Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

૧૨મીએ ઇસ્લામી નૂતન વર્ષ : આ વખતે 'આશૂરાહ' શુક્રવારે

આગામી મંગળવારે સાંજે હિજરી ૧૪૪૦નો ચંદ્રોદય : ૨૧મીએ 'તાજીયા' ફરશે : મહોર્રમ માસની તૈયારી : કરબલાના ૭૨ શહિદોની યાદમાં વાઅઝ, સબિલ, નિયાઝ વિગેરે કાર્યક્રમો

રાજકોટ તા. ૬ : હજુ મહોર્રમ માસ શરૂ થવાને ૫ દિ' બાકી છે ત્યારે મહોર્રમ મહીનાની તૈયારીઓ ધીમેધીમે શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ ખૂબી એ છે કે, આ વખતે મહોર્રમ માસનો મહત્વનો દિવસ 'આશૂરાહ' શુક્રવારે ઉજવાશે. જ્યારે ગત વર્ષે મહોર્રમ માસ શુક્રવારના દીવસથી જ શરૂ થયેલ હોય અને 'શુક્રવાર' મુસ્લિમ સમાજમાં 'સાપ્તાહિક ઇદ' તરીકે ઉજવાતી હોય ત્યારે શુક્રવાર અને ઇસ્લામી નૂતન વર્ષ બંને એક સાથે થઇ ગયા હતા.

હાલમાં ઇસ્લામી પંચાગનો હજ્જનો ૧૨મો મહીનો જીલ હજ્જ ચાલી રહ્યો છે જેના ૩૦માં દિવસે એટલે કે, તા. ૧૧-૯-૧૮ને મંગળવારના સાંજે ૩૦ જીલહ જજે ચંદ્રદર્શન થનાર હોઇ તા. ૧૨-૯-૧૮ને બુધવારના ૧લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૩૯ ચાલી રહી છે જે ૧૨મીથી ૧૪૪૦માં પરિવર્તિત થઇ જશે જેથી મહોર્રમ માસ ઇસ્લામી પંચાગનો પ્રથમ મહીનો છે.

જો કે ૧૨મો મહીનો જીલહજ્જમાં ઇદ ઉજવાઇ હતી જે પર્વ પણ બલિદાનની ભાવના પ્રકટ કરે છે ત્યારે ઇસ્લામી ઇતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકિત થઇ છે જે પૈકી ઇરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને અંત બંને બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

૧૨મીથી મહોર્રમ માસ શરૂ થનાર હોય ત્યારે આ મહીનામાં ખાસ ઇસ્લામી ૧૦મી તારીખના દીને 'આશૂરાહ' પર્વ મનાવાશે જે આ વખતે તા. ૨૧-૯-૧૮ને શુક્રવારે મનાવાશે.

ખાસ કરીને મુસ્લિમ વર્ષનો આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં 'તાજીયા' બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા એક મહીનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા. ૨૧-૯-૨૦૧૮ ને શુક્રવારના દીવસે ફરનાર છે જે ૧૦મી મહોર્રમનો દીવસ હશે આ દિવસ ને 'આશૂરા' કહેવામાં આવે છે. આ પૂર્વે ૨૦મીએ તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે.

ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેનએ સત્યતાની કાજે ઇરાકના રેતાળ પ્રદેશ 'કરબલા' ના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭ર પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહિદી પામી ઇતિહાસના પાને અમર થઇ જતા આ ભવ્ય બલિદાન ગાથાની સ્મૃતિમાં દર વર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.

આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમાં વિવિધ સજાવટો કરવામાં આવે છે. અને તેનો આંશૂરાના દિવસે જાહેરમાં હિન્દુ - મુસ્લિમો એક સાથે દર્શન કરવા ઉમટી પડતા હોઇ ભાઇચારાની ભાવનાએ સમયે મહેકી ઉઠે છે.

જેમાં પણ કેટલાક સ્થળે દર વર્ષે સંપૂર્ણ નવા તાજીયા બનાવવામાં આવે છે અને કેટલાક સ્થળે જૂના તાજીયા જે ઇમામખાનમાં રાખવામાં આવે છે. તેને નવો ઓપ - નવી સજાવટ આપવામાં આવે છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે ગામ તાજીયા બનાવવાની કામગીરી દરરોજ રાત્રે વધી જવા પામી છે.

આ ઉપરાંત મહોર્રમ માસમાં આજથી ૧૩૭૯ વર્ષ પહેલાં કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજ રાતે લતે લતે ખાસ કરીને હુસેની મહેફીલો યોજાય છે અને શહીદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબીલો રચવામાં આવે છે. અને તેના દ્વારા વિના ભેદભાવે સરબત, પાણી, ચા વિગેરે વિતરણ કરવામાં આવે છે. જયારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવે યોજાય છે આ અંગેના આયોજનોને આખરી ઓપ અપાઇ રહયો છે.

આ માટે લતે લતે વિવિધ કમીટીઓ કાર્યરત થઇ ગઇ છે. સેંકડો તાજીયા બની રહ્યા છે અને રોશની પણ ગોઠવાઇ રહી છે.

મહોર્રમ માસમાં લતેલતે હુસેની મહેફીલો યોજાય છે તે આગામી તા. ૧૧-૯-૧૮ મંગળવારની રાત્રીથી જ શરૂ થઇ છે.

રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં નીચે મુજબ તાજીયાઓ, ડોલીઓ અને દુલદુલ બનાવવામાં આવે છે.

લક્ષ્મીનગર-૧, નુરાનીપરા રૈયા રોડ-૧, નહેરૂનગર-૧, બજરંગવાડી-૨, પોલીસ હેડ કવાર્ટર-૧, ભીસ્તીવાડ-૧, પોપટપરા-૨, સદર ખાટકી જમાત-૧, તુલારામ રત્નારામ ધોબીનો-૧, પેન્ટર આરીફ નં. ૧, મુસ્લિમ લાઇન, બાબરીયા કોલોની, જંગલેશ્વરના ૫૪ તાજીયા જે જંગલેશ્વરમાં જ રહે છે. લાઇન દોરીમાં ફરતા નથી, હૈદરી ચોક, ભગવતી સોસાયટી તથા હાઉસીંગ કવાર્ટસ, ગંજીવાડા, માજોઠીનગર મળી કુલ ૧૪ અને ૧૦ ડોલી મોટા પીર છીલ્લા અને ચામડીયા ખાટકીવાસ મળીને-૨, સોની બજાર-૧, સીપાહી જમાત-૨, ઘાંચીવાડ-૧, કોઠારીયા કોલોની-૧, ઢેબર કોલોની-૧, લક્ષ્મીનગર-૧, બાવાગોર-૧, જિલ્લાવાળી શેરી-૧, રામનાથપરા, મફતીયા ઓડવાડ, નવયુગપરા, રામનાથપરા પોલીસ લાઇન, કુંભારવાડા-૧, મનહરપરા-૧, ફાયરબ્રિગેડ, રાજમોતી મીલ પાસે, મફતીયાપરા-૨, જિલ્લા ગાર્ડન-૧, આમ કુલ અંદાજિત ૧૪૬ તાજીયાઓ રાજકોટ શહેરમાં થયા છે.

કોઠારીયા સોલવન્ટ-૩ તાજીયા, રસુલપરા મુહમદીબાગ ખ્વાજા ગરીબ નવાજ સોસાયટી, નુરાનીપરા બધા મળીને ૩ તાજીયા, એસ.ટી. વર્કસ શોપ, ખોડીયારનગર-૧ સદરને લગતા કુલ ૧૩ તાજીયા છે.

કુલ ૪ દુલદુલ બને છે. રાજકોટ શહેર તાજીયામાં રૂટમાં લાઇન દોરી-૨ થાય છે.  (૧) પેલેસ રોડના નાના-મોટા તાજીયા - ૪૭ (ર) સોનીબજાર નાના-મોટા તાજીયા - ૩૧ (૩) સદર વિસ્તારના નાના-મોટા તાજીયા - ૧૪ (૪) જંગલેશ્વર વિસ્તારના તાજીયા ૫૪ છે.

(3:58 pm IST)