્યુટર કબ્જેઃ મિલ્કતોની તપાસ

એસટી બસ સ્ટેશનમાં પરેશે ૧૩ દૂકાનો લીઝથી રાખી લીધી હતીઃ મોટા પાયે 'ધંધો' જમાવે એ પહેલા પોલીસે ઉઘાડો પાડી દીધો : માભો જમાવવા પરેશે હોસ્પિટલમાં પોતાની ત્રણ-ત્રણ ચેમ્બરો બનાવડાવી હતી

રાજકોટ તા. ૬: શહેરના ઢેબર રોડ ગુરૂકુળ પાસે શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાં દરોડો પાડી શહેર એસઓજીની ટીમે બની બેઠેલા ડોકટર પરેશ હરિલાલ ચોવટીયા (ડોકટર) તથા તેની પત્નિ મીનલબેન (રહે. બંને રામનગર-૫ ગોંડલ રોડ) અને એકસપાયર્ડ આયુર્વેદિક દવા-સિરપ પર લગાડવાના સ્ટીકરો છાપી આપનારા ગ્રાફિક ડિઝાઇનર પ્રિન્સ હિતેષભાઇ ડઢાણીયા (રહે. રૈયા રોડ દર્શન હાઇટ, આલાપ ગ્રીનસીટી પાછળ) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૮મી તારીખ સુધીના રિમાન્ડ મળતાં ત્રણેયની વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી હતી.   નવા બસ સ્ટેશનમાં એક સાથે ૧૩ દૂકાનો લીઝથી રાખનારા પરેશે ચાર દૂકાનોમાં ફર્નિચર બનાવવાનું ચાલુ કરાવ્યું હતું. માભો જમાવવા પોતાના એકલા માટે ત્રણ ત્રણ ચેમ્બર બનાવડાવી હતી. પણ પોલીસે તેનો ખેલ ઉઘાડો પાડી દેતાં તેના સહિત ત્રણેયને રાત લોકઅપમાં વિતાવવી પડી છે. પોલીસે એક કોમ્પ્યુટર કબ્જે કર્યુ છે અને પરેશની મિલ્કતોની તપાસ આદરી છે.

માત્ર સાત ચોપડી ભણેલા પરેશે ખોટા ધંધા આદરવાના ઇરાદે જ પોતાને ડોકટર તરીકે ઓળખાવવા માટે પોતાની ચોવટીયા અટક હટાવી એફીડેવીટ કરી ડોકટર અટક ધારણ કરી લીધી હતી. એ પછી કિડની ડાયાબીટીશના દર્દીઓને આયુર્વેદિક દવા સિરપના નામે એકસપાયર્ડ દવાઓ, સિરપ ધાાબડવાનું ચાલુ કર્યુ હતું. તપાસમાં બહાર આવ્યું છે કે પરેશ આયુર્વેદિક સિરપ અને ટીકડીઓ-ટેબલેટ ઉપર કોટડા સાંગાણીના રામોદ ગામના ઉપેન્દ્રભાઇ નાથાણીની કંપનીના સિરપના અને અમદાવાદની કંપનીના એફએસએસઆઇ નંબર લગાડી પોતાની કંપનીના નામ પરિવાર વેલનેશ તથા મારૂતિ ફાર્માસ્યુટિકલના નામના લેબલ લગાડી વેંચાણ કરતો હતો. આ બંને કંપીનના એડ્રેસ કેનાલ રોડ પર આરાધના કોમ્પલેક્ષની ૪૦૪ નંબરની ઓફિસના છે. મેન્યુફેકચરીંગ લાયસન્સ વગર જ તે આ દવા સિરપનું વેંચાણ કરતો હોવાની શંકાએ વિશેષ તપાસ યથાવત રખાઇ છે.

બીજી તરફ એકસપાયર્ડ દવા સિરપ પર લગાડવાના સ્ટીકર છાપી આપનાર પ્રિન્સ ડઢાણીયાના પ્રિન્ટીંગ પ્રેસમાંથી એસઓજીએ કોમ્પ્યુટર કબ્જે કર્યુ છે. પરેશ પાસેથી ઉદયપુરની રસરાજ આયુર્વેદિક કંપની અને સુરત ઓલપાડની હની ઇન્ડસ્ટ્રીઝ કંપનીની દવાઓ પણ મળી હોઇ તે કેવી રીતે મેળવી તેની પણ તપાસ થઇ રહી છે.  પરેશે નવા બસ સ્ટેશનમાં ત્રીજા માળે એક સાથે તેર દૂકાનો લીઝથી રાખી લીધી હતી. જેમાંથી ચાર દૂકાનોમાં ઓશો હોસ્પિટલ નામે કલીનીક શરૂ કરી દીધુ હતું. તે આ તમામ દૂકાનોમાં ધમધોકાર ધંધો ચાલુ કરવા ઇચ્છતો હોઇ ફર્નિચર કામ પણ શરૂ કરાવ્યું હતું. માભો જમાવવા માટે અહિ પોતાના માટે અલગથી ત્રણ ત્રણ ચેમ્બર બનાવવા તૈયારી કરી હતી. પરંતુ તેના ખોટા ધંધા જામે એ પહેલા પોલીસે ઉઘાડો પાડી દીધો હતો. તેની મિલ્કતો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, રવિભાઇ વાંક, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, કોન્સ. સિરાજભાઇ ચાનીયા, યુવરાજસિંહ રાણા, યોગેન્દ્રસિંહ ઝાલા, સોનાબેન મુળીયા અને શાંતુબેન મુળીયા વધુ તપાસ કરે છે.

(1:03 pm IST)