Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઉંચા વ્યાજની લાલચ આપી શરાફી મંડળીની ખોટી એફ.ડી.ની ખોટી રસીદ આપી ચાંદલીના વિક્રમસિંહ સાથે ૫.૫૫ લાખની ઠગાઇ

કરણપરાની આકાશ ક્રેડીટ શરાફી મંડળીના સંચાલક નલીન ભટ્ટ તેની પત્ની જીજ્ઞા ભટ્ટ સામે ગુનો

રાજકોટ,તા. ૬ : લોધીકાના ચાંદલી ગામના વૃધ્ધને ઉચા વ્યાજની લાલચ આપી એફ.ડી.ખોટી રસીદ આપી લોધીકાના ચાંદલી ગામના વૃધ્ધ સાથે રૂ. ૫.૫૫ લાખની છેતરપીંડી કરતા શરાફી મંડળીના દંપતી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લોધીકાના ચાંદલી ગામમાં રહેતા વિક્રમસિંહ મુળુભા જાડેજા (ઉવ. ૬૫)એ એ ડીવીઝન પોલીસ મથકમાં રાજકોટ કરણપરામાં સમ્રાટ હોટેલ પાસે 'આકાશ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી.'નામની મંડળી અલાવતા નલીન નર્મદાશંકરભાઇ ભટ્ટ અને તેની પત્ની જીજ્ઞા નલીન ભટ્ટ (રહે. બંને કોઠારિયા રોડ મારૂતીનગર મેઇન રોડ) સામે ફરિયાદ નોંધાવી છે. વિક્રમસિંહે ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે ખેતીકામ કરે છે. ૨૦૧૦ની સાલમાં પોતે પોતાના મિત્ર નલીન નર્મદા શંકરભાઇ ભટ્ટ તથા તેની પત્ની જીજ્ઞા ભટ્ટ જે રાજકોટ કરણપરામાં સમ્રાટ હોટલ પાસે આકાશ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.નામની મંડળી ચલાવતા હોય તેણે પોતાને પોતાની મંડળીમાં સારૂ વળતર મળશે અને તમારા નાણાની સલામતી રહેશ. કહી વિશ્વાસમાં લઇ લેતા પોતે તા. ૧૬/૪/૨૦૧૧ના રોજ વાર્ષિક ૧૧ ટકાના દરે એક વર્ષ માટે પાંચ લાખ રૂપિયા એફ.ડી.તરીકે કરેલ બાદ પોતાને ખાતા નંબર સાથેનું પાકતી મુદતનું સર્ટીફીકેટ આપ્યુ હતુ. બાદ એક વર્ષ પૂર્ણ થતા પોતાને ઉપરના વ્યાજની રૂ. ૫૫૦૦ની રોકડ રકમ ચુકવી હતી અને બાકીના પાંચ લાખની એફ.ડી.પાછી કરી ખાતા મુજબ પાકડી મુદત તા. ૧૭/૪/૧૩ની નલીન ભટ્ટ અને જીજ્ઞા ભટ્ટની સહીવાળી એફ.ડી.ની પહોંચ આપી હતી. ત્યારે તેઓએ 'પોતાને પાકતી મુદતે વ્યાજ સહિત રકમ મળી જશે'તેવા વચન અને વિશ્વાસ આપ્યો હતો. દરમ્યાન પોતાને નાણાની જરૂરીયાત ઉભી થતા પોતે તેની ઓફીસે ગયા અને પોતાની ફીકસ ડીપોઝીટ કરેલી રકમ પરત આપવાનું કહેતા આ નલીન અને તેની પત્ની જીજ્ઞાએ પોતાને તેમની સંસ્થાના મેનેજર પૂજાબેન પાસે જવાનું કહેલ જેથી પોતે મેનેજર પુજાબેન પાસે પોતાની રકમની માંગણી કરતા તેઓએ પોતાને તમારી આવી કોઇ રકમ સંસ્થામાં જમા નથી તેમ કહેતા પોતે પાછા નલીનભાઇ અને તેની પત્ની જીજ્ઞા પાસે જઇ પોતાની એફ.ડી.મુજબની રકમ આપવા કહેતા તેણે પણ 'તમારી કોઇ રકમ સંસ્થામાં જમા નથી' તેમ કહ્યુ હતું. અને પોતાની એફ.ડી.ની રસીદમાં મેનેજરના હોદા ઉપર કોઇની સહી ન હોય, જેથી પોતાને આ રસીદ આ લોકોએ ખોટી બનાવીને આપી હોવાની શંકા જતા પોતે તા. ૧૧/૯/૨૦૧૨ના રોજ જીલ્લા રજીસ્ટ્રારને આ બાબતે લેખીત ફરીયાદ કરતા કચેરી દ્વારા પોતાને આ બાબતે ફોજદારી ધારા હેઠળ ફરિયાદ કરવા જણાવાયું હતુ. જેથી આ વાતની જાણ નલીનને થતા તેણે પોતાના મિત્રો તથા સગાસંબંધી મારફતે સમાધાનની વાત કરેલ અને રૂપિયા આપવા બાબતે સમય માંગીને કહેલ કે હાલ મારી પાસે રૂપિયા નથી, હુ તમને થોડા-થોડા કરીને રૂપિયા આપીશ આમ વાત કરી હતી બાદ પોતાને તેણે થોડા -થોડા કરીને રૂ. ૧,૬૫,૦૦૦ આપેલા અને પોતાને સીકયુરીટી પેટેના રાજકોટ કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંકના દસ લાખના ચેક આપ્યા હતા. અને તા. ૨૫/૧૦/૨૧ના રોજ પ્રોમીશરી નોટ લખી પોતાની પાસે રાખેલ અને આ બન્ને ચેક પોતે પોતાની પાસે રાખેલ. પોતે મિત્રતાના દાવે આ ચેક બેંકના વટાવેલ નહીં છતા નલીન પાસે પોતાની એફ.ડી.ના રૂપિયા ૫ લાખ તથા આજદીન સુધીના મંડળીના વ્યાજના રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાં નલીને પોતાની એફડીના રૂપિયા તથા વ્યાજ આપેલ ન હોય, પોતે જ્યારે જ્યારે તેની પાસે પૈસાની ઉઘરાણી કરતા ત્યારે હવે પૈસા ભૂલી જાવ નહીંતર સમાજમાં બદનામ કરી દઇશ અને તમારા ઉપર ખોટી ફોજદારી કેશ કરી હેરાન કરી દઇશ.' અને હવે જો પૈસા માટે આવશો તો જાનથી માર નાખીશ' તેવી ધમકી આપી હતી તેમ જણાવ્યુ છે. આ અંગે એ ડીવીઝન પોલીસ શરાફી મંડળીના નલીન ભટ્ટ અને તેની પત્ની જીજ્ઞા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી પીએસઆઇ જે.એમ.ભટ્ટે તપાસ હાથ ધરી છે.

(2:59 pm IST)