Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નવાગામ મામાવાડીના મુકેશની હત્યાઃ ઘરના જ ઘાતકી

મુળ પોરબંદરનો યુવાન વર્ષોથી નવાગામ સાળાના ઘર પાસે રહેતો'તોઃ રાતે પોતાની પત્નિ સોનલ અને બહેન ભારતીને દારૂ પી મારકુટ કરી'તીઃ સાળા ગોવિંદ ઉર્ફ સુરેશ, રાજેશ, પત્નિ અને બહેનની પુછતાછ કરતી બી-ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચ : મુકેશ દેવીપૂજકની બહેન ભારતીના લગ્ન તેના સાળા ગોવિંદ સાથે થયા છેઃ ગત સાંજે મુકેશે પોતાની પત્નિ સોનલ અને વચ્ચે પડેલી બહેન ભારતીને માર મારતાં પત્નિ સોનલ રાતે પુત્રને લઇ સાસુ-સસરા પાસે પોરબંદર જતી રહ્યાનું રટણઃ ધક્કો મારી પછાડ્યા બાદ મુકેશ બેભાન થઇ જતાં આશરે બે કિલોમિટર દૂર મેંગો માર્કેટ પાસે ખાડામાં ફેંકી દઇ બાદમાં પથ્થર ફટકાર્યાની શકયતા : પાંચ દિ' પહેલા જે આંગણે સાળાના લગ્ન થયા ત્યાં જ બનેવી મુકેશની હત્યા થઇ

વધુ એક હત્યાઃ મુકેશનો ખોપરી ફાટી ગયેલો નિષ્પ્રાણ દેહ, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ, ટીમો અને બીજા લોકો તથા મુકેશની વિલાપ કરતી પત્નિ સોનલ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: નવાગામ મામાવાડી વિસ્તારમાં સાળાઓના ઘર પાસે જ રહેતાં મુળ પોરબંદરના મુકેશ કાનાભાઇ સોલંકી નામના દેવીપૂજક યુવાનની હત્યા કરાયેલી લાશ આજે સવારે ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ મેંગો માર્કેટ પાસે ખાડામાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મુકેશે સાંજે દારૂ પી પોતાની પત્નિ સોનલ અને વચ્ચે પડેલી બહેન ભારતીને મારકુટ કરી હતી. તેની બહેન ભારતીના લગ્ન તેના (મુકેશના) સાળા ગોપાલ ઉકા સોલંકી સાથે થયા છે. સામ સામે સગપણ હોઇ મુકેશ વર્ષોથી સાળાઓ સાથે તેના ઘરની સામે જ રહતો હતો. પત્નિ-બહેનને તણે મારકુટ કરતાં માથાકુટ થયા બાદ તેના પર હુમલો થતાં તે પડી ગયો હતો અને માથામાં ઇજા થતાં બેભાન જેવો થઇ ગયો હતો. એ પછી ઘરથી આશરે બે કિ.મી. દૂર ખાડામાં ફેંકી દેવાયો હતો. આ સ્થળે તેના માથામાં પથ્થર કે બીજો પદાર્થ ફટકારાયાની શકયતા છે. હત્યામાં ઘરના જ ઘાતકી હોવાની શંકાએ બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચે મૃતકના સાળાઓ, પત્નિ, બહેન સહિતની પુછતાછ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે મેંગો માર્કેટ નજીક ખાડામાં એક યુવાનની માથામાં ઉંડા ઘા સાથે લોહીલુહાણ લાશ પડી હોવાની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમો તથા ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતાં. તપાસ થતાં હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ પોરબંદરનો અને વર્ષોથી નવાગામ મામાવાડીમાં તેના સાળા સાથે રહેતો મુકેશ કાનાભાઇ લવજીભાઇ સોલંકી (ઉ.વ.૩૫) હોવાનું ખુલ્યું હતું. લાશની ઓળખ તેની પત્નિ સોનલે કરી હતી. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનેલ મુકેશની પત્નિ સોનલની પુછતાછ કરતાં તેણે એવું કહ્યું હતું કે મારા અને મારા ભાઇ ગોવિંદના સામ-સામા સગપણ થયા છે. મારા લગ્ન મુકેશ સાથે થયા છે અને મુકેશની બહેન ભારતીના લગ્ન મારા  (સોનલના) ભાઇ ગોવિંદ ઉકા સોલંકી સાથે થયા છે. મુકેશ લગ્ન બાદ વર્ષોથી મામાવાડીમાં મારા ભાઇઓની સાથે જ રહેતો હતો. અમારે સંતાનમાં ત્રણ પુત્રો મોહન (ઉ.૧૧), મનોજ (ઉ.૮) અને ઉત્તમ (ઉ.૬) છે. જેમાં મોહન અને મનોજ પોરબંદર તેના દાદા-દાદી સાથે રહે છે અને ઉત્તમ અહિ અમારી સાથે રહે છે.

પતિ મુકેશ રિક્ષામાં ભંગારની ફેરી કરવા આસપાસના ગામોમાં જતો હતો. સોનલે આગળ કહ્યું હતું કે પાંચ દિવસ પહેલા જ મારા નાના ભાઇ ગોપાલના લગ્ન હોઇ અમે રંગેચંગે પ્રસંગ પતાવ્યો હતો. શુક્રવારે સાંજે મારા પતિ મુકેશે દારૂ પીધેલી હાલતમાં મને મારકુટ કરી લીધી હતી. આ વખતે મારી નણંદ ભારતી કે જે  મારા પતિ મુકેશની બહેન પણ થાય છે તે મને બચાવવા વચ્ચે આવતાં મુકેશે તેને પણ મારકુટ કરી લીધી હતી.

આ માથાકુટ બાદ મને ગુસ્સો ચડતાં હું પુત્ર ઉત્તમને લઇને પોરબંદર મારા સાસુ-સસરા પાસે પહોંચી હતી. પણ તેણે  મને 'તું એકલી કેમ આવી, મુકેશને લઇને આવજે' તેમ કહેતાં હું પાછી રાજકોટ આવવા નીકળી હતી અને સવારે ઘરે આવી ત્યારે પતિ મુકેશ જોવા ન મળતાં નણંદ ભારતી, ભાઇઓ સહિતને પુછતાછ કરતાં એ લોકોએ મુકેશ કાકાને ઘરે લોહાનગરમાં ગયાનું કહ્યું હતું. હું ત્યાં ગઇ તો ત્યાં પણ તે મળ્યો ન હોઇ શોધખોળ કરતી હતી ત્યાં તેની લાશ મળી હોવાની ખબર પડી હતી.

સોનલનું આ રટણ કેટલુ સાચું છે? તેની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે શંકાને આધારે મૃતકના સાળા ગોવિંદ ઉર્ફ સુરેશ, બહેન ભારતી સહિતને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમોએ મૃતકના સાળા, બહેન, પત્નિ સહિતની ક્રોસ પુછતાછ શરૂ કરી છે. હાલ તો સાળાઓ, મૃતકની બહેન અને પત્નિ પોતે કંઇ જાણતા ન હોવાનું રટણ કરે છે. બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે મુકેશે પત્નિ અને બહેન સાથે માથાકુટ કર્યા બાદ મામાવાડીમાં જ તેની સાથે ડખ્ખો થતાં તને ધક્કો દઇ પછાડી દેવાયો હતો. આ કારણે વધુ પછડાટ લાગતાં માથામાં ઇજા થઇ હતી. એ પછી તેને બેભાન જેવી હાલતમાં કે પછી સ્વસ્થ હાલતમાં બળજબરીથી લાશ જ્યાંથી મળી એ સ્થળે એટલે કે ઘરથી અંદાજે બે કિ.મિ. દૂર મેંગો માર્કેટ નજીક ખાડામાં ફેંકી દેવાયો હતો. આ સ્થળે પણ કદાચ તેને પથ્થર કે બોથડ પદાર્થ ફટકારાયાની શકયતા ચકાસાઇ રહી છે. પાંચ દિવસ પહેલા જે આંગળે સાળાના લગ્ન હતાં એ જ આંગણે હવે બનેવીની લોથ ઢળતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હાલ તો આ ઘટનામાં ઘરના જ ઘાતકી હોવાની દ્રઢ શંકાએ તપાસ હાથ ધરાઇ છે. હત્યામાં કોણ-કોણ અને કેટલા લોકો સામેલ છે? તેની તપાસ થઇ રહી છે.

ઘટના સ્થળે ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ એમ. બી. ઓૈસુરા, એરપોર્ટ પીઆઇ એમ. સી. વાળા, કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, ડીસીબી પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ જેબલીયા, પીએસઆઇ રબારી, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એચ. એમ. જાડેજા, પી. એ. ગોહિલ, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ, હેડકોન્સ. અજયભાઇ, હેમેન્દ્રભાઇ, મનોજભાઇ, સંજયભાઇ, પરેશભાઇ, જયદિપસિંહ, મિતેષભાઇ સહિતના સ્ટાફે પહોંચી તપાસ શરૂ કરી હતી. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.

હત્યાનો ભોગ બનનાર મુકેશના માતા-પિતા પોરબંદર રહે છેઃ ચાર બહેનનો એક જ ભાઇ હતો

. હત્યાનો ભોગ બનનાર મુકેશ ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. તેના માતા અને પિતા પોરબંદર રહે છે. મુકેશની હત્યાથી તેના ત્રણ પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

એક ચર્ચા એવી પણ છે કે પાંચેક વર્ષ પહેલા પોરબંદરમાં એક ગુનામાં મુકેશના સાળાની ઘરવાળીનું નામ ખુલતાં મુકેશને પોરબંદર પોલીસે પકડતાં તેણે મામાવાડીનું સરનામુ દીધુ હતું. એ પછી પોરબંદર પોલીસે રાજકોટ આવી કાર્યવાહી કરી હતી. ત્યારથી મુકેશ અને તેના સાળાઓ વચ્ચે મનદુઃખ હતું.

ત્રણ દિવસમાં બે હત્યા

. હજુ બુધવારે સાંજે જ સિવિલ હોસ્પિટલ ચોકમાં એક પ્રોૈઢની હત્યા થઇ હતી. તેનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી પકડી લીધા હતાં. ત્યાં વધુ એક હત્યા થતાં પોલીસને દોડધામ થઇ પડી હતી.

(3:37 pm IST)
  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST

  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST

  • 2001 ના રોજ યુએપીએ હેઠળ પ્રતિબંધિત આઉટફિટ સિમીના સભ્ય હોવાના આરોપસર સુરતમાં ધરપકડ કરાયેલા 122 લોકોને ગુજરાત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : કોર્ટનું કહેવું છે કે પ્રોસેક્યુશન 'આકસ્મિક, વિશ્વાસપાત્ર અને સંતોષકારક' પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. access_time 6:04 pm IST