Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

વણિક યુવાને ઓનલાઇન ગેમમાં લાખો ગૂમાવતાં આપઘાત કર્યો'તો!

મોટા મવા રોડ અંબિકા ટાઉનશીપ ધ કોટયાર્ડમાં રહેતાં કૃણાલભાઇ મહેતાએ બુધવારે મોડી રાતે કૂવામાં કૂદી જિંદગી ટૂંકાવી લીધાની ઘટનામાં બહાર આવેલી ચોંકાવનારી વિગતોઃ પરિવારજનોએ એક ચિઠ્ઠી મળતાં પોલીસને જાણ કરીઃ સ્વજનોના નિવેદનો નોંધવા તજવીજઃ ઓનલાઇન રમાતી પોકર ગેમની આઇડીના ઓઠા હેઠળ મોટા પાયે જૂગાર રમાતો હોવાની શકયતાઃ તાલુકા પોલીસ સુધી વાત પહોંચતા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૫:  શહેરના મોટા મવા કણકોટ રોડ પર અંબિકા ટાઉનશીપ પાસે આવેલા  ધ કોટયાર્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં વણીક યુવાને બુધવારે રાતે પત્નિ-સંતાનો સાથે દાંડીયા રાસ રમ્યા બાદ રાત્રીના બે વાગ્યા પછી કોઇપણ સમયે ઘરેથી નીકળી જઇ રહેણાંક પાછળ આવેલા કૂવામાં ઝંપલાવી જિંદગીનો અંત આણી લીધો હતો. આપઘાતની આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસ સામે ચોંકાવનારૂ કારણ સામે આવી રહ્યું છે. જિંદગી ટૂંકાવી લેનાર આ વણિક યુવાન ઓનલાઇન પોકર ગેમમાં લાખો રૂપિયા ગુમાવી બેસતાં આ પગલુ ભર્યાનું  બહાર આવી રહ્યું હોઇ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. ઓનલાઇન ગેમના ઓઠા તળે અનેક લોકો ખાસ કરીને યુવાનો મોબાઇલમાં આઇડી ખોલી-ખોલાવી જૂગાર રમતાં હોવાનું જાણકારો કહે છે. આવી જ કોઇ આઇડી આ યુવાને ખોલાવી હતી કે પછી અન્ય કોઇએ તેને આવી આઇડીમાં નાણા રોકવા લલચાવીને ફસાવતાં તે આ પગલુ ભરવા મજબૂર થયો? તે અંગે તપાસ થઇ રહી છે.

ગુરૂવારે સવારે કણકોટ રોડ પર ધ કોટયાર્ડ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા કુવામાં એક અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં મવડી ફાયરબ્રીગેડ સ્ટાફના ફાયરમેન વિનોદભાઇ મકવાણા, જયેશભાઇ ડાભી, અનીલભાઇ સોલંકી અને ડ્રાઇવર યોગેશભાઇ જાની  સહિતે સ્થળ પર પહોંચી યુવાનની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી શતી, જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અને. કે. રાજપુરોહિત, હેડ કોન્સ. જયંતિભાઇ તથા રાઇટર મહેશભાઇ સેજલીયાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસમાં આ લાશ કૂવા નજીક જ આવેલા  ધ કોટયાર્ડ બીલ્ડીંગ બી/૩૦૪ માં રહેતા કૃણાલભાઇ હરીશભાઇ મહેતા (ઉ.વ.૩૯) નામના વણિક યુવાનની હોવાનું તેમના સ્વજનોએ ઓળખી બતાવ્યું હતું.

 આપઘાત કરનાર કૃણાલભાઇ મહેતા બે ભાઇમાં નાના હતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતા  હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. બુધવારે રાતે કૃણાલભાઇ પત્નિ-સંતાનો સાથે રાસ ગરબા રમવા ગયા હતાં. મોડી રાતે પરત આવી બે વાગ્યા આસપાસ બધા સુઇ ગયા હતાં. ગુરૂવારે સવારે પરિવારજનોએ કૃણાલભાઇને ઘરમાં ન જોતાં તેઓ ઘણી વખત સવારે નાસ્તો લેવા જતાં હોઇ  ત્યાં ગયાનું સ્વજનોએ સમજ્યું હતું. પરંતુ મોડે સુધી ઘરે ન આવતાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કૂવામાંથી એક યુવાનની લાશ મળી હોઇ લોકો ભેગા થયા હોઇમોડી પરિવારજનો ત્યાં પહોંચતા એ લાશ કૃણાલભાઇની હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાતનું કોઇ ચોક્કસ કારણ લાશ મળી એ દિવસે બહાર આવ્યું નહોતું. દરમિયાન મૃતક યુવાનના સ્વજનોને મૃતકના પાકિટમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઓનલાઇન પોકર ગેમની આઇડીમાં લાખોની રકમ ગુમાવ્યાની નોંધ હોવાનું કહેવાય છે. તેણે મિત્રો પાસેથી, કંપનીમાંથી તેમજ બીજા લોકો પાસેથી રકમો લીધાની પણ ચર્ચા છે. પોલીસના હાથમાં આ ચિઠ્ઠી આવ્યા બાદ આગળ તપાસ શરૂ થશે અને મૃતકના સ્વજનોના નિવેદનો નોંધવા તજવીજ થશે.

આ યુવાને કોઇ અન્યની લાલચમાં આવી બીજાની આઇડીથી રોકડના વ્યવહારો કર્યા કે પછી પોતાના નામની આઇડી હતી? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. (૧૪.૭)

ઓનલાઇન આઇડી પર દરરોજ કરોડોના જૂગારની હારજીત?!

. જૂગારના શોખીનોમાં જેમ તિનપત્તી, ઘોડીપાસા પસંદગીના જૂગાર છે તેમ હવે ઓનલાઇન જૂગારનું દૂષણ પણ વકર્યુ હોવાનું જાણકારો કહે છે. ગેમના નામે ઓનલાઇન આઇડી ખોલાવી તેમાં જૂગાર રમાતો હોવાનું જાણકારો કહે છે. પોલીસ આ બાબતથી અજાણ હશે કે પછી આંખ આડા કાન થઇ રહ્યા હશે તે પોલીસ જ જાણે. કહેવાય છે કે મોટા ભાગના યુવાનો કે જે કોઇ જૂગારના ફિલ્ડમાં નથી જઇ શકતા અને પોલીસના દરોડાથી બચી શકાય તે માટે થઇને ઓનલાઇન ગેમના ઓઠા તળે મોટી હારજીત કરી રહ્યા છે. તિનપત્તી, માંગપત્તી સહિતનો જૂગાર રમી શકાય છે. એવું પણ કહેવાય છે કે પોકર ગેમના નામે આઇડી ખોલાવનાર તેમાં મોટા પાયે સામેના વ્યકિતઓ સાથે હારજીત કરી શકે છે. આપઘાત કરનાર વણિક યુવાને કયા પ્રકારની આઇડીમાં ઓનલાઇન નાણા ગુમાવ્યા? કોની કોની પાસે તેણે આ પ્રકારના વ્યવહાર કર્યા? તે સહિતની વિગતો મેળવવા તાલુકા પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.

(3:36 pm IST)