Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

શાપરમાં રિક્ષાચાલક કુંવરજીભાઇ રાઠોડ અને ભત્રીજા પ્રજ્ઞેશ પર પારડીના શખ્સો છરીથી તૂટી પડ્યાઃ એકને ગંભીર ઇજા

રાજકોટ હોસ્પિટલના બિછાનેથી ઘાયલ કુંવરજીભાઇએ કહ્યું-એ શખ્સો એક ભૈયાને લૂંટતા હોઇ અમે બચાવવા વચ્ચે પડતાં હુમલો થયોઃ સત્ય હકિકત જાણવા શાપર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૬: શાપરના વેરાવળમાં શિવનગરમાં રહેતાં રિક્ષાચાલક કુંવરજીભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૪) અને તેમના ભત્રીજા પ્રજ્ઞેશ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) પર સાંજે કેપ્ટન ટ્રેકટર કંપની પાસે અજાણ્યા પાંચ છ શખ્સોએ છરીથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં ભત્રીજા પ્રજ્ઞેશને વધુ ઇજા પહોંચી હોઇ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પારડી તરફના શખ્સો એક ભૈયાને અટકાવી લૂંટ ચલાવતાં હોઇ પોતે કાકો ભત્રીજો ભૈયાને બચાવવા જતાં પોતાના પર હુમલો થયાનું હોસ્પિટલના બિછાનેથી કુંવરજીભાઇએ કહેતાં પોલીસે ખરેખર શું બન્યું? તે હકિકત જાણવા તપાસ આદરી છે.

કુંવરજીભાઇ રાઠોડ અને ભત્રીજા પ્રજ્ઞેશ રાઠોડને ઘાયલ હાલતમાં સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. કુંવરજીભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે હું અને ભત્રીજો પ્રજ્ઞેશ બંને રિક્ષા હંકારીએ છીએ. સાંજે અમે કેપ્ટન ટ્રેકટર પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે કેટલાક શખ્સો એક ભૈયાને ઉભો રાખી તેની પાસેથી પૈસા મોબાઇલ પડાવતાં હોઇ અમે વચ્ચે પડતાં અમારા પર છરીથી તૂટી પડ્યા હતાં અને ભાગી ગયા હતાં. રિક્ષાના મુસાફરો પાસેથી પણ પૈસા પડાવવા આ શખ્સોએ પ્રયાસ કર્યો હતો. આ શખ્સો પારડી તરફ રહેતા હોવાની અમને જાણ થઇ છે. તેમ વધુમાં કુંવરજીભાઇએ જણાવ્યું હતું. ગંભીર ઇજા પામનાર તેના ભત્રીજા પ્રજ્ઞેશ રાઠોડને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

(11:28 am IST)