Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પંચાયતી તલાટીઓને અનેક પ્રશ્ને હળાહળ અન્યાયઃ જૂની પેન્શન યોજના અમલમાં મુકો

સુત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદનઃ ર ઓકટોબરે ધરણા...

પંચાયતી તલાટીઓએ કલેકટર કચેરીએ દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૬: જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના આગેવાનો એચ. બી. ડાંગર, એન. ટી. વાઘેલા અને અન્યોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી સ. ક. મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે તંત્ર દ્વારા સેવાતી દુર્લક્ષતા દુર કરી સકારાત્મક નિરાકરણ કરવા બાબત અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે ગુજરાત રાજય ત.ક. મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઇપણ સકારાત્મક નિરાકરણ ન આવતું હોવાથી રાજયભરના તમામ ત.ક.મંત્રીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા ઠરાવેલ છે. જેમાં તા. ૧૦-૯-ર૦૧૮ને સોમવારના રોજ રાજયભરના તમામ ત.ક.મંત્રી ભાઇ-બહેનો કાળી પટી ધારણ કરી ફરજ બજાવશે. તા. ૧૭/૦૯/૧૮ને સોમવારના રોજ રાજયભરના તમામ ત.ક. મંત્રી ભાઇ-બહેનો ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ કરશે. તા. ર૯/૦૯/૧૮ને શનિવારના રોજ રાજયભરના તમામ ત.ક. મંત્રી ભાઇ-બહેનો માસ સી.એલ. મુકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે. તા. ૦ર/૧૦/૧૮ને મંગળવારના રોજ રાજયભરના તમામ ત.ક. મંત્રી ભાઇ-બહેનો ધરણા કરશે.

આવેદનમાં ઉમેરાયું હતું કે, પંચાયત વર્ગના તલાટીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવા ઠરાવેલ છે, પરંતુ હજુ સુધી કોઇ લાભ થયો નથી.

આ ઉપરાંત સર્કલ ઇન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધીકારીમાં અપગ્રેડ કરાઇ તેમાં પણ વિસંવાદિતતા, ફિકસ પગારમાં ભરતી થયેલ કર્મચારીઓને હળાહળ અન્યાય, સેવા સળંગ ગણવા, જોબચાર્ટ મુજબ કામગીરી, જુની પેન્શન યોજના શરૂ કરવા સહિતની બાબતે પણ રજૂઆતો કરાઇ હતી.

(4:17 pm IST)