Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

દૂધ ઉત્પાદકો ખાટ્યા : રાજકોટ ડેરી દ્વારા ૧૧ મીથી કિલો ફેટે રૂ. ૨૦ વધશે

૫૦ હજાર દૂધ ઉત્પાદકો માટે ૫૦ દિ'માં ત્રીજી વખત લાભ જાહેર કરતા ગોરધનભાઇ ધામેલિયા

રાજકોટ,તા.૬ : કેબીનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના ચેરમેન જયેશ રાદડીયાના માર્ગદર્શન હેઠળ અને દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઇ ધામેલીયાની અધ્યક્ષતામાં સંઘ સાથે જોડાયેલા ૫૦ હજાર દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને પ્રાધાન્ય આપીને દૂધનાં ખરીદભાવમાં વધારો કરવાનો સરાહનીય નિર્ણય કરેલ છે. હાલ ચોમાસાની મોસમમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો પાક નિષ્ફળ જવાની ચિંતા કરી રહ્યા છે. તેમજ કપાસીયા ખોળના આસમાને પહોંચેલ ભાવોથી પશુપાલકોને આર્થિક મદદરૂપ થવા દૂધના ખરીદભાવમાં કિલો ફેટ. રૂ. ૨૦નો વધારો કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે પશુપાલકોને મુશ્કેલીના સમયે આર્થિક સહયોગ મળી રહેશે.

રાજકોટ જિલ્લા દૂધ સંઘ (ડેરી)ના ચેરમેન ગોરધનભાઇ જણાવે છે કે હાલ સૌરાષ્ટ્રના દૂધ સંઘોના દૂધના ભાવની તુલનાએ રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને સારો ભાવ મળી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા. ૧/૪/૨૦૨૧થી કિલો ફેટના ૬૫૦ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હાલની ચોમાસાની પરિસ્થિતી અને કપાસીયા ખોળના ભાવોને ધ્યાનમાં રાખીને ૫ માસના ગાળામાં ક્રમસહ રૂ. ૫૦નો ભાવ વધારો કરી ઉત્પાદકોના હિતમાં સંઘના મેનેજમેન્ટે નિર્ણય કરેલા છે સંઘો દ્વારા છેલ્લા ૫૦ દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો કરેલ છે.

દૂધ સંઘ દ્વારા રૂ. ૨૦/-નો ભાવ વધારો કરી તા. ૧૧/૯/૨૦૨૧થી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ. ૭૦૦/- ચુકવવાનો નિર્ણય કરેલ છે. દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂ. ૬૯૫ લેખે ચુકવશે. તેમ દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઇ ધામેલીયા જણાવે છે.

(11:41 am IST)