Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

દશેરાએ રાજપૂત કરણી સેના દ્વારા શસ્ત્ર પૂજન - મહારેલી

શહીદવીરોને સ્મરણાંજલી - બેડીપરાવાડીએ શાસ્ત્રોકત વિધિથી શસ્ત્રપૂજન બાદ પંચનાથ મહાદેવ મંદિર સુધી બાઈક રેલી

રાજકોટ, તા. ૫ : આગામી તા.૮ના રોજ દશેરાના પવિત્ર તહેવારે રાજકોટ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા શસ્ત્રપૂજન અને મહારેલી તથા શહીદવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ છે. સૌપ્રથમ બેડીપરા જ્ઞાતિની વાડીએ શસ્ત્રપૂજન બાદ શહીદવંદના થશે અને ત્યારબાદ બાઈક રેલી યોજાશે. જે બાલક હનુમાન મંદિરે થઈ કુવાડવા રોડ, કેસરી પુલ થઈને પંચનાથ મંદિરે પહોંચશે. સવારે ૯ વાગ્યાથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે.

આ અંગે સંસ્થાની યાદીમાં જણાવ્યા મુજબ વિજયા દશમી એ અસુરી તત્વ પર સત્યના વિજયનો પર્વ છે. રાજપૂતોએ હરહંમેશ સત્યની રક્ષા માટે આયુધો ઉઠાવ્યા છે. વિજયા દશમીએ પરંપરા મુજબ રાજપૂત સમાજ શકિતરૂપી શસ્ત્રોનું પૂજન કરે છે. આ પરંપરા મુજબ આગામી તા.૮ને વિજયા દશમીના રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત વૈદિક રીતે શસ્ત્રોનું પુજન, શહીદ વિરોને વિરાંજલી સ્મરણાંજલિ તેમજ ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ વિજયાદશમી મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રાજપૂત સમાજની વાડી, બેડીપરા ખાતે સવારે ૮ કલાકે પરંપરાગત રીતે શસ્ત્રો તથા શમી વૃક્ષનું પુજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯:૩૦ કલાકે રાજપૂત સમાજની વાડી, બેડીપરા રાજપૂત વાડી ખાતેથી મહારેલીનો પ્રારંભ થશે અને પંચનાથ મહાદેવ મંદિર ખાતે પુર્ણાહુતિ થશે.

આ શસ્ત્રપુજન તથા મહારેલીમાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન, જય ભવાની રાજપૂત યુવા સેના તથા શ્રી રાજસ્થાન રાજપૂત સમાજના આગેવાનો અને ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો યોજાશે.

આ કાર્યક્રમ તથા શહીદ વંદનાના આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે રમેશસિંહ ચૌહાણ (બેડીપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ) જીણા ભા ચાવડા (પ્રમુખ શ્રી ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ), વિક્રમસિંહ પરમાર (ક્ષત્રિય ગુર્જર રાજપૂત સમાજ), અરજણ જી રાઠોડ (ક્ષત્રિય મારુ રાજપૂત સમાજ) , ગોવિંદસિંહ ડોડીયા  (ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ પ્રમુખ ),મેંદુભા ડાભી ( ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ પ્રમુખ યુવા સંગઠન), માવજીભા ડોડીયા (અખિલ ગુજરાત ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ), મહેશ્વરસિંહ રાજપૂત (રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ), અરૂણસિંહ સોલંકી ( પ્રમુખ શ્રી મવડી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ), ભરતસિંહ ચુડાસમા (પ્રમુખ શ્રી સમૂહ લગ્ન સમિતિ ક્ષત્રિય ગુર્જર રાજપૂત સમાજ) , હરૂભા નકુમ (પ્રમુખ શ્રી સમૂહ લગ્ન સમિતિ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ),ભૂપતસિંહ વણોલ ( પ્રમુખશ્રી સમૂહ લગ્ન સમિતિ ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ), અજીતસિંહ રાજપૂત (અગ્રણીશ્રી ક્ષત્રિય મારૂ રાજપૂત સમાજ ) તથા રિતેશસિંહ રાઠોડ ( ક્ષત્રિય મારૂ રાજપૂત સમાજ) હાજર રહેવાના છે ,આ શસ્ત્રપુજન તથા મહારેલી મહોત્સવમાં ક્ષત્રિય રાજપૂત સમાજને ઉપસ્થિત રહેવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની દ્વારા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:28 pm IST)