Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને હિરાસર એરપોર્ટની કામગીરીની સમીક્ષાર્થે બેઠક યોજાઈ

રન-વે, બાઉન્ડ્રી વોલ, એપ્રોચ રોડ, બોક્સ કલવર્ટ સહિતની કામગીરી મિશન મોડમાં પૂર્ણ કરવા સંબંધિત વિભાગને સૂચિત કરતા કલેકટર:ગ્રીનફિલ્ડને હરિયાળું બનાવવા કાળી માટી પાથરી લોન તેમજ વૃક્ષારોપણ કામગીરી ચોમાસા પહેલા પુરી કરાશે

રાજકોટ :કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે તેમજ કોન્ટ્રાકટર અધિકારી દ્વારા ચાલી રહેલ કામની માહિતી કલેકટરશ્રીને પુરી પાડી હતી.

કલેકટરએ એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને રન-વે,  બાઉન્ડ્રી વોલ, એપ્રોચ રોડ, બોક્સ કલવર્ટ, સહિતની કામગીરી મિશન મોડમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
એરપોર્ટ પર વીજળી તેમજ પાણીની વ્યવ્સ્થા માટે જરૂરી તમામ પેપર વર્કસ પૂર્ણ થઈ ગયાનું તેમજ ટૂંકા સમયમાં જરૂરિયાત મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની કામગીરી હાથ ધરાશે તેમ જી.ઈ.બી. અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કલેકટરને જણાવાયું હતું.
આ તકે ગ્રીનફિલ્ડ હરિયાળું બની રહે તે માટે ચોમાસા પૂર્વે કાળી માટી પાથરી તેમાં જરૂરી લોન અને વૃક્ષારોપણની કામગીરી નજીકના સમયમાં શરુ કરી દેવામાં આવશે.  
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખાતમુર્હત થયેલ એરપોર્ટ ૧૦૩૦ હેક્ટરમાં ફેલાયેલું છે. રનવેની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રનવે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની ૩૦૦ મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.  બાઉન્ડ્રી વોલ જમીન સમથળ કરવાની કામગીરીની ,  ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ ચાલુ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે
આ બેઠકમાં પ્રાંત અધિકારી, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:46 pm IST)