Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સગીરા ઉપરના બળાત્કાર કેસમાં ગારીયાધાર પંથકના શખ્સની જામીન અરજીને ફગાવી દેતી અદાલત

આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે, જામીન આપી શકાય નહિઃ કોર્ટ

રાજકોટ, તા. ૫ :. અહીંના રૈયા વિસ્તારની સગીર કોળી બાળાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈને વારંવાર બળાત્કાર ગુજારવા અંગે પોકસો એકટની કલમ હેઠળ પકડાયેલા ભાવનગર જીલ્લાના ગારીયાધાર વિસ્તારના આરોપી અરવિંદ વિનુભાઈ ધોળકીયાએ 'ચાર્જશીટ' બાદ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી આર.એલ. ઠક્કરે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી સગીરાને લલચાવી - ફોસલાવીને પાવાગઢ મહિસાગર જીલ્લાના વિવિધ વિસ્તારમાં લઈ જઈને સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આ બનાવ અંગે તા. ૩-૭-૧૯ના રોજ રાજકોટ યુનિવર્સિટી પોેલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનામાં આરોપીને જામીન પર છુટવા અરજી કરી હતી.

આ જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ રજૂઆત કરેલ કે ભોગ બનનાર ૧૫ વર્ષની ઓછી ઉંમરની છે તેથી સગીરાની જો સંમતિ હોય તો પણ ગુનો બને છે. આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. તેથી જામીન અરજી રદ કરવી જોઈએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને એડી. સેસ. જજ શ્રી આર.એલ. ઠક્કરે આરોપીની જામીન અરજીને નકારી કાઢી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

(3:31 pm IST)