Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

આંબેડકરનગરના મહેશ મુછડીયાની ગોકુલનગરની ઓરડીઓ વાળી ૩૦૦ વારની જગ્યા ખાલી કરાવવા ટોળકીની ધમાલઃ તોડફોડ

રાજકોટઃ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં વિશાલ પ્રોવિઝન સ્ટોર પાછળ રહેતાં મહેશ ગોવિંદભાઇ ઉર્ફ ગોરાભાઇ મુછડીયા (ઉ.વ.૩૪) નામના વણકર યુવાનની ઓરડીમાં કિરણ, મુકેશ સવજીભાઇ પરમાર અને બીજા સાતેક શખ્સોએ ગેરકાયદે મંડળી રચી પાવડાના હાથા, ત્રિકમ સાથે રાખી પ્રવેશ કરી છતના સિમેન્ટના પતરામાં તેમજ બારી-દરવાજામાં તોડફોડ-નુકસાન કરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

મહેશ મુછડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે મજુરી કરી ગુજરાન ચલાવે છે. માતા, નાનો ભાઇ, પત્નિ, બે દિકરી સાથે રહે છે. પિતા હયાત નથી. તેની પાસે ચાલીસ વર્ષથી ગોકુલનગર-૨ના ખુણે આશરે ૩૦૦ વારની જગ્યાનો કબ્જો છે. જેમાં તેના પિતાજી ઇંટોના ભઠ્ઠો ચલાવતાં હતાં. પિતાના અવસાન બાદ તેણે આ જગ્યાનો કબ્જો વારસદાર તરીકે નાના ભાઇ જીતેન્દ્રને સોંપ્યો છે. આ જગ્યામાં પિતાજીએ સાત-આઠ ઓરડીઓ બનાવી હતી અને તેમાં પોતાનો પરિવાર તથા મજૂરો રહેતાં હતાં. બીજી અમુક ઓરડીઓ બનાવી ભાડે આપી છે. હવે કુલ ૧૫ ઓરડી છે અને તમામ ભાડાથી આપેલી છે.

૩૧/૧૨ના સાંજે મુકેશ પરમાર, ઢબાભાઇ, બીજા અજાણ્યા શખ્સોએ આવી ઓરડીવાળી જગ્યા પોતે લઇ લીધી છે, ખાલી કરી નાંખજો નહિતર મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ બાબતે ત્યારે ફરિયાદ કરી નહોતી. દરમિયાન ૩/૧ના બપોરે કિરણ, મુકેશ, બીજા સાત-આઠ જણાએ આવી ઓરડીના પતરા, દરવાજા, બારીમાં તોડફોડ કરી હતી. આ બાબતે મિત્ર પપ્પુભાઇ મારફત જાણ થતાં ત્યાં જઇ તપાસ કરતાં ઓરડીમાં તોડફોડ કરનારા જતાં રહ્યા હતાં. જગ્યા ખાલી કરાવવા આ શખ્સોએ તોડફોડ કરી હતી. પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરા વિશેષ તપાસ કરે છે.

(11:59 am IST)