Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જંગલેશ્વરના ખાડામાં ન્હાવા પડતાં ડૂબી જતાં ૧૩ વર્ષની કિરણનું મોત

ખોડિયારનગરમાં રહેતી બાળા માનસિક અસ્થિરતાને લીધે ઘરેથી નીકળી ગઇ હતી ટૂંકા વાળ અને પહેરવેશને લીધે છોકરો ડૂબી ગયાની પોલીસને જાણ કરાઇ હતીઃ લોકોએ તેને ન્હાવા પડવાની ના પણ પાડી હતી

જેમાં બાળા ડૂબી ગઇ તે જંગલેશ્વર નદીનો ખાડો અને કાર્યવાહી કરતી પોલીસ તથા બાળાનો નિષ્પ્રાણ દેહ

રાજકોટ તા. ૬: જંગલેશ્વર શેરી નં. ૩૬ની સામે નદીના ખાડામાં સાંજે પોણા છએક વાગ્યે એક છોકરો ન્હાવા જતાં ડૂબી જવાથી મોત નિપજ્યાની જાણ ૧૦૮ મારફત થતાં થોરાળા પોલીસે પહોંચી તપાસ કરતાં મૃતક છોકરો નહિ પણ છોકરી હોવાનું અને તે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯માં રહેતી કિરણ કનુભાઇ ચંદ્રપાલ (અનુ. જાતી) (ઉ.૧૩) હોવાનું ખુલ્યું હતું.

થોરાળાના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા અને વિક્રમભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસનીશ શ્રી જાડેજાના કહેવા મુજબ મૃતકના ટૂંકા વાળ અને પેન્ટ શર્ટના પહેરવેશને કારણે છોકરો ડુબી ગયાની જાણ થઇ હતી. પણ અમે તપાસ કરતાં માલવીયાનગરમાં એક બાળકી ગૂમ થયાની જાણ થઇ હોઇ અને તેના કપડાનું વર્ણન ખાડામાંથી મળેલી લાશ સાથે મળતું આવતું હોઇ તપાસ કરતાં આ લાશ કિરણની હોવાનું સ્પષ્ટ થતાં તેના વાલીવારસને જાણ કરાઇ હતી.

કિરણ બે બહેનમાં નાની હતી અને માનસિક અસ્વસ્થ હોઇ અગાઉ પણ ઘરેથી નીકળી ગઇ હતી. ગઇકાલે પણ બપોર બાદ નીકળી ગઇ હતી. તે ન્હાવા પડતી હતી ત્યારે લોકોએ તેને ત્યાં નહાવાની ના પણ પાડી હતી. છતાં તે ન્હાવા ગઇ હતી અને આ બનાવ બન્યો હતો.

(4:26 pm IST)