Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોના સંદર્ભે કલેકટર કચેરીમાં સ્પે. ‘વોર’ રૂમ

આ વખતે કોરોનાના કેસો ઝડપી સ્પ્રેડ થાય છે... પરંતુ એટલા ઘાતક નથી... ૯૦ ટકા લોકો હોમઆઈસોલેશનમાં છેઃ ઘરે સારવાર લેતા દર્દીઓ માટે ટેલી મેડીસીન-સંજીવની રથ શરૂ કરાયા છે... જૂનીયર ડોકટરોની ભરતીનો નિર્દેશઃ જરૂર પડયે એમ સમરસ-સૌ. યુનિ.-કેન્સર કોવીડ સહિતની હોસ્પીટલો કોરોના માટે લેવાશેઃ હળવા કેસો વાળા દર્દીઓને સમરસ અથવા અન્ય સરકારી હોસ્પીટલમાં દાખલ કરાશેઃ ગંભીર કેસોના દર્દીઓને પીડીયુમાં સારવારઃ જેથી સીવીલ ઉંપર ભારણ ન વધેઃ કલેકટરનો સંકેત

રાજકોટ, તા. ૬:. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂએ આજે પત્રકારોને જણાવ્યુ હતું કે, કોરોનાના કેસો વધી રહ્યા હોય, લોકોને જરૂર પડયે કઈ હોસ્પીટલમાં જવું, દવા-ઈન્જેકશનની માહિતી-ડોકટરોની માહિતી વિગેરે સંદર્ભે અમે ૧ થી ૨ દિવસમાં કલેકટર કચેરીમાં ખાસ કંટ્રોલ રૂમ, વોર રૂમ શરૂ કરી રહ્યા છીએ. જેના અલગથી ફોન નંબર રહેશે, અલગથી સ્ટાફ રહેશે.
કલેકટરે જણાવેલ કે અમારી ઓફિસમાં દરેક સ્ટાફ અને આવનાર વ્યકિત-અરજદાર માટે માસ્ક ફરજીયાત બનાવી રાખ્યુ છે. આ ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ઝડપી સ્પ્રેડ થાય છે, પરંતુ એટલા ઘાતક નથી, ૯૦ ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે, જે એક રાહતની બાબત છે અને ઝડપી સાજા પણ થઈ રહ્યા છે.
આ હોમ આઈસોલેશન દર્દી અને કોરોનાના ટેસ્ટીંગ વિગેરે માટે અમે ફરીથી ખાસ ડોકટરોની સહાયથી ટેલી મેડીસીન, જીલ્લામાં ૫૦ જેટલા સંજીવની રથ અને કોરોનાને લગતુ ખાસ પોર્ટલ જરૂર પડયે અઠવાડિયામાં શરૂ કરી રહ્યા છીએ. સંજીવની રથ તો હાલ જીલ્લામાં ૫૦ જેટલા કાર્યરત છે.
તેમણે જણાવેલ કે રાજકોટ શહેર-જિલ્લામાં આટલા કેસો આવ્યા પરંતુ સીટીમાં ૧૧૪ અને જીલ્લામાં ૧૨૯ દાખલ છે. જેમ જેમ જરૂર પડશે તેમ સમરસ, કેન્સર કોવીડ હોસ્પીટલ, સૌ. યુનિ.નું કોવીડ કેર સેન્ટર, અન્ય આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાશે. હળવા લક્ષણવાળા અને મધ્યમ લક્ષણવાળાને આ બધી હોસ્પીટલોમાં આવરી લેવાશે. ગંભીર અસરવાળા દર્દીઓને જ પીડીયુમાં મોકલાશે, જેથી કરીને સીવીલ હોસ્પીટલ ઉંપર ભારણ ન રહે.
કલેકટરે સંકેત આપ્યો હતો કે હાલ દવા-ઈન્જેકશન ઓકસીજન વિગેરેનો પુરતો સ્ટોક છે. સરકારી હોસ્પીટલોમાં પૂરતો સ્ટાફ છે, સિનીયર ડોકટર્સ, નર્સ અવેલેબલ છે, જૂનીયર ડોકટરો પણ છે, પરંતુ સ્પે. કોરોનાની સારવાર માટે જૂનીયર ડોકટરોની જરૂરત પડશે અને સંખ્યા વધારવા માટે જે તે સમયે સરકારની ગાઈડલાઈન મુજબ ભરતી કરાશે.
તેમણે જણાવેલ કે, પદ્મકુંવરબા હોસ્પીટલ નોન કોવીડ જ રહેશે. જેથી કરીને અન્ય દર્દીઓને  સારવાર મળી રહે.


 

(2:52 pm IST)