Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

એકટીંગ પલોટતા પલોટતા મારે પાયલોટ બનવુ છે : કાવ્યા રામાણી

માત્ર ૪ વર્ષની ઉંમરે ટી.વી. પડદે કામ શરૂ કરી દીધુ : યુ-ટયુબ પરના વીડીયો નિહાળી એકતા કપુરે સામેથી ઇજન આપ્યુઃ બાલાજી ફિલ્મસ સાથે 'પ્યાર હો જાને દો' થી લઇને 'નાગીન', 'કસમ પ્યારકી' જેવી અનેક સીરીયલો કરી : ડાન્સમાં કથ્થકમાં પારંગત છે : ડો. બિમલ રામાણી અને પારૂલ રામાણીએ કરેલ ઉછેરથી કાવ્યાની જીંદગી ઝગમગી

રાજકોટ તા. ૫ : ''એકટીંગ કરવું મને ખુબ ગમે છે પરંતુ આ ફીલ્ડને ધમરોળતા ધમરોળતા જ પાયલોટ બનવાનું મારૂ સ્વપ્ન છે'' તેમ અનેક ટી.વી. સીરીયલોમાં કામ કરી ચુકેલ ૯ વર્ષની કાવ્યા રામાણીએ 'અકિલા' સાથેની ખાસ મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

નવરાત્રી માણવા આવેલ રામાણી પરિવારની સાથે રાજકોટની મહેમાન બનેલ કાવ્યાએ જણાવ્યુ હતુ કે મને રાજકોટનું કલ્ચર ખુબ ગમ્યુ. રાસ ગરબાનો ખુબ શોખ હોવાથી અમે અહીં નવરાત્રી માણવા આવ્યા છીએ.

અભિનય ક્ષેત્રે કઇ રીતે પ્રવેશ કર્યો તેવા સવાલના જવાબમાં તેણીએ જણાવેલ કે મારા પિતાશ્રી ડો. બિમલ રામાણી અને માતા પારૂલ રામાણીએ જે રીતે મારો ઉછેર કર્યો તેમાંથી મને ઘણુ બધુ પ્રાપ્ત થયુ છે. મેં એક વખત ટી.વી. જોતા જોતા પપ્પા સમક્ષ એકટીંગ કરવાની ઇચ્છા વ્યકત કરી અને તેમણે એ માટે મારા વિડીયો બનાવવાના શરૂ કરી દીધા.

આ વિડીયો યુ-ટયુબ ઉપર ચડાવતા જ ખુબ સારો પ્રતિસાદ મળવા લાગ્યો. એટલુ જ નહીં અમારા આશ્ચર્ય વચ્ચે એક દિવસ બાલાજી ટેલીફિલ્મસમાંથી એકતા કપુરનો અચાનક જ કોલ આવ્યો. બસ આ રીતે મારા માટે ટી.વી. પડદા ઉપર કામ કરવાની તકના દ્વાર ખુલ્યા હતા.

આમ તો હું અઢી વર્ષની હતી ત્યારથી જ એકટીંગમાં રસ લેતી થઇ છુ. ચાર વર્ષની ઉંમરે મેં મોડેલીંગ શરૂ કરી દીધેલ. આજે મારી ઉંમર ૯ વર્ષની છે પરંતુ અનેક સીરીયલો- આલ્બમોમાં એકટીંગ કરી ચુકી છુ.

સૌથી પહેલી મારી ટી.વી. સીરીયલ બાલાજી ફિલ્મસની 'પ્યારકો હો જાને દો'  હતી. બાદમાં 'નાગીન' 'કસમ' 'કવચ' એમ અનેક સીરીયલો કરી. કલર્સના માધ્યમથી અનેક તક મળી.

સ્ટજ પરના કોમેડી શો પણ કર્યા છે. જેવા કે 'છોટે મીયા ધાકક' 'એન્ટરટેઇનમેન  કી રાત' વગેરે થકી મનોરંજનની દુનિયા પણ અજમાવી. આ શો થકી મને 'છોટી ભારતી' તરીકેની નામના મળી. કેમ કે મારો ફેઇસ કોમેડી કવીન ભારતી સીંઘને મળતો આવતો હોવાનું લોકો માને છે.

રાઇઝીંગ સ્ટાર બીગ બોસ જેવા નોન ફિકશન શો માં પણ કામ કર્યુ છે. કલર્સ ચેનલ પર વિદ્યા શો માં પણ કલાનો કસબ અજમાવ્યો છે.

જો કે મારે મોટા થઇને એકટર તો બનવુ જ છે પણ સાથો સાથ પાયલોટ બની હવામાં ઉડવાની ખુબ ઇચ્છા છે.

બે બે ફિલ્ડ કઇ રીતે મેનજ થશે? તેવા સવાલના જવાબમાં તેણીએ મકકમતાથી જણાવેલ કે હું ભણતા ભણતા એકટીંગ તો કરૂ જ છુ. મારા શિક્ષકોના સહયોગથી અને મારી દ્રઢતાથી આ જેમ શકય બન્યુ તેમ અભિનય કરતા કરતા પાયલોટ બનવાનું પણ શકય બની રહેશે. હું કરીને બતાવીશ. મને પુરો વિશ્વાસ છે.

અહીં કાવ્યાના પિતાશ્રી ડો. બિમલ રામાણીએ જણાવેલ કે કાવ્યાને એમ તો ડાન્સ ક્ષેત્રે પણ એટલો જ શોખ છે. કથ્થકમાં તે પારંગત છે. ગાયન કલા પણ ધરાવે છે. સીંગીંગ કરતા કરતા કી-બોર્ડ પણ વગાડી જાણે છે. ભણવામાં એટલી હોશીયાર છે કે હંમેશા ફસ્ટ આવે છે. ઇન્ટરનેશનલ ઓલમ્પીયાડની એકઝામમાં ગોલ્ડ મેડલ લાવી છે.

કાવ્યાના મમ્મી પારૂલબેને જણાવેલ કે કાવ્યા સાવ નાની હતી ત્યારથી જ અમે તેનામાં કઇક ટેલેન્ટ પડી હોવાનું માર્ક કર્યુ હતુ. કયાંય પણ મ્યુઝીક વાગતુ સાંભળે એટલે થીરકવા માંડતી. કેમેરો જોવે એટલે તેની સામે ગોઠવાઇ જતી. બસ પછી અમે તેને યોગ્ય દિશા દર્શન પુરૂ પાડયુ અને આજે તે એકટીંગનું ક્ષેત્ર ખુબ સારી રીતે ધમરોળી રહી છે.

ભોજનમાં શું ભાવે? તેવા સવાલના જવાબમાં કાવ્યાએ જણાવેલ કે આમ તો મને બધા જ પ્રકારની રસોઇ ફાવે. છતાય મારી ફેવરીટ ડીશ કહેવી હોય તો પંજાબી ડીશ વધુ પસંદ કરૂ છુ.

અન્ય બાળકોને શું સંદેશો આપવો છે ? તેવા સવાલના જવાબમાં જણાવેલ કે બસ આત્મવિશ્વાસ કેળવશો તો તમારી કલાને બહાર નિકળતા કોઇ રોકી નહીં શકે. કલા કોઇપણ હોય પણ જો શરમ સંકોચ મુકીને તમે જીવ રેડશો તો સફળતા અચુક મળશે જ તેમ કાવ્યાએ આ મુલાકાતના અંતે જણાવ્યુ હતુ.

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બાળ અભિનેત્રી કાવ્યા રામાણી તેમજ તેના પિતા ડો. બિમલ રામાણી, માતા પારૂલ રામાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)