Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રાજકોટની બન્ને બ્રાંચો પર સીઆઈડી ત્રાટકીઃ ૪૫૦૦ લોકો ફસાયા

બેન્કથી વધુ વ્યાજની લાલચે રાજકોટ-ગોંડલ અને વાંકાનેર સહિત ગુજરાતના હજારો લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાઃ સીઆઈડી વડા આશિષ ભાટીયાના આદેશથી વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશનઃ ડીવાયએસપી એ.એ. સૈયદ ટીમે જાગનાથમાંથી એક સીપીયુ તથા એસ.એસ. ચૌધરી ટીમે સોરઠીયાવાડીમાંથી બે સીપીયુ કબ્જે કર્યાઃ રાજકોટના સંખ્યાબંધ લોકોના નિવેદનો નોંધાયાઃ તમામ મહત્વના આરોપીઓ રાજસ્થાનના વતનીઃ મુખ્ય આરોપી ગીરધરસિંગ સોઢાનો જયપુર જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવવા ધમધમાટ

રાજકોટ, તા. ૫ :. રાજસ્થાનના કેટલાક શખ્સો દ્વારા રાજકોટમાં બે, ગોંડલમાં એક તથા વાંકાનેરમાં એક બ્રાંચ સહિત ગુજરાતભરમાં નવજીવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી (મલ્ટી સ્ટેટ)ની સ્થાપના કરી અલગ અલગ લોભામણી સ્કીમો દ્વારા હજારો લોકોને લલચાવી, બેન્કથી વધુ વ્યાજ આપવાની લાલચ આપી છેતરપીંડી કર્યાની ફરીયાદ રાજ્યના સીઆઈડી વડા આશિષ ભાટીયા સુધી પહોંચતા તેઓએ રાજકોટ સહિત વિવિધ શહેરોમાં સીઆઈડી ટીમોને મોકલી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

આ ઓપરેશનમાં રાજકોટની જાગનાથ તથા સોરઠીયાવાડીની બ્રાંચોમાં પણ સીઆઈડી ત્રાટકયાનું બહાર આવ્યુ છે. રાજકોટના ચંદ્રભૂષણ વ્યાસ દ્વારા થયેલી ફરીયાદના આધારે સીઆઈડીના ડીવાયએસપી એ.એ. સૈયદ અને પીએસઆઈ એસ.એસ. ચૌધરી (ઈકોનોમીક સેલ)ની આગેવાની હેઠળની ટીમ દ્વારા નવજીવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી (મલ્ટી સ્ટેટ)ની બ્રાંચોનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. સીઆઈડી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશો મુજબ જાગનાથ બ્રાંચમાં ઈકોનોમિક સેલના ડીવાયએસપી એ.એ. સૈયદ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન એક સીપીયુ કબ્જે કરવામાં આવેલ છે. સોરઠીયાવાડી બ્રાંચમાં સીઆઈડી અધિકારી એસ.એસ. ચૌધરીની ટીમ દ્વારા હાથ ધરાયેલ સર્ચ દરમિયાન બે સીપીયુ કબ્જે કરવામાં આવ્યાનું પણ સૂત્રો વિશેષમાં જણાવે છે.

રાજકોટની ઉપરોકત બ્રાંચો દ્વારા ૪૫૦૦ જેટલા સભ્યો દ્વારા રોકાણ થયાનું સીઆઈડી સૂત્રો જણાવે છે. સીઆઈડી ટીમો દ્વારા રાજકોટમાં ૧૩ લોકોના નિવેદન લઈ કુલ ૨ કરોડ ૧૦ લાખ રકમ પરત આપવામાં ન આવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે. આરોપી ગીરધરસિંગ મંગાસિંગ સોઢા હાલ જયપુર જિલ્લા જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવવા સીઆઈડી વડા આશિષ ભાટીયાએ પ્રયાસો તેજ બનાવ્યા છે. ભોગ બનેલા લોકોને સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા, સહયોગ સંકુલ, ત્રીજો માળ, સીવીલ હોસ્પીટલ સામે ગાંધીનગરનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

અત્રે યાદ રહે કે નવજીવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી (મલ્ટી સ્ટેટ)ના સંસ્થાપક તરીકે એમ.ડી. ગીરધરસિંગ સોઢા, મુખ્ય સલાહકાર તરીકે સંતોષ જોશી તથા ચીફ જનરલ મેનેજર તરીકે જોગેન્દ્રસિંગ, સીનીયર જનરલ મેનેજર પદે દિનેશ શર્મા, ચીફ એકાઉન્ટન્ટ તરીકે પરસોતમ જાંગીડ છે. આ બધા શખ્સો રાજસ્થાનના બાડમેર પંથકના હોવાનું ખુલવા પામ્યુ છે.

(3:33 pm IST)