Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોરબીમાં મુળ રાજકોટના પંકજભાઇ પટેલની તેમના જ ઘરમાંથી ફુલાઇ ગયેલી લાશ મળી

પત્નિ ચારેક દિવસથી માતા બિમાર હોઇ રાજકોટ હતીઃ પંકજભાઇ ઘરમાં એકલા હતાં: પડોશીઓને દૂર્ગંધ આવતાં રાજકોટ મોટાભાઇને જાણ કરીઃ પોલીસે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો

રાજકોટ તા. ૬: મુળ રાજકોટના અને બે વર્ષથી મોરબી મહેન્દ્રનગર ક્રાંતિ ચોકડી પાસે મકાન ખરીદીને રહેતાં પંકજભાઇ ભગવાનજીભાઇ કગથરા (કડવા પટેલ) (ઉ.વ.૪૦)ની તેના જ ઘરમાંથી કોહવાયેલી, ફુલાઇ ગયેલી હાલતમાં લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘરે ચારેક દિવસથી તેઓ એકલા જ હતાં. મોત કુદરતી રીતે થયું કે અન્ય કંઇ બન્યું? તે જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

મૃત્યુ પામનાર પંકજભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. તેમના પત્નિનું નામ શિતલબેન છે. સંતાનમાં દસ વર્ષનો એક પુત્ર છે. પંકજભાઇના મોટા ભાઇ બીનેશભાઇ કગથરા રાજકોટ હસનવાડીમાં રહે છે. તેમણે કહ્યું હતું કે અમે બંને ભાઇઓએ બે સગી બહેનો સાથે લગ્ન કર્યા છે. અમારા સાસુ બિમાર હોઇ જેથી પંકજનભાઇના પત્નિ શિતલબેન ચારેક દિવસથી માતાની સેવામાં રાજકોટ આવ્યા હતાં. પંકજભાઇ ઘરે એકલા જ હતાં. તે સિરામીક કંપનીમાં નોકરી કરતાં હતાં.

ત્રણ ચાર દિવસથી તે એકલા હોઇ ગઇકાલે ઘરમાંથી દૂર્ગંધ આવતી હોઇ તેમના પડોશીઓએ મને જાણ કરતાં અમે રાજકોટથી મોરબી જઇ તપાસ કરતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તોડીને જોતાં પંકજભાઇની કોહવાયેલી ફુલાયેલી લાશ મળી હતી. તેમને હાર્ટએટેક આવી જતાં મોત થયું કે અન્ય કંઇ બન્યું? તે જાણવા પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.

(11:28 am IST)