Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મ.ન.પા.માં કલીનર ફાયરમેનની ભરતીમાં ગોલમાલઃ ગાયત્રીબા

પ્રેકટીકલ પરીક્ષામાં દોડવાનો ટેસ્ટઃ ફાયરફોજ પાઇપ ટેસ્ટઃ દોડ માટેનો ચીફબેલ્ટ ટાઇમ વગેરે ટેકનીકલ ક્ષતીઓ અંગે મ્યુ.કમીશનરનું ધ્યાન દોરી સમગ્ર ભરતી પ્રક્રીયાની તપાસ માંગતા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ

મ્યુ.કમિશનર અમિત અરોરાને ફાયરમેનની ભરતીમાં ગેરરીતીની તપાસ માંગતુ આવેદન પત્ર પાઠવાયું  તે વખતની તસ્વીરમાં ગાયત્રીબા વાઘેલા (પ્રદેશ પ્રમુખ મહિલા કોંગ્રેસ) ભાનુબેન સોરાણી (મ.ન.પા.વિપક્ષનેતા) મનીષાબા વાળા (રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ) હીરલબેન રાઠોડ (સોશ્યલ મીડીયા મહિલા કોંગ્રેસ વગેરે મહિલા આગેવાનો નજરે પડે છે.

રાજકોટ તા. ૬ : મ.ન.પા.માં કલીનરકમ ફાયરમેનની ભરતી તાજેતરમાં થઇ હતી તેમાં મોટાપાયે ટેકનીકલ ક્ષતીઓ રહી ગયાનું જણાવી ગોલમાલ થયાની શંકા દર્શાવી પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ જાડેજાએ આ ભરતીની તપાસ માંગણી આવેદનપત્ર મ્યુ.કમિશ્નરને પાઠવ્યું હતું.

આ આવેદન પત્રમાં  ગાયત્રીબાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાજકોટ મનપા દ્વારા નવેમ્બર ર૦ર૧માં ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયાની  પ્રેકટીકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ભરતી પ્રક્રિયામાં વિવિધ મુદાઓ ઉપર યોગ્ય તપાસ કરવા રજુઆત છે.

જેમાં આ ભરતી પ્રક્રિયાનો પ્રેકટીકલ  ગ્રાઉન્ડ દોડ તથા તરણના આધારે લેવામાં આવતુ હોય ત્યારે દોડ માટે સારા એવા નિયમ મુજબના ગ્રાઉન્ડ (મેદાન) ની વ્યવસ્થા હોવી જોઇએ. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં ખુલ્લા ગ્રાઉન્ડના બદલે બગીચાના વોકીંગ ટ્રેક માટેના સર્પાકાર કે ગોળાઇવાળા ગ્રાઉન્ડમાં દોડની પ્રેકટીકલ ટેસ્ટ લેવાઇ હતી. તેના કારણોની તપાસ કરવી.

દોડનો ટાઇમ માપવા માટે સ્ટોપવોચનો ઉપયોગ કરવામાં આવેલો ત્યારે સ્ટોપવોચ ચલાવનાર વ્યકિતએ તે ચલાવવા અંગેની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ. પરંતુ આ પ્રક્રિયામાં આવુ બન્યુ નથી ત્યારે તેની પણ તપાસ કરવી અને હાલની આધુનીક પ્રેકટીકલ પરીક્ષાઓમાં સ્ટોપ વોચનો ઉપયોગ કરવામાં આવતો નથી. સેન્સર ચીપનો ઉપયોગ કરાય છે. ત્યારે આ પરીક્ષામાં શા માટે આધુનીક ટેકનોલોજી ન આવ્યો તેના કારણોની તપાસ કરવી.

આ ભરતી પ્રક્રિયામાં દોડ માટે એક કરતા વધારે ઉમેદવારોને એક સાથે દોડાવવા જોઇએ જેથી કરીને કોઇ ગેરરીતી થવાની શકયતા ઘટે પરંતુ આ પ્રેકટીકલ પરીક્ષામાં આવુ બન્યુ નથી અને એક એક કેન્ડીડેટને દોડાવવામાં આવ્યા છે તેના કારણોની તપાસ કરવી.

(૪) પ્રેકટીકલ ટેસ્ટ દોડની ઇવેન્ટ જે ગ્રાઉન્ડ પર લેવામાં આવે તેમાં ગોળાઇ કે કોઇ વળાંક ન હોવો જોઇએ તે ૧૦૦ મીટર દોડનું ગ્રાઉન્ડ સીધુ હોવું જોઇએ જે આ ભરતી પ્રક્રિયામાં થયું નથી તેની કારણોની તપાસ કરવી.

(પ) જે ભરતી પ્રક્રિયાનું મેરીટ દોડના આધારે નકકી થતું હોય તેમાં દોડ માટે ચીપ બેલ્ટ ટાઇમીંગ માપવા માટે ઉપયોગમાં લેવું જોઇએ જેથી કરીને કોઇ ગેરરિતી ન થાય તો આમાં શા માટે આવું બન્યું નથી તેની કારણોની તપાસ કરવી ?

(૬) સરકારશ્રીના નિયમ મુજબ જે ખાતાની ભરતી ચાલતી હોય તેવા ખાના કર્મચારી કે સ્ટાફગણ ભરતી પ્રક્રિયાના સ્થળ ઉપર હાજર ન હોવા જોઇએ અને માત્ર ભરતી સંદર્ભમાં નકકી કરેલ એકસપર્ટ સિવાય કોઇ હાજર ન હોવું જોઇએ પરંતુ આ કિસ્સામાં કામગીરી સિવાયનો સ્ટાફ પણ સતત હાજર રહેતા આ સમગ્ર પ્રક્રિયા શંકા ના દાયરામાં આવી જાય છે તે બાબતે સમગ્ર ભરતી પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ મંગાવી તપાસ કરવામાં આવે.

(૭) આ ભરતી પ્રક્રિયામાં ૧૩ સેકન્ડ તથા ૧૪ સેકન્ડની અંદર અમુક ઉમેદવારો ફાયરના ફીજ પાઇપ તથા બ્રાન્ચ  સાથેનો વજન (અંદાજે ૧પ કિલો) સાથે દોડી ગયેલ છે જયારે ઇન્ડીયાના ૧૦૦ મીટરનો નેશનલ રેકોર્ડ ૧૦.ર૧ સેકન્ડ છે અને તે પણ છૂટા હાથે કોઇપણ જાતની વસ્તુ કે વજન વગર જે પણ તપાસનો વિષય છે ત્યારે આ બાબતની પણ ચોકસાય પૂર્વક તપાસ કરવામાં આવે.

  આમ આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં ઉડીને આંખે વળગે તેવા મુદાઓમાં નિયમ મુજબનું ભરતીનું ગ્રાઉન્ડ બનાવવામાં નથી આવ્યું. દોડ માટે નિયમ અનુસાર ચીપ બેલ્ટનો ઉપયોગ કરવામાં નથી. આવ્યો, અને નેશનલ રેકોર્ડ અને આ ભરતી દરમિયાન પ્રસ્થાપિત થયેલા અમુક રેકોર્ડમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી ત્યારે આવા અનેક મુદાઓ કયાંક આ ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષાઓ અને પ્રેકટીકલ પરીક્ષાના મેરીટ લીસ્ટમાં કયાંક પોતાના લાગતા વળગતાઓને ગોઠવી દેવા માટે સરકારની આ પ્રકારની ભરતીમાં નિયમો નેવે મૂકી રાજકોટ મ.ન.પા.ના જવાબદાર આ કામના અધિકારીઓ દ્વારા પોતાની મુનાસીબ મુજબ આડે-ધડ નિયમો ઘડવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે કારણ કે રાજયની અન્ય મ.ન.પા.ઓમાં આ પ્રકારની ભરતીઓ માટે ના જે નિયમો છે તે નિયમો અને રાજકોટ મ.ન.પા. દ્વારા યોજાયેલ તાજેતરની આ ભરતી પ્રક્રિયાના નિયમોમાં મોટી વિસંગતાઓ જોવા મળે  છે ત્યારે આ ભરતી પ્રક્રિયા અનેક શંકા-કુશંકાઓ ઉપજાવે છે.

ત્યારે આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન કોઇન ઉમેદવારને અન્યાય થયો હોય તે બાબતની લેખીત મૌખિક રજુઆત તંત્ર પાસે આવી હોય તો તટસ્થ અધિકારી મારફત આની તપાસ થવી જોઇએ અને તેને ન્યાય મળવો જોઇએ તેમજ ભરતી પ્રક્રીયાના નિયમોમાં ગેર-રીતીઓ જણાય તો આ કામના જવાબદાર મ.ન.પા.ના અધિકારીઓ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે અને ભરતી પ્રક્રિયાના સમગ્ર પ્રકરણની ક્ષતિઓ અને વિસંગતાઓને દુર કરી લાયકાત મુજબના ઉમેદવારોને પુરતી તક મળે અને પારદર્શક વાતાવરણમા નિયમ મુજબ ન્યાય પૂર્ણ રીતે રાજકોટ મ.ન.પા.કલીનર કમ ફાયરમેનની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી માંગ ગાયત્રીબાએ આવેદનના અંતે ઉઠાવી છે.

(3:34 pm IST)