Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જુની પપૈયાવાડીમાં કડવા પટેલ કારખાનેદાર વૃધ્ધ ડાયાભાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત

પત્નિ મંજુબેન સવારે જાગ્યા ત્યારે પતિ લટકતા મળ્યાઃ કારણ શોધવા પોલીસની મથામણઃ બે પુત્રોએ કહ્યું-પપ્પાને આવું પગલું ભરવું પડે તેવું કોઇ કારણ જ નહોતું

રાજકોટ તા. ૫: ગુરૂપ્રસાદ ચોક દોશી હોસ્પિટલ નજીક જુની પપૈયાવાડી-૧માં રહેતાં કડવા પટેલ કારખાનેદાર વૃધ્ધ ડાયાભાઇ ત્રિભોવનભાઇ ફુલતરીયા (ઉ.૬૦)એ વહેલી સવારે કે રાત્રીના કોઇપણ સમયે ઘરમાં પંખામાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

ડાયાભાઇને સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને પ્રદિપસિંહે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

ડાયાભાઇના ધર્મપત્નિ મંજુબેન સવારે નિત્યક્રમ મુજબ ઉઠ્યા ત્યારે પતિને લટકતાં જોતાં દેકારો મચાવતાં બે દિકરા ધર્મેશભાઇ અને સુનિલભાઇ સહિતના સ્વજનો તથા અડોશી-પડોશી ભેગા થઇ ગયા હતાં. ડાયાભાઇને નીચે ઉતારી તાકીદે હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. ડાયાભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં અને બે પુત્રો અને એક પુત્રી છે. તેઓ બે પુત્રો સાથે મેટોડા જીઆઇડીસીમાં કારખાને બેસતાં હતાં. તેમને આપઘાત કરવો પડે તેવું કોઇપણ કારણ નહિ હોવાનું બંને પુત્રોએ જણાવ્યું હતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:35 am IST)