Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

પોલીસના સતત સંપર્કમાં રહી હત્યારાનો પીછો કરી આરોપીને પકડાવનાર નાગરિકનું સન્માન ફૂટપાથ પર ઉંઘી રહેલા દિનેશને દૂર સુવાનું કહેતાં ઝઘડો થયો ને જયંતિએ પાણો મારી પતાવી દીધો!

હત્યાનો ભોગ બનનાર ખાંટ આધેડ મુળ જુની મેંગણીનોઃ હત્યા કરનાર કુંભાર શખ્સ મુળ ગોંડલના લુણીવાવનોઃ બંને રખડતું જીવન જીવતા'તા, બંને એક બીજાને ઓળખતા પણ નહોતાં: માલવીયાનગર પોલીસની વિશેષ તપાસ

તસ્વીરમાં ઘટના સ્થળે દિનેશભાઇ ઉર્ફ જેનાભાઇનો લોહીલુહાણ મૃતદેહ, માલવીયાનગર પોલીસનો સ્ટાફ અને એકઠા થયેલા લોકો, ઇન્સેટમાં મૃતકનો ફાઇલ ફોટો  જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)  : હત્યાનો આરોપી જયંતિ ઉર્ફ નટુ જોટાણીયા (ઇન્સેટ) અને ડિટેકશન અંગે વિગતો આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા પીઆઇ કે. એન. ભુકણ તથા માલવીયાનગરની ટીમ જોઇ શકાય છે. તેમજ જાગૃત નાગરિકનું પોલીસ કમિશનરશ્રીએ સન્માન કર્યુ તે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શનિવારે રાતે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર કૃતિ ઓનેલા બિલ્ડીંગની સામેના ભાગે ફૂટપાથ પર મુળ કોટડા સાંગાણીના જુની મેંગણીના વતની અને હાલ રાજકોટમાં છુટક ડ્રાઇવીંગ કરી રખડતું જીવન જીવતાં ખાંટ દિનેશભાઇ ઉર્ફ જેનાભાઇ પોપટભાઇ સરમાળી (ઉ.વ.૪૫)ની માથા પર પથ્થર ફટકારી હત્યા કરવામાં આવી હતી. માલવીયાનગર પોલીસે એક જાગૃત નાગરિકની મદદથી ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખી હત્યારા જયંતિ ઉર્ફ નટુ ભીખાભાઇ જોટાણીયા (કુંભાર) (ઉ.વ.૩૯) નામના મુળ ગોંડલના લુણીવાવના શખ્સને દબોચી લીધો હતો. ઘટના નજરે જોનાર જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી  અને માલવીયાનગરના કોન્સ્ટેબલે આ નાગરિક સાથે સંપર્કમાં રહી એકાદ કિ.મી. સુધી પીછો કરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી જયંતિએ ફૂટપાથ પરથી દૂર સુવાનું કહેતાં દિનેશભાઇ ઉર્ફ જેનાભાઇ સાથે માથાકુટ થતાં હત્યા થયાનું ખુલ્યું છે.

હત્યાના બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનેલા દિનેશભાઇ ઉર્ફ જેનાભાઇના ભાણેજ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૧૪માં રહેતાં કાંતિભાઇ રવજીભાઇ મકવાણાની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યાનો ભોગ બનેલા દિનેશભાઇ જુની મેંગણીના વતની હતાં. તેના પત્નિ રમાબેનનું દસેક વર્ષ પહેલા અવસાન થયું છે. તેને બે દિકરા મયુર (ઉ.૧૬) અને રાજ (ઉ.૧૨) તથા એક દિકરી અલ્કા (ઉ.૧૭) છે. આ ત્રણેય સંતાનો સગા સંબંધી સાથે અલગ અલગ રહે છે. દિનેશભાઇ ઉર્ફજેનાભાઇ લાંબા સમયથી રાજકોટમાં છુટક ડ્રાઇવીંગ કરી રખડતું જીવન જીવતાં હતાં.

છેલ્લે હત્યા થઇ એ દિવસે સાંજે ચારેક વાગ્યે તે ભાણેજ કાંતિભાઇના ઘરે ગયા હતાં. થોડીવાર રોકાઇને નીકળી ગયા હતાં અને રાત્રીના નવેક વાગ્યે તેની હત્યા થઇ ગઇ હતી. હત્યાનો બનાવ નજરે જોનારા ખોડિયારનગર-૧૫ના મહેન્દ્રગીરી પ્રભાતગીરી ગોસ્વામીએ એક શખ્સ ફૂટપાથ પરથી મોટો પથ્થર ઉપાડી દિનેશભાઇના માથામાં જોરથી ઘા ફટકારી ચાલીને નીકળી ગયાનું મહેન્દ્રગીરીએ જણાવ્યું હતું.

જાગૃત નાગરિકે તુરત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. એ પછી માલવીયાનગરના કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજા જાગૃત નાગરિક મહેન્દ્રગીરીના સંપર્કમાં રહ્યા હતાં અને નાગરિકે આરોપી ચાલીને જતો હોઇ તેનો સતત પીછો કર્યો હતો. પોલીસમેનને લોકેશન પણ મોકલ્યું હતું. કુલદિપસિંહ એ લોકેશન પર રવાના થયા હતાં અને પીઆઇ કે. એન. ભુકણને જાણ કરતાં તે તથા પીએસઆઇ વી. કે. ઝાલા સહિતની ટીમ પણ પહોંચી ગઇ હતી અને  આરોપીને ઝડપી લેવાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અને રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ જાડેજા, કમલેશભાઇ મોરી, અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિયાત્રા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કુલદિપસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી.

આરોપીને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે એવું રટણ કર્યુ હતું કે પોતે ફૂટપાથ પાસે નીકળ્યો ત્યારે હત્યાનો ભોગ બનનાર ત્યાં નડતરરૂપ થાય એ રીતે સુતો હોઇ તેને દૂર સુવાનું કહેતાં બોલાચાલી થયા બાદ પોતાને ગુસ્સો આવતાં માનસિક અસ્વસ્થતાને કારણે પથ્થર ફટકારી દીધો હતો! આવા કારણથી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી. આરોપીની વિશેષ પુછતાછ થઇ રહી છે. આરોપી જયંતિ પણ રાજકોટમાં દોઢેક વર્ષથી રખડતું જીવન જીવે છે અને પોતે છુટક કડીયા કામ કરે છે. ઘરમાં કલેશ થતાં પોતે ઘર છોડીને રહેતો હોવાનું રટણ કર્યુ હતું.

(4:27 pm IST)