Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

૨૦ લાખનું દેણું થઇ જતાં ઝેર પી લેનારા ભગવતીપરા બદ્રીપાર્કના વ્‍હોરા યુવાન બુરહાન ભારમલે દમ તોડયો

એકાદ વર્ષ દરમિયાન ધંધાના કામે અલગ અલગ લોકો પાસેથી ઉછીની અને વ્‍યાજે રકમ લીધી હતીઃ કોઇ ધમકી આપતું હતું કે કેમ? તે અંગે પોલીસ તપાસ

રાજકોટ તા. ૬: ભગવતીપરા મેઇન રોડ પર બદ્રી પાર્કમાં રહેતાં અને વિજય પ્‍લોટમાં પ્રિન્‍ટીંગ પ્રેસ ધરાવતાં દાઉદી વ્‍હોરા યુવાને વીસેક લાખનું દેણું થઇ જતાં અને વ્‍યાજ ચડત થઇ જતાં કંટાળીને બે દિવસ પહેલા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. તેણે આજે દમ તોડી દેતાં પરિવારજનો, મિત્રો, સગા સ્‍વજનોમાં માતમ છવાઇ ગયો હતો.
બદ્રી પાર્કમાં રહેતાં બુહરાન શબ્‍બીરભાઇ ભારમલ (ઉ.વ.૩૬) નામના યુવાને તા. ૪ના આજે સવારે પાંચેક વાગ્‍યે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. સિવિલ હોસ્‍પિટલના તબિબો અને નર્સિંગ સ્‍ટાફએ બુરહાનની જિંદગી બચાવવા અથાક મહેનત કરી હતી. પરંતુ આજે સવારે બુરહાને અંતિમ શ્વાસ લઇ લેતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. બુરહાન ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણિત હતો. તેના પરિવારજનોના કહેવા મુજબ બુરહાનને વિજય પ્‍લોટમાં સૈફી આર્ટ નામે પ્રિન્‍ટીંગ પ્રેસ છે. ત્‍યાં બેસી કામ કરતો હતો. એકાદ વર્ષ દરમિયાન તેણે ધંધાના કામે અલગ અલગ લોકો પાસેથી ઉછીના અને વ્‍યાજે નાણા લીધા હતાં. આ કારણે વીસેક લાખનું દેણું થઇ જતાં અને વ્‍યાજ ચડત થઇ જતાં કંટાળી જઇ આ પગલુ ભર્યાની શક્‍યતા છે.
બુરહાનને વ્‍યાજની ઉઘરાણી માટે કોઇ ધાકધમકી આપતું હતું કે કેમ? તેણે કોની પાસેથી કેટલી રકમ લીધી છે? તે અંગે પરિવારજનો પાસેથી વિશેષ વિગતો એકઠી કર્યા બાદ પોલીસ આગળ તપાસ કરશે.

 

(2:27 pm IST)