Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સુરતના વેપારી વિરૂદ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને સમન્સ

રાજકોટ, તા. ૫ :. સુરતના વેપારીએ માલના પેમેન્ટ માટે આપેલ ચેક રિટર્ન થતા ફરીયાદ થતા કોર્ટે આરોપીને સમન્સ ઈસ્યુ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રમેશભાઈ વશરામભાઈ વણપરીયા 'તીરૂપતી પ્લાસ્ટ'ના નામથી કૈલાશ પાર્ક, શેરી નં. ૪, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ ખાતે પી.વી.સી. રિબીન બનાવવાનું મેન્યુફેકચર કરે છે. આ કામના આરોપી ધીરૂભાઈ જોષી એ ટુ ઝેડ માર્કેટીંગના નામથી પી.વી.સી. રિબીનનું સુરત ખાતે ટ્રેડીંગ કરતા હોય રાજકોટના વેપારી રમેશભાઈ વશરામભાઈ વણપરીયા પાસેથી પી.વી.સી. રિબીન મંગાવવાનો ઓર્ડર આપેલો.

ઓર્ડર મુજબનોે માલ ફરીયાદીએ સુરત ખાતે મોકલાવેલ. જે માલના પાર્ટ પેમેન્ટ ચુકવવા માટે આ કામના આરોપીએ પોતાની પેઢીના ખાતાવાળી બેંકનો રૂ. ૨,૬૪,૭૯૨ અંકે રૂપિયા બે લાખ ચોંસઠ હજાર સાતસો બાણુ પુરાનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની તીરૂપતી પ્લાસ્ટના ખાતાવાળી યુકો બેંક, મેઈન બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક અપુરતા ફંડના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઈ જવાબ આપેલો નહીં, તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી ધીરૂભાઈ જોષી એ ટુ ઝેડ માર્કેટીંગના પ્રોપરાઈટર સુરતવાળાને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:32 pm IST)