Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જૈનમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે ખુબ જાણીતા અભિનેત્રી નાદીયા હિમાની અને ગાયિકા લાલિત્યા મુન્શા

ટીવી શો-ફિલ્મો-નાટકોના અભિનેત્રી અને સેંકડો ગીતો ગાઇ ચુકેલા ગાયિકા રાજકોટના મહેમાનઃ ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે, હાલમાં આ ફિલ્મો માટે અચ્છે દિન ચાલી રહ્યા છે-અભિનેત્રી નાદીયા હિમાનીઃ રાજકોટના ખેલૈયાઓને મોજ પડે તેવા એક એકથી ચડીયાતા ગુજરાતી-હિન્દી ગીતો રજૂ કરીશઃ ગાયિકા લાલિત્ય મન્શા

અભિનેત્રી નાદીયા હિમાની અને ગાયિકા લાલિત્ય મન્શા સાથે 'અકિલા' ખાતે પધારેલા જૈનમ યુનિટિંગ કોમ્યુનિટીના મયુરભાઇ શાહ, ડો. હિરેન કોઠારી, એડવોકેટ નિપુણ દોશી, ચિરાગ દોશી, જીતુભાઇ મારવાડી, સુકેતુભાઇ ભોડીયા, વંદિતભાઇ દામાણી અને ચિંતનભાઇ દોશી નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૦૫: 'બોલીવૂડની ફિલ્મોની જેમ હવે આજના સમયમાં ગુજરાતી ફિલ્મો પણ સતત આગળ વધી રહી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, એમ કહી શકાય કે ગુજરાતી ફિલ્મો માટે પણ હવે અચ્છે દિન ચાલી રહ્યા છે'...આ વાત ગુજરાતી ફિલમો, હિન્દી ટીવી સિરીયલો અને નાટકોના ખુબ જાણીતા અભિનેત્રી નાદીયા હિમાનીએ આજે 'અકિલા'ને જણાવી હતી. તેઓ જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં આજે ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા છે. નાદીયા હીમાની સાથે ખુબ જ જાણીતા ગાયિકા લાલિત્યા મુન્શા પણ જૈનમ નવરાત્રી મહોત્સવમાં મહેમાન બન્યા છે. લાલિત્ય મન્શોએ કહ્યું હતું કે રાજકોટના ખેલૈયાઓને સાંજે તેમને જેવા પસંદ પડે તેવા ગુજરાતી તથા હિન્દી ગીતો રજૂ કરીને જોમ ચડાવીશ, ખેલૈયાઓ રિતસર એક એકથી ચડીયાતા ગરબામાં બમણા જોશથી રાસ રમશે. લાલિત્યા મુન્શા મુંબઇના વતની છે અને રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ એન્ડ રી એન રાગા સ્ટુડિયો ચલાવે છે. તેઓ ખુબ જાણીતા ગાયીકા અને પરફોર્મર છે. તેમના ૨૦૧૧માં 'હાલરડા' નામનું આલ્બમનું તે વખતે શ્રી નરેન્દ્ર મોદીએ રિલીઝ કર્યુ હતું.

સતત ચોથા વર્ષે ફકત જૈન સમાજનાં ખેલૈયાઓ માટે આયોજીત જૈનમ નવરાત્રી મહોત્સવમાં આજેે ૭માં નોરતે ખેલૈયાઓનાં ઉત્સાહમાં વધારો કરવા હિન્દી અને ગુજરાતી ભાષામાં પોતાના અભિયનનાં ઓજસ પાથરનાર ટીવી સીરીયલ સ્ટાર નાદીયા હીમાની ખાસ પધાર્યા છે. તેમની સાથે ખુબ જાણીતા ગાયિકા લાલિત્યા મુન્શા પણ ખેલૈયાઓને જબરૂ જોમ ચડાવશે.

 નાદીયા હિમાનીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે-આજના યુવાનો કે જે અભિનયના ફિલ્ડમાં આવવા ઇચ્છે છે તેમણે સોૈથી પહેલા તો અહિ મહેનત કરવાના નિર્ણય સાથે આવવું પડશે. અહિ અનેક ઉતાર-ચડાવ પણ સહન કરવાની તૈયારી રાખવી પડશે. ઉતાવળ કરવાની જરૂર હોતી નથી. 'કોમ્પ્રોમાઇઝ' આ ફિલ્ડમાં અવાર-નવાર ચર્ચાતો શબ્દ છે? તે બાબતે પુછાતાં તેમણે કહ્યું હતું કે તમે જાતે જ મક્કમ રહો તો આવું કંઇ થતું નથી. મને આવો અનુભવ કદી થયો નથી. આપણે જાતે જ આવી બાબતોમાં કલીયર રહેવું જોઇએ.

ગાયીકા લાલિત્યા મુન્શાએ ૨૦૧૧થી અત્યાર સુધીમાં સેંકડો ગુજરાતી-હિન્દી ગીતો આપ્યા છે. તેઓ કહે છે કે મારા પર્સનાલિટી ભર્યા જીવનનના ઘડતરમાં શિક્ષણનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે. નાનપણથી જ મને સંગીતનો ગાયકીનો શોખ હતો. એ પછી હું આ ફિલ્ડમાં જ આગળ વધી હતી. ૨૦૧૧માં શિવાજીનું હાલરડુ નામનું આલ્બમ લાલિત્યએ રજૂ કર્યુ હતું. જેના થકી તેમને આ ફિલ્ડમાં ખુબ ઓળખ મળી હતી. આ આલ્બમ તે વખતે શ્રી નરેન્દ્ર મોદીએ રિલીઝ કર્યુ હતું. તેઓ સેંકડો ગીતો ગાઇ ચુકયા છે. આજે જૈનમ નવરાત્રી મહોત્સવમાં તેઓ એક એકથી ચડીયાતા ગીતો રજૂ કરશે. આ વર્ષમાં તેના ગીતો સોજા રે, માડી તારા, તુ હી મેરે નૈનો કા તારા, ઢોલના, સાંવરા સલોના મેરા, શાંતિ પ્રાર્થના, કુમકુમના પગલા, મા તારો ગરબો, નોરતાની રાત, બિરદાલી બહુચરવાળી, અચ્યુતમ કેશવમ  આવો તો, રંગ તાળી, આજ બેડલુ સહિતના રિલીઝ થયા છે.

'અકિલા' ખાતેની મુલાકાતમાં આ બંને મહિલા કલાકારો સાથે જૈનમના મયુરભાઇ શાહ, ડો. હિરેન કોઠારી, એડવોકેટ નિપુણ દોશી, ચિરાગ દોશી, જીતુભાઇ મારવાડી, સુકેતુભાઇ ભોડીયા, વંદિતભાઇ દામાણી અને ચિંતનભાઇ દોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

હિન્દી-ગુજરાતી ટીવી શો, નાટકો, ગુજરાતી ફિલ્મો થકી હિમાની નાદિયાએ સતત વાહ-વાહી મેળવી છે

હિમાની નાદીયાએ ૨૦૧૩માં 'જપી લો જેઠાલાલ'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.  તેઓએ દૂરદર્શન, સોની ટીવી અને કલર્સ ગુજરાતીમાં અનેક સીરીયલોમાં કામ કર્યુ છે. ૨૦૧૬માં ટ્રાન્સમીડીયા સ્ટેજ એન્ડ સ્કીન એવાર્ડમાં બેસ્ટ એકટરનો એવોર્ડ પણ તેમણે પોતાના નામે કર્યો હતો.

 નાદીયા હિમાનીએ દુનીયા જલે તો જલે, લવ વાઈરસ, આવુ તો થયા કરે, બેન્ડ બાજા બબુ ચક જેવી અનેક ફીલ્મોમાં પણ કામ કર્યુ છે. આ ઉપરાંત દશામાની લીલા અપરંપાર અને દશામાંની નાગણ જેવી ટેલીફીલ્મ પણ કરી છે. તેમજ ગુજરાતી ટીવી સિરીયલ જાગ્યા ત્યારથી સવાર, આ મામાનું ઘર કેટલે, બકુલનું બખડ જંતર અને સાવજમાં શાનદાર અભિનય કરી દર્શકોમાં ચાહના મેળવી ઓળખ ઉભી કરી છે.

 હીન્દી સીરીયલ ક્રાઈમ પેટ્રોલ, મનમેં હૈ વિશ્વાસ અને ચંદ્રાનંદી જેવી પ્રસિધ્ધ સીરીયલમાં પણ લીડ રોલ કરી ચુકયા છે. જાહેરખબર ક્ષેત્રે પણ તેમણે ગતીશીલ ગુજરાત, ડીજીટલ ઈન્ડીયા, સર્વો ફોકસ પ્રોડકસ, વીવાહ કલેવર્સ, કાવીત ઓઈલ, ભીમ એપ્લીકેશનમાં કામ કર્યુ છે. આ ઉપરાંત નાદીયાજીએ ૩પથી વધુ નાટકામાં પોતાના દમદાર અભિનય થકી વાહવાહી મેળવી છે. (૧૪.૧૩)

લાલિત્યાના ૨૫થી વધુ આલ્બમ આવી ચુકયા છેઃ રેડ રિબિન મ્યુઝિકના સફળ સંચાલિકા

ગાયકીના ગુણો બાળપણથી જ મળ્યા છેઃ દરેક પ્રકારના ગીતો ગાવામાં માસ્ટરી

લાલિત્યા મુન્શા એક વર્સટાઈલ સિંગર છે, તેમનું પરિવાર પણ સંગીતક્ષેત્રે જોડાયેલું છે. આથી સંગીત સાથેનો તેમનો લગાવ  નાનપણથી જ રહ્યો છે. એક સારા સીંગર તરીકેનાં તમામ ગુણો તેમનામાં ઉપલબ્ધ છે. તેઓએ હિન્દુસ્તાની કલાસીક મ્યુઝીકમાં ઉચ્ચ પદવી હાંસલ કરેલ છે. લાલિત્યા મુન્શા ફયુઝન સોંગ, ફીલ્મી સોંગ, ભજન-ગઝલ, સુફી સોંગ અને ખાસ કરીને રાસ-ગરબામાં તેઓ પોતાના સુરીલા અવાજથી પ્રસંશાને પાત્ર બનેલ છે. તેઓ ૨૫ થી વધુ પોતાના આલ્બમ પણ રજ કરી ચુકયા છે. લાલિત્યા મુન્શા ને ટાઈમ્સ પાવર વુમન, જીસીસીઆઈ એવોર્ડ, એફઆઈસીસીઆઈ ફલો એવોર્ડ, જીઆએફએ પીપલ્સ ચોઈસ એવોર્ડનાં પણ હક્કદાર બન્યા છે.  તેઓ એક સારા ગાયીકા હોવાથી ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક આગવું સ્થાન ધરાવે છે. તેથી તો તેમના આગમનથી જૈનમ નવરાત્રી મહોત્સવમાં સોનાનો સુરજ ઉગશે તેમા શંકાને કોઈ સ્થાન નથી. 'દિયા ધ વન્ડર ગર્લ' ગુજરાતી પીકચરમાં તેમનો ગરબો નવરાત્રી આવી ગયો છેે. તેઓ રેડ રીબન મ્યુઝીક કંપની ચલાવે છે જેના થકી તેઓ ગુજરાતી ફીલ્મ સંગીત ગીતો હાલરડાને દુનિયાભરમા ડીસ્ટ્રીબ્યુટ અને પ્રમોટ કરે છે.

(3:29 pm IST)