Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જેની સામે વ્યાજખોરીની ફરિયાદ કરી એ સંજયસિંહ ઉર્ફ ચિન્ટૂ ઝાલાએ ખુલ્લેઆમ ઘરે આવી ખૂનની ધમકી દીધી!

લક્ષ્મીવાડીના અતુલભાઇ મજીઠીયા પાસેથી લાખો વ્યાજ વસુલ્યું, ઓફિસ પણ પડાવી લીધીઃ છતાં વધુ વ્યાજ માંગી હેરાન કરાતાં ગયા મહિને ત્રણ શખ્સો સામે મનીલેન્ડ એકટ-ધમકીની ફરિયાદ કરી હતીઃ ધરપકડ થાય એ પહેલા ફરીથી ધમકી : પોલીસને જે શખ્સ મળતો નથી એ મજીઠીયા પરિવારના ઘરે બિન્દાસ્ત રીતે પહોંચી ગયો અને ગૂંડાગીરી આચરી ગયોઃ પરિવારમાં ફફડાટ : ચિક્કાર નશો કરીને આવ્યો હોય તેવું જણાતું હતું: મહિલા સભ્યો ફફડી ગયાઃ અતુલભાઇના પિતાશ્રીએ પોલીસ કન્ટ્રોલ રૂમમમાં ફોન કર્યો, ગાડી આવે એ પહેલા ભાગી ગયો

રાજકોટ તા. ૫: લક્ષ્મીવાડી-૪માં વાત્સલ્ય એપાર્ટમેન્ટમાં રહેતાં અને વિમાનું કામ કરતાં અતુલભાઇ મનહરભાઇ મજીઠીયા (ઉ.૪૯)એ ગયા મહિને લક્ષ્મીવાડીના જ સંજયસિંહ ઉર્ફ ચિન્ટૂ ઝાલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ મનીલેન્ડ એકટ હેઠળ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આ શખ્સને પોલીસ પકડે એ પહેલા તે ગત રાતે ફરીથી અતુલભાઇના ઘરે પોલીસનો કોઇપણ જાતનો ડર ન હોય એ રીતે પહોંચી ગયો હતો અને તેમને બેફામ ગાળો દઇ, મારી નાંખવાની ધમકી આપી ભયનો માહોલ સર્જી ભાગી જતાં ચકચાર જાગી છે. પોલીસને જે શખ્સ મળતો નથી એ આ રીતે ફરિયાદીની ઘરે ખુલ્લેઆમ પહોંચી ફરીથી ગૂંડાગીરી આચરી જતાં મજીઠીયા પરિવારના સભ્યો ફફડી ગયા હતાં.

ધમકી અને હુમલાના આ બનાવ સંદર્ભે ભકિતનગર પોલીસે અતુલભાઇ મનહરભાઇ મજીઠીયા (ઉ.૪૯)ની ફરિયાદ પરથી લક્ષ્મીવાડીના જ સંજયસિંહ ઉર્ફ ચિન્ટૂ જગુભા ઝાલા સામે આઇપીસી૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ  ગુનો નોંધ્યો છે.

અતુલભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મારા માતા-પિતા અને નાના ભાઇ ચેતનભાઇ સાથે સંયુકત પરિવારમાં રહુ છું અને ઢેબર રોડ પર મજીઠીયા એસોસિએટ્સ નામથી વિમા એજન્ટની ઓફિસમાં બેસી કામ કરુ છું. શુક્રવારે રાતે નવેક વાગ્યે હું તથા મારા પત્નિ હેતલબેન અને મારા નાના ભાઇ ચેતભાઇ તેમજ પિતા મનહરભાઇ ગોરધનદાસ મજીઠીયા એમ ઘરના બધા સભ્યો ઘરે હાજર હતાં ત્યારે સંજયસિંહ ઉર્ફ ચીન્ટૂ ઝાલા મારા ઘર પાસે તેની ફોરવ્હીલ જીજે૨૫જે-૬૬૪૨ લઇને આવ્યો હતો અને મને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડ્યો હતો.

ગાળો બોલવાની ના પાડતાં મને ઢીકા-પાટુનો માર મારવા માંડ્યો હતો. મારા પત્નિ અને ભાઇ તથા ઘરના બીજા સભ્યો આવી જતાં સંજયસિંહના વધુ મારમાંથી મને છોડાવ્યો હતો. એ પછી સંજયસિંહે મને મારી નાંખવાની ધમકી આપી હતી અને 'તું ઘરની બહાર નીકળતો જ નહિ નહિતર તને મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં સંજયસિંહ તેની કાર લઇ ભાગી ગયો હતો. એ પછી મેં મારા પિતા અને ભાઇ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

સંજયસિંહ ઉર્ફ ચીન્ટૂ ઝાલા સાથે મારે જુની માથાકુટ ચાલતી હોઇ તેનો ખાર રાખી તેણે ઘરે આવી માર મારી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ સુભાષભાઇ ડાંગરે  ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદી અતુલભાઇના પિતા મનહરભાઇ મજીઠીયાએ જણાવ્યું હતું કે બાવીસથી પચ્ચીસ વર્ષનો આ શખ્સ કે જેને પોલીસ અગાઉ મારા દિકરાએ નોંધાવેલી ફરિયાદમાં પકડી શકી નથી એ ગઇરાતે ખુલ્લેઆમ અમારા ઘરે કાર લઇને પહોંચી ગયો હતો અને ચિક્કાર નશો કરેલો હોય તેવો જણાતો હતો. તેણે પોલીસનો કોઇપણ જાતનો ભય ન હોય એ રીતે અમારા ઘરમાં આતંક મચાવ્યો હતો. બેફામ ગાળાગાળી અને મારામારી ઝપાઝપી કરી ભયનો માહોલ ઉભો કરતાં અમારા ઘરના મહિલા સભ્યો રિતસર ફફડી ગયા હતાં. ચિન્ટૂ ઝાલા નામના આ શખ્સ વિરૂધ્ધ પોલીસે ગયા મહિને જ મનીલેન્ડ એકટ અને ધમકીની કલમો હેઠળ મારા પુત્ર અતુલભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેણે વ્યાજ વસુલવા લાખો રૂપિયા પડાવ્યા ઉપરાંત મારા દિકરાની ઓફિસ પણ પડાવી લીધી છે. આ ગુનામાં પોલીસ તેને શોધી શકતી નથી અને તે આ રીતે ખુલ્લેઆમ ઘરે આવી ધમકી આપી ભાગી જાય છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ સર્જાયા છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ કડક કાર્યવાહી કરાવે તેવી અમારી અરજ છે.

નોંધનીય છે કે અગાઉ નોંધાયેલી મનીલેન્ડ એકટ, ધમકીના ગુનાની તપાસ પીએસઆઇ એ.વી. પીપરોતરને જે તે વખતે સોંપવામાં આવી હતી.

(1:04 pm IST)