Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ગાયોને છરી ઝીંકનાર મહાત્મા ગાંધી પ્લોટના વિશાલની ધરપકડઃ ઢીંક મારતી'તી એટલે આવું કર્યાનું રટણ

ભગવતીપરા પુલ નીચે બનેલી ઘટનાનો બી-ડિવીઝન પોલીસે કલાકોમાં ભેદ ખોલ્યો

રાજકોટ તા. ૬: ભગવતીપરા પુલ નીચે શનીવારે રાત્રે ચાર ગાયોને અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથીયાર વડે ઇજા પહોંચાડ્યાની ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાઇ ગયો હતો. આ અંગે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો હતો. પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં. ૧માં રહેતાં વિશાલ જયંતિભાઇ મકવાણા (ઉ.વ.૨૩)ની ધરપકડ કરી છરી કબ્જે લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. શેરીમાં ગાયો ઢીક મારતી હોઇ આ અંગે કોર્પોરેશનમાં અરજીઓ કરવા છતાં કાર્યવાહી થતી ન હોઇ પોતાને ગુસ્સો ચડતાં ગાયોને છરીથી ઘાયલ કર્યાનું રટણ આ શખ્સે કર્યુ હતું.

 પારેવડી ચોક પાસે ઓવરબ્રીજ નીચે કોઇ અજાણ્યો શખ્સ ગાયોને કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઇજા પહોંચાડી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવુ કૃત્ય કરી ભાગી ગયો હતો. આ અંગે બી ડીવીઝન પાલીસે મહાત્મા ગાંધી પ્લોટ -૨માં રહેતાં ભરતભાઇ ભૂપતભાઇ મકવાણા (ભરવાડ) (ઉ.વ.૩૦)ની ફરિાયદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૪૨૮, ૪૨૯,  ૨૯૫ (૬), તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનીયમની કલમ ૧૧(૧) (એ) (આઇ) તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ બનાવનો ભેદ તાકીદે ઉકેલી આરોપીની શોધી કાઢવા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલે સુચના આપતાં બી-ડિવીઝનના ઇન્ચાર્જ પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં ડી. સ્ટાફ પીએસઆઇ બી. બી. કોડીયાતર તથા ટીમે ઘટના સ્થળે જઇ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સિસની મદદ લઇ આરોપી વિશાલને તેના ઘર પાસેથી પકડી લીધો હતો. પ્રારંભે તો તેણે પોતે કંઇ જાણતો ન હોવાનું રટણ કર્યુ હતું. પણ પોલીસે વિસ્તૃત પુછતાછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત આપી હતી.

તેણે કહ્યું હતું કે વિસ્તારમાં ગાયો ઢીંક મારતી હોઇ આ અંગે ગાયોના માલિકોને અને કોર્પોરેશનમાં અરજી કરવામાં આવી હતી. પણ કાર્યવાહી થતી ન હોઇ જેથી પોતાને ગુસ્સો ચડતાં ગાયોને ઘાયલ કરી હતી. આ શખ્સને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇન્ચાર્જ પીઆઇ સી. જે. જોષી, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, કોન્સ. જયદીપસિંહ બોરાણા, હંમેદ્રભાઇ વાધીયા, સંજયભાઇ મીયાત્રા, પરેશભાઇ સોઢીયા,મતેશભાઇ આડેસરા તથા ચાપરાજભાઇ ખવડે આ કાર્યવાહી કરી હતી. 

(11:40 am IST)