Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નવાગામમાં રિક્ષાચાલક કાનજી કોળીને સાજીદ અને શરદે ઘુસ્તાવી બેઠક પર છરી ઝીંકી દીધીઃ ગંભીર ઇજા

લાલો તારા ઘરે કેમ આવે છે? તું બહાર નીકળ...કહી બૂમો પાડી ધમાલ મચાવી : સાજીદની પત્નિએ પણ તને અહિ રહેવા દેવો નથી...કહી ધમકી દીધીઃ કાનજીને દેવાંગ ઉર્ફ લાલા તન્ના સાથે મિત્રતા છે, તેની સાથે સાજીદને વાંધો ચાલતો હોઇ તે કારણે માથાકુટ કરી

રાજકોટ તા. ૫: નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં રેહતાં રિક્ષાચાલક કાનજી ગોવાભાઇ કોળી (ઉ.૩૪) નામના યુવાન પર સાજીદ અને સાજીદની પત્નિ તથા શરદ નામના શખ્સએ છરીથી હુમલો કરી બેઠક પર ઘા ઝીંકી ગંભીર ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

બી-ડિવીઝન પોલીસે કાનજીની ફરિયાદ પરથી સાજીદ અને તેની પત્નિ સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. કાનજીના કહેવા મુજબ હું મંગળવારે બપોરે ઘરે હતો અને પાણી ભરતો હતો ત્યારે અચાનક બાજુના કવાર્ટરમાં રહેતો સાજીદ ઉર્ફ સાજલો અને તેની પત્નિ તથા શરદ નામનો શખ્સે આવી 'કયાં છે કાનજી, બહાર આવ?' એવી બૂમો જોર જોરથી પાડતાં કંઇક કામ હશે તેમ સમજી હું બહાર આવતાં સાજીદે 'લાલાભાઇ તારા ઘરે કેમ આવે છે?' કહી ગાળો દઇ ગાલ પર લાફો મારી દીધો હતો. એ પછી શરદે નેફામાંથી છરી કાઢી મને બેઠક પાછળ ઘા ઝીંકી દીધો હતો. ત્યાં સાજીદની ઘરવાળી પણ આવી ગઇ હતી અને તેણે પણ 'તને અહિ રહેવા નહિ દઉં' તેમ કહી ગાળો દીધી હતી. 

કોઇએ ૧૦૮ બોલાવતાં  મને દવાખાને ખસેડાયો હતો. મારે દેવાંગ ઉર્ફ લાલા તન્ના સાથે સારી મિત્રતા હોઇ તેની સાથે સાજીદ અને શરદને વાંધો ચાલતો હોઇ લાલો મારા ભરે આવતો હોઇ તે એ લોકોને ન ગમતાં હુમલો કર્યો હતો. એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(3:35 pm IST)