Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અકિલા પરિવારના પરમ સ્નેહી અનિલભાઈ સંઘવીની વિદાય

ચક્ષુદાન કર્યું: ઉઠમણુ -પ્રાર્થનાસભા સોમવારે સવારે જૈન ભુવન- સર્વેશ્વર ચોક ખાતે રાખેલ છે

રાજકોટઃ વડાલ નિવાસી સ્વ.કેશવલાલ વલ્લભજી સંઘવી, હાલ રાજકોટના સુપુત્ર અનિલભાઈ કેશવલાલ સંઘવી, દેના બેંકના પૂર્વ કર્મચારી, તે ઈલાબેનના પતિ, તે ગૌરાંગ તથા કુમારના પિતાશ્રી, તે વિરેન્દ્રભાઈ સંઘવી, કનકબેન રમેશભાઈ સંઘાણી તથા રેખાબેન નલીનભાઈ બાટવીયાના ભાઈ અને સ્વર્ગસ્થ વિનોદરાય તલકચંદ શાહ (મુંબઈ)ના જમાઈ, ગઈકાલે શુક્રવાર તા.૪ના રોજ અરિહંત શરણ થયેલ છે.

સદ્દગતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન, ઈલાવીલા, ૧૦ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી મોટા મૌવા સ્મશાનગૃહ જવા આજે શનિવારે તા.૫ના સવારે આઠ વાગે નીકળી હતી. સદ્દગતની આંખોનું ચક્ષુદાન કરેલ છે. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં સગા- સંબંધીઓ, સ્નેહીઓ, અગ્રણીઓ, બેન્ક સ્ટાફ વિ.જોડાયા હતા.

સોમવારે સવારે ૧૦:૩૦ થી ૧૧ જૈનભુવન, હીરાપન્ના કોમ્પલેક્ષની પાછળ, સર્વેશ્વર ચોક, જાગનાથ રાજકોટ ખાતે ઉઠમણું રાખેલ છે. ત્યારબાદ ૧૧ થી ૧૨ પ્રાર્થના સભા રાખેલ છે.

અકિલા પરિવાર સાથે અનિલભાઈનો પાંચ દાયકાનો પારિવારીક સંબંધ આજ પર્યંત જળવાયેલો રહ્યો હતો. અકિલા પરિવારના કિરીટભાઈ ગણાત્રા અને અનિલભાઈ સંઘવી દાયકાઓથી મિત્ર છે, ભાઈઓની જેમ ચડતી પડતી, સુખ- દુઃખ જોયા, અનુભવ્યા અને હસતાહસતા પસાર કર્યા હતા.

અનિલભાઈના બન્ને પુત્રો પૈકી ચિ.ગૌરાંગ સંઘવી રાજકોટ અને ચિ. કુમાર સંઘવી યુ.એસ.એ.સ્થાયી થયેલ છે.

સ્મશાનયાત્રામાં શ્રી પ્રવિણભાઈ રૂપાણી, શ્રી સી.પી.દલાલ, શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી દિપકભાઈ ભટ્ટ સહિતના મિત્રો, સ્નેહીઓ, અગ્રણીઓ જોડાયા હતા.

અકિલા પરિવારે મૌન પાળી આ દિલોજાન મિત્રને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. કિરીટભાઈ, અજીતભાઈ, રાજુભાઈ, નિમિષભાઈ સહિત સમગ્ર પરિવારે અનિલભાઈને શોકાંજલી પાઠવી હતી અને ફુલહાર કર્યા હતા. અનિલભાઈનો હસતો ચહેરો, સાલસ સ્વભાવ, સરળ વ્યવહાર અને ઊંડા વાંચન તથા જૂના યાદગાર ગીતો પ્રત્યેનો લગાવ હંમેશા યાદ રહેશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ....

(11:48 am IST)