Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કાલથી ત્રણ દિવસ 'ધરામિત્ર આહાર- આરોગ્ય મેળો'

ખેડૂતહાટ- ફૂડ સ્ટોલ- સાંસ્કૃતિક કાર્યક્રમ- આરોગ્ય મેળોઃ જીવન માંગલ્ય ટ્રસ્ટ દ્વારા આયોજન

રાજકોટ,તા.૬: જીવન માંગલ્ય ટ્રસ્ટ, ધરામિત્રના ઉપક્રમે દરવર્ષની માફક આ વર્ષે પણ 'ધરામિત્ર અહાર- આરોગ્ય મેળો' બાલભવન (રેસકોર્સ) ખાતે તા.૭,૮,૯ (શુક્રવાર, શનિવાર, રવિવાર)ના રોજ ભાતીગળ આયોજન કરેલ છે.

આહાર- આરોગ્યની આજે જરૂરત  છે. કોરોના કાળે આપણને યોગ્ય રહેણીકરણી તથા ખાન- પાનની અગત્યતા જણાવી છે. આહાર- ઔષધીની વિવિધ પ્રોડકટ, સજીવ ખેતીથી નિર્મિત ખાદ્ય સામગ્રીઓની વિશાળ શ્રેણીએ આ આહાર- આરોગ્ય મેળાની વિશેષતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આવતીકાલે ૭મીના શુક્રવારે સાંજે ૫ કલાકે આ મેળાનું અ.સૌ.મહારાણી સાહિબા (રાજકોટ) શ્રીમતિ કાંદબરી દેવી એમ. જાડેજા, શ્રીમતિ અંજલીબેન રૂપાણી (મહિલા મોરચા પ્રભારી- રાજકોટ શહેર ટ્રસ્ટી- શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ- રાજકોટ)ના હસ્તે ઉદ્દઘાટન થશે. આ પ્રસંગે મુખ્ય અતિથી વિશેષ તરીકે શ્રી ડો.વિજયભાઈ દેસાણી (ઉપ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), શ્રી વી.પી.વૈષ્ણવ (અધ્યક્ષ- રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ), શ્રી મનોહરસિંહ જાડેજા (ડીસીપી- રાજકોટ), શ્રી ડો.લલિત વાઝા (આરોગ્ય અધિકારી - રાજકોટ) ઉપસ્થિત રહેશે.

આ મેળામાં હંમેશાની જેમ પ્રાકૃતિક ખેતી કરતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો તથા ઉત્તરાખંડ, કાશ્મીર, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કચ્છ વગેરે વિસ્તાોરમાંથી પોતાની વિવિધ સામગ્રી પિરસશે. વિશેષ માહિતી માટે મો.૯૯૦૯૯ ૫૪૫૭૭.

આ આહાર- આરોગ્ય મેળામાં નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના ઉપક્રમે તા.૭ના સવારે ૧૦ થી ૧ સુધી નિઃશુલ્ક સર્વેરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં ડો.ભાનુભાઈ પી.મેતા તથા ડો.ભારતીબેન જેઠવા સેવા આપશે.

જીવન માંગલ્ય ટ્રસ્ટ અને ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રવિવાર તા.૯ના રોજ સાંજે ૪ થી ૭ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી નિદાન સારવાર મેડિકલ કેમ્પમાં ફિઝિયોથેરાપીસ્ટ ડો.દેવકી મહેતા- ડો.હેમાંગી પૈજા- ડો.હાર્વિ સરવૈયા સેવા આપશે. નામ નોંધણી મો.૯૯૧૩૧ ૨૪૨૪૦.

આ ઉપરાંત દરરોજ સાંજે ૬ થી ૯ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકનૃત્ય, સંગીત, ગાયન, વકૃત્વ, નાટક, વાર્તા, હાસ્ય ડાયરો, શાસ્ત્રી નૃત્ય વગેરે રજુ થશે. ભાગ લેવા ઈચ્છુકોએ મો.૯૯૧૩૧ ૨૪૨૪૦.

આયોજનને સફળ બનાવવા અલ્પાબા એ.જાડેજા (ટ્રસ્ટી જીવન માંગલ્ય ટ્રસ્ટ મો.૯૦૯૯૦ ૨૪૨૪૦), અનિરૂધ્ધસિંહ જાડેજા (મેનેજીંગ ટ્રસ્ટી- જીવન માંગલ્ય ટ્રસ્ટ મો.૯૯૦૯૯ ૫૪૫૭૭) જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:57 pm IST)