Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

આપાગીગાના ઓટલે દશેરાએ કિર્તીદાન ગઢવી માતાજીની આરાધના કરાવશે

ભૂદેવો દ્વારા દરરોજ હોમાત્મક અને પાઠાત્મક હવન ચાલુ : ધામધૂમથી ઉજવાઈ રહેલો નવરાત્રી પર્વ : લોકગાયિકા પૂનમ ગોંડલીયા અને વિશાલ વરૂ પણ ભકિતરસ પીરસશે : ભવ્ય અન્નકોટ દર્શનનો પણ લાભ મળશે : દરેક બાળાઓને લ્હાણી - રોકડ ભેટ પૂજા પ્રસાદીરૂપે અપાશે : મંગળવારે દશેરાના પવિત્ર દિવસે ગામેગામની ગરબી મંડળની દરેક બાળાઓને લ્હાણી - રોકડ ભેટ પૂજા પ્રસાદીરૂપે અપાશે : સંતો - મહંતો ખાસ ઉપસ્થિત રહેશે : ભાગ લેનાર પ્રથમ ગરબીને ૧૧,૧૧૧, દ્વિતીય ગરબીને રૂ.૭,૭૭૭ અને તૃતીય ગરબીને રૂ.૫,૫૫૫નું રોકડ ઈનામ અપાશે

શ્રી આપાગીગાના ઓટલાની સેવાના સુવાસથી સમગ્ર ભારત સહીત દેશ વિદેશમાં અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માં દુર્ગાના નોરતાના પ્રસંગે શ્રી દિવ્યાતિદિવ્ય ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ-૧ તા.૨૯-  રવિવારના પ્રથમ નોરતાથી આસો સુદ-૧૦ તા.૦૮-૧૦ મંગળવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોર સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો ચાલુ હોય છે. આ ધાર્મિક મહોત્સવની ઉજવણી તા.૦૮-૧૦ મંગળવારથી સવારે ૯ વાગ્યાથી કરવામાં આવશે. જેનું બિડુ હોમવાનો સમય તા.૦૮-૧૦ મંગળવાર બપોરના ૪-૧૫ કલાકનો રાખવામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકે માં ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં માં ભગવતી તેમજ માં સરસ્વતીના આર્શીવાદથી મળેલ કંઠ દ્વારા સમગ્ર ભારત વર્ષમાં સૌરાષ્ટ્રનું નામ રોશન કરનાર લોક ગાયક શ્રી કિર્તીદાનભાઇ ગઢવી પણ માં ભગવતીની આરાધના કરાવવા માટે શ્રી આપાગીગાના ઓટલે વિશેષ ઉપસ્થિત રહી માં ભગવતીની આરાધના કરાવશે. તેમજ ગુજરાતભરમાં પોતાના કોકીલ કંઠથી પ્રખ્યાત તેવા લોક ગાયક પૂનમ ગોંડલીયા તેમજ લોક ગાયક શ્રી વિશાલ વરૂ પણ ખાસ ઉપસ્થીત રહી માં ભગવતીની આરાધનાઓ કરાવશે.

ત્યારબાદ અન્નકોટ પ્રસાદનું ઉપસ્થિત દરેક માં ભગવતીના સ્વરૂપ દિકરીઓને તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે દરેક ગરબી મંડળના સંચાલકશ્રીઓને, દરેક ગરબી મંડળની બાળઓને, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઇઓ, યુવાનો,બાળકોને તેમજ દરેક કાર્યકતા ભાઇઓ-બહેનોને આમંત્રણ અપાયુ છે.

જગત જનની અખિલ બ્રહ્માંડની અધિશ્વરી માતાના નવલા નોરતાની ઉજવણીમાં સમગ્ર ધર્મપ્રેમી જનતા ભકિતમય બની ચુકી છે. ત્યારે શ્રી આપાગીગાના ઓટલે પણ નવરાત સુધી સતત ધાર્મિક આયોજનનો ધમધમાટ જોવા મળી રહયો છે. આ તમામ ધર્મ મહોત્સવનો રોજે રોજ લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લઇ રહેલ છે. શ્રી આપાગીગાના ઓટલોના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ સમગ્ર મહોત્સવ દરમિયાન રોજે રોજ ઉપસ્થિત તમામ ભાવિકજનો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી આપાગીગાના ઓટલે આયોજીત આ દિવ્ય મહોત્સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને તા.૦૮-૧૦ મંગળવાર (દશેરા) ના દિવસે સવારે ૯ કલાકે શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંત શ્રી, શ્રી આપાગીગાના ઓટલો ચોટીલા તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પધારેલા અન્ય સંતો મહંતોના હસ્તે લ્હાણી વિતરણ તેમજ રોકડ (ભેટ પુજા) પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી આપાગીગાના ઓટલે ૨૪ કલાક વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજના હજારો લોકો મહાપ્રસાદનો લાભ લઈ  રહયા છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશની અંદર ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ હોય દરેક ધાર્મીક તહેવારોની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી પણ કરવામાં આવે છે. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું છે.

દશેરા નિમિત્ત આયોજન આ મહાયજ્ઞ અને સમગ્ર કાર્યક્રમની શરૂઆત તા.૦૮-૧૦-,મંગળવાર સવારે ૯ કલાકથી જઇ જશે. તો તમામ ભાવિક ભકતોએ સવારે ૯ કલાકે સમયસર શ્રી આપાગીગાના ઓટલે પહોંચીને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયુ છે.

આ નવરાત્રી મહોત્સવમાં તા. ૦૮-૧૦ મંગળવાર (દશેરા)ના આયોજન નિમિતે માતાજીની આરાધના કરવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ ગરબી મંડળ ને રૂ. ૧૧૧૧૧,  દ્વિતિય ગરબી મંડળને રૂ. ૭૭૭૭, તૃતિય ગરબી મંડળને ર. ૫૫૫૫ પુરસ્કાર ઇનામ આપવામાં આવશે. પરંતુ આ ઇનામ મેળવવા માટે તમામ ગરબી મંડળને પોતાનું રજીસ્ટ્રેશન સવારે ૧૦-૩૦ પહેલા કરાવી લેવાનું રહેશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરવનાર દરેક દિકરીઓને લ્હાણી તેમજ રોકડ ભેટ પૂજા આપવામાં આવશે.

શ્રી આપાગીગાના ઓટલે થતી વિવિધ સેવાકિય પ્રવૃતીઓમાં દરેક લોકો માટે ૨૪ કલાક અવિરત મહાપ્રસાદ,તહેવારો નિમિતે ભજન તેમજ સંતવાણી તથા મહાપ્રસાદનું આયોજન, દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન લઘુરૂદ્રાભિષેક, મહાપુજા, તેમજ ભગવાન ભોળાનાથને બિલીપત્ર ચડાવવાનું આયોજન, દર અષાઢી બીજે ધ્વજા રોહણનું ભવ્યાતી ભવ્ય આયોજન, ચોટીલા જતા તેમજ દરેક પદયાત્રીકો અને તમામ સમાજ માટે વિસામો તેમજ ભોજનની વ્યવસ્થા, શ્રી આપાગીગાના ઓટલાના માધ્યમથી ગાયોની સેવાકાજે નિર્મિત વિશાલ

ગૌ શાળાનું સંચાલન અને ગૌ સેવા અને ગૌ સર્વધનની પ્રવૃતિઓ, શ્રી આપાગીગાના ઓટલા પર વિવિધ શૈક્ષણિક સેમીનારોનું આયોજન જેમા પી.એસ.આઇ., એ.એસ.આઇ. કોન્સ્ટેબલ, જેલ સીપાઇ, તલાટી, બેન્કીંગ, રેલ્વે જેવી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કલાસ ૨-૩-૪ માટે વિનામુલ્યે રહેવા-જમવાની સગવડ સાથે અવિરત પણે તાલીમ કેમ્પના આયોજનો,દર શિવરાત્રી નિમિતે જુનાગઢ મેળામાં અવિરત ભોજન પ્રસાદનું આયોજન,શ્રી આપાગીગાના ઓટલે સર્વ જ્ઞાતિ સમુહ લગ્નમાં ૧૫૩ દિકરીઓના સંપૂર્ણ કરીયાવર સાથે તદ્દન વિનામુલ્યે સમુહ લગ્નનું આયોજન તેમજ વિવિધ પ્રકારની સામાજીક તેમજ ધાર્મિક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

શ્રી દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવના મહાયજ્ઞ બાદ બીડુ હોમવાનો તેમજ પૂર્ણાહુતી તા.૦૮ મંગળવાર સાંજે ૪-૧૫ કલાકે રાખવામાં આવેલ હોવાનું શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુએ યાદીના અંતમાં જણાવ્યુ છે.

(11:34 am IST)