Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

કાલે દેરાવાસી સમાજમાં ૧૪ સ્વપ્નની હર્ષોલ્લાસ સાથે ઉછામણીઃ તપ, ત્યાગ અને ધર્મ આરાધનાની હેલી

મૂર્તિપૂજક સંઘોમાં પવીત્ર કલ્પસૂત્ર વાંચનનો શુભારંભ

સ્થાનકવાસી સમાજમાં પૂ. ગુરૂભગવંતો દ્વારા સતત વહેતી જ્ઞાન વાણીઃ વ્યાખ્યાનનો લાભ લેતા શ્રાવક-શ્રાવીકાઓ

પ્રભુજીના દર્શન-વંદનનો લાભ લેતા ભાવિકો :.. પર્યુષણ મહાપર્વના દિવસો ધર્મોલ્લાસથી પસાર થઇ રહ્યા છે. આજે પર્યુષણ પર્વનો ચોથો દિવસ છે. દેરાસરોમાં આજથી પૂ. ગુરૂભગવંતો દ્વારા પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ થયું છે, ત્યારે રાજકોટના એરપોર્ટ રોડ દેરાસર ખાતે પ્રભુજીને મનમોહક આંગી રચવામાં આવેલ. દેરાસરને રોશનીનો શણગાર કરાયેલ. તસ્વીરમાં પ્રભુજીની આરતી ઉતારતા અને દર્શન કરતા શ્રાવક-શ્રાવીકાઓ દર્શાય છે. અંતિમ તસ્વીરમાં પ્રભુજીને કરાયેલ નયનરમ્ય અંગરચનાના દર્શન થાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૬ :.. પર્યાધિરાજ પર્યુષણના પાવન દિવસો આગળ વધી રહ્યા છે. જિનાલયો-ઉપાશ્રયોમાં તપાત્યાગ અને ધર્મ આરાધનાનો માહોલ સર્જાયો છે. મૂર્તિપૂજક જૈનોમાં આજે મહાપર્વનો ચોથો દિવસ છે. જયારે સ્થાનકવાસી જૈનોના પર્યુષણનો ત્રીજો દિવસ છે.

મૂર્તિપૂજક જૈન સંઘોમાં આજે સવારે કલ્પસૂથ્ર મહાગ્રંથનો ઘરે લઇ જવા, વહોરાત્યા તથા પૂજા વગેરેનો લાભ લેનાર લાભાર્થી પરિવારે પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ પૂ. ગુરૂ ભગવંતોને વહોરાવ્યો હતો. પૂજા વિધી બાદ પૂ. ગુરૂ ભગવતો દ્વારા કલ્પસૂત્રનું વાંચન કર્યુ હતું.

જૈનોમાં કલ્પસૂત્ર ગ્રંથ મહાપવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર ગ્રંથની રચના આચાર્યદેવ શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરી છે. પર્યુષણ પર્વના ચોથા દિવસે ગુરૂ ભગવંતો કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ કરે છે.

પર્યુષણ મહાપર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્ર ગ્રંથની ઉછામણી બોલવામાં આવેલ. લાભાર્થી પરિવાર દ્વારા ઢોલ-નગારા સાથે પવિત્ર ગ્રંથને ઘરે લઇ જવામાં આવેલ. જયાં શણગારેલ સ્થાન ઉપર પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથને રાખવામાં આવેલ. લાભાર્થી પરિવાર દ્વારા આખો દિવસ પ્રભુ ભકિત કરવામાં આવી હતી. અને આજે સવારે પૂ. ગુરૂ ભગવંતોને વહોરાવામાં આવેલ.

પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથની શરૂઆતમાં આએલકય આદીદશ આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. પર્યુષણ મહાપર્વના શરૂઆતના  ત્રણ દિવસોમાં શ્રાવકના આચારનું વર્ણન કરાયું છે. આજથી સાધના આચાર અને ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીના જીવનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ર૩ તીર્થકર ભગવંતોનું સંક્ષિપ્ત વર્ણન અને ત્યાર પછી પ્રભુવીરની પ્રાર પરંપરાનંુ વણન છે. જયારે અંતમાં સાધુની સમાચારીનું વર્ણન કરવામાં આવેલ છે.

જે આત્મા ર૧ વખત ભાવપૂર્વક સંપૂર્ણ કલ્પસૂત્રનું શ્રવણ કરે તે આત્માનો મોક્ષદ્વાર અવશ્ય ખુલી જાય છે. આજે સવારથી જ પૂ. ગુરૂભગવંતો દ્વારા પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ કરવામાં આવેલ. સ્થાનકવાસી સમાજમાં પૂ. ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં અવિરત જ્ઞાન વહાવી રહ્યા છે. જૈન સમાજમાં ધર્મોલ્લાસ સાથે તપસ્યાઓ ચાલી રહી છે.

આજે સવારે પૂ. ગુરૂ ભગવંતોએ પવિત્ર કલ્પસૂત્ર વાંચનના પ્રથમ વ્યાખ્યાનમાં ધર્મસાથી તરીકે નવાજેલા પ્રભુ મહાવીર સ્વામીએ ઉન્માર્ગે ગયેલા મેઘકુમાર મુનિને કઇ રીતે સન્માર્ગે વાળ્યા તેનું વર્ણન કર્યુ હતું. બપોરે બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીના ર૭ ભવનું વર્ણન પૂ. ગુરૂભગવંતો દ્વારા કરાયેલ.

આવતીકાલે પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે સવારે પૂ. ગુરૂ ભગવંતો પવિત્ર કલ્પસૂત્રના વાંચન દરમિયાન દસ સ્વપ્નાનું વર્ણન કરશે. આજે ચાર સ્વપ્ન ગજવર, વૃષભ, સિંહ તથા લક્ષ્મીદેવીનું વર્ણન કરાયેલ. કાલે માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્ન ઉતારવામાં આવશે. પ્રભુવીરના જન્મનું વાંચન થશે, વધામણા કરાશે. દેરાસરોમાં સવારે અથવા બપોરે ૧૪ સ્વપ્નાની ઉછામણી દ્વારા ભાગ્યશાળી પરિવાર લાભ લઇ અક્ષતથી વધાવશે. (પ-પ)

પર્વાધિરાજ - પર્વ પર્યુષણ દિન - ચતુર્થ

જૈનોનો પવિત્ર ગ્રંથ - કલ્પસુત્ર

જે રીતે મરજીવાઓ દરિયામાં ડુબકી મારી મોતી મેળવે છે એવી રીતે પ્રત્યાખ્યાન નામના પુર્વરૂપી સાગરમાંથી મેળવીને ચૌદપુર્વી આચાર્યદેવ ભદ્રબાહુસ્વામીએ કલ્પસુત્રની રચના કરી.

જેમ હિન્દુઓમાં ગીતા, મુસ્લિમોમાં કુરાન, ખ્રિસ્તીઓમાં બાઇબલ, બૌદ્ધોમાં ત્રિપિટક એવી જ રીતે જૈનોમા કલ્પસુત્ર ગ્રંથ મહાપવિત્ર મનાય છે. પર્વાધિરાજ પર્વ પર્યુષણના ચોથા દિવસથી આ મહાન ગ્રંથનું વાંચન શરૂ થાય છે. સાધુ ભગવંતો આ ગ્રંથનું મૂળ ભાષામા વાંચન કરી શકે છે.

'કલ્પ એટલે આચાર' આચારની વિચાર ઉપર અસર પડે છે. 'જેવું અન્ન તેવું મન' તેમજ વિચારની આચાર ઉપર અસર થાય છે. આ શાસ્ત્રમાં શરૂઆતમાં સાધુના દસ આચારનું વર્ણન કરવામાં આવે છે. પર્યુષણ મહાપર્વની શરૂઆતના ત્રણ દિવસમાં શ્રાવકના આચારનું વર્ણન કરવામાં આવ્યુ છે. આજથી સાધુના આચાર અને ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીના જીવનનું વિસ્તારથી વર્ણન તે પછી ૨૩ તીર્થંકરોનું સંક્ષિપ્ત વર્ણન તે પછી મહાવીર સ્વામીના પાટપરંપરાનું વર્ણન અને છેલ્લે સાધુની સમાચારીનું વર્ણન કરવામા આવ્યુ છે.

ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે ધ્રુવસેન રાજાનો પુત્ર મરણ પામવાથી શોકથી સંતપ્ત થયેલા રાજાને સમાધિ આપવા માટે વડનગરમાં રાજા રાણી વગેરે ગૃહસ્થોની સભાઓમાં મહાપવિત્ર કલ્પસુત્રનું વાંચન થયુ. તેથી બધાનો શોક દુર થયો. બધા હર્ષ અને આનંદથી વિભોર બની ગયા ત્યારબાદ આ કલ્પસુત્ર ચતુર્વિધ સંઘને સંભળાવવામાં આવે છે. જે આત્મા સંપુર્ણ કલ્પસુત્ર ૨૧ વાર ભાવપુર્વક સાંભળે છે. તે આત્માના મોક્ષના દ્વાર અવશ્ય ખુલી જાય છે.

પર્યુષણ પર્વના ચોથા દિવસે કલ્પસુત્રના બે વ્યાખ્યાન સાધુ ભગવંતોએ વાંચવાના હોય છે. કલ્પસુત્રના પ્રથમ વ્યાખ્યાનમા સાધુના દસ આચાર બતાવ્યા છે. સાધુના ચાર્તુમાસ માટે ૧૩ ગુણોવાળુ ઉતમ ક્ષેત્ર અને ૪ ગુણોવાળુ જધન્યક્ષેત્ર કહ્યુ છે. ધર્મસારથી તરીકે રહેલા પ્રભુ મહાવીરસ્વામીએ મેઘકુમારને શી રીતે સન્માર્ગે લાવ્યા. તેનુ વર્ણન પ્રથમ વ્યાખ્યાનમાં છે.

બીજા વ્યાખ્યાનમા ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલા રાણીએ જે ૧૪ સ્વપ્નો જોયા તેમા પ્રથમ ૪ સ્વપ્નનું વર્ણન કરવામાં આવે છે. તે સ્વપ્ન આ પ્રમાણે છે. ૧) ગજવર (ર) વૃષભ (૩) સિંહ (૪) લક્ષ્મીદેવી.

આજનો દિવસ કલ્પઘર તરીકે ઓળખાય છે. આજના પ્રતિક્રમણમાં ચૌદશ હોવાથી પખ્ખી પ્રતિક્રમણ કરવામાં આવશે.(૪૫.૯)

હિમાંશુ બી.દેસાઇ મો.૯૪૨૯૩ ૧૫૩૨૦

(11:43 am IST)