Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

પૂર્વ પ્રેમિકા પર દૂષ્કર્મ આચરનાર જંગલેશ્વરના જાહિદ ઉર્ફ જાવલો અને મદદગારી કરનાર મહેબૂબની ધરપકડ

પૂર્વ પ્રેમીની બળજબરીને કારણે પરિણીતાએ હોટેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો

રાજકોટઃ જંગલેશ્વર હુશેની ચોક શેરી નં. ૧૫માં મહેબૂબ પાન સામે રહેતાં જાહિદ ઉર્ફ જાવલો ઉર્ફ શાહરૂખ અબ્દુલભાઇ આદમાણી તથા તેના મિત્ર એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૩માં રહેતાં મહેબૂબ હારૂનભાઇ ડેલાને ભકિતનગર પોલીસે દૂષ્કર્મના કેસમાં પકડ્યા છે. અગાઉ રાજકોટ રહેતી અને હાલ અન્ય યુવાન સાથે લગ્ન કરી ચુકેલી યુવતિને જાહિદ ઉર્ફ જાવલો ઉર્ફ શાહરૂખે ફેસબૂક મારફત ફ્રેન્ડશીપ કરી પોતે કુંવારો હોવાનું ખોટુ બોલી જાળમાં ફસાવી હતી. યુવતિને તે પરણેલો હોવાની ખબર પડી જતાં તેને છોડી દીધો હતો અને બીજા યુવાન સાથે લગ્ન કરી લીધા હતાં. આ પછી શાહરૂખે વાતચીત કરવાના બહાને પૂર્વ પ્રેમિકાને રાજકોટ બસ સ્ટેશનમાં બોલાવી ત્યાંથી મિત્રના ઘરે લઇ જઇ ધમકી દઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ કારણે યુવતિએ રાજકોટની એક હોટેલમાં જઇ એસિડ પી હાથમાં બ્લેડથી કાપા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે જાહિદ અને તેના મિત્ર મહેબુબ સામે મદદગારીનો ગુનો નોંધ્યો હતો.

પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોનસ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે બંને આરોપીને પકડી લીધા છે.

(11:59 am IST)