Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

એકલવાયું જીવન જીવતી નેપાળી મહિલા મિલનબેન રાઠોડની ઝૂપડામાંથી શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી

નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન એપાર્ટમેન્ટ સામે બનાવઃ ભાઇ તરીકે સાથે રહેતાં નેપાળી શખ્સની તાલુકા પોલીસે પુછતાછ કરીઃ કંઇ જાણતો ન હોવાનું રટણઃ મૃતકને નશાની આદત હોવાની ચર્ચાઃ શરીર પર દેખીતી ઇજા નથીઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૫: નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન એપાર્ટમેન્ટ નજીક ઝૂપડામાં રહેતી નેપાળી મહિલા મિલનબેન રાઠોડ (ઉ.વ.૩૬)નો ગત સાંજે આઠેક વાગ્યે શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતાં ટોળા ભેગા થઇ ગયા હતાં. નેપાળી મહિલાની હત્યા થયાની વાતે તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને તપાસ કરી હતી. રખડતું ભટકતું એકલવાયુ જીવન જીવતી આ મહિલાના જ વતનના એક નેપાળી શખ્સને પોલીસે શું બન્યું? તે જાણવા ઉઠાવી લઇ પુછતાછ કરી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેનો આજ બપોર સુધીમાં પ્રાથમિક રિપોર્ટ આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક પેન્ટાગોન પાસે ઝૂપડામાં નેપાળી મહિલા બેભાન પડી હોવાની જાણ કોઇએ ૧૦૮ને કરતાં ગાડી પહોંચી હતી. તેના ઇએમટી ડો. નિલેષ ગોહેલે તપાસ કરતાં મહિલાનું મોત થયાનું જણાયું હોઇ પોલસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ નિરંજનભાઇ આર. જાનીએ તાલુકા પોલીસને વાકેફ કરતાં પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ ડામોર, પીએસઆઇ એસ.આર. સોલંકી, જયંતિભાઇ, ડી. સ્ટાફના વી.એમ. જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે મૃતક મહિલાનું નામ મિલનબેન રાઠોડ છે અને તે નેપાળની વતની હતી. તેણીને આગળ પાછળ કોઇ ન હોઇ રખડતું જીવન જીવતી હતી અને બે અઢી મહિનાથી અહિ ઝૂપડામાં રહેતી હતી. તેણીને નશો કરવાની આદત હોવાનું પણ આસપાસના ઝૂપડામાં રહેતાં લોકોએ જણાવ્યું હતું. આ મહિલા સાથે તેના જ વતનનો એક શખ્સ સંપર્કમાં હોઇ પોલીસે તેને પુછતાછ માટે પોલીસ મથકે બોલાવ્યો હતો. જો કે તેણે મોત કઇ રીતે થયું? તે અંગે પોતે કંઇ જાણતો ન હોવાનું કહ્યું હતું તેમજ પોતે તેણીને બહેન કહતો હોવાનું રટણ કર્યુ હતું. શરીર પર દેખીતી રીતે ઇજાના કોઇ નિશાન નથી. મોતનું ચોક્કસ કારણ, સમય જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એસ.આર. સોલંકી વિશેષ તપાસ કરે છે. આ મહિલા વિશે કોઇ પાસે માહિતી હોય તો તાલુકા પોલીસને ફોન ૦૨૮૧ ૨૫૬૩૩૪૦  ઉપર જાણ કરવા જણાવાયું છે.

(11:51 am IST)