Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કોરોના વેકસીન માટે આધારકાર્ડ ફરજીયાત : રાજકોટ જિલ્લામાં ૭૦૦ લોકોને વેકસીન વગર પરત જવું પડયું

ડોકટરો - નર્સ દ્વારા આધારકાર્ડ ફરજીયાત કરાતા અને અન્ય ડોકયુમેન નહિ ચલાવાતા દેકારો : કલેકટર તંત્ર સમક્ષ રજૂઆતોનો ધોધ : તંત્ર હવે આવા લોકો માટે સ્પે. કેમ્પ કરે તેવી શકયતા

રાજકોટ તા. ૫ : હાલ રાજકોટ શહેર - જિલ્લામાં ૬૦થી ઉપરનાને અને ૪૫ થી ૬૦ વર્ષની વયના કે જેમને ૨૦ પ્રકારની બીમારી છે તેમને કોરોના વેકસીન કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપાઇ રહી છે. છેલ્લા ૪ દિવસથી આ ચાલુ કરાયું છે, પરંતુ આ વેકસીનમાં એક ગંભીર પ્રકારનો ફણગો ફૂટયો છે. બાબત એવી બની છે કે કોરોના વેકસીન માટે આધારકાર્ડ ફરજીયાત બનાવાયું છે, જેમને વેકસીન માટે બોલાવાયા અને જેમની પાસે આધારકાર્ડ નથી તેમને ડોકટરો - નર્સ દ્વારા પાછા કઢાતા દેકારો બોલી ગયો છે, આવા જિલ્લામાં ૬૦૦ થી ૭૦૦ લોકો નીકળી પડતા દેકારો બોલી ગયો છે, કલેકટર સમક્ષ રજૂઆતોનો ધોધ થયો છે, પરિણામે કલેકટર તંત્ર આવા ૬૦૦ થી ૭૦૦ લોકોને તુર્ત જ આધારકાર્ડ મળી રહે તે માટે સ્પે. કેમ્પ કરવા જઇ રહ્યું છે.

અત્રે એ નોંધનીય છે કે હજુ ગઇકાલે જ કલેકટરશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આધારકાર્ડ ન હોય, વોટર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે પુરાવા પણ ચાલી શકે છે, ત્યાં આજે આધારકાર્ડનો ફરજીયાતનો ફણગો ઉદ્ભવ્યો છે.

(4:44 pm IST)