Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ઇમરાન મેણુની પત્નિ અલ્કા સામે જૂગારમાં ૧૫ લાખ હારી જતાં અંકિતા પટેલે ઘરમાંથી દાગીના બઠ્ઠાવ્યા'તા!

ન્યુ મેઘાણીનગરના પટેલ યુવાને નોંધાવેલી ઠગાઇની ફરિયાદમાં ઝડપાયેલી પત્નિની પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી : ભકિતનગર પોલીસે ૫ લાખના દાગીનાની છેતરપીંડીમાં અંકિતાને અમદાવાદથી પકડતાં જુદી જ કહાની સામે આવી : બીસીએ સુધી ભણેલી એકતાએ કહ્યું-કાકીજી સાસુ સાથે જૂગાર રમવા ગયા બાદ મને પણ લત્ત લાગી ગઇ'તી : ઇમરાનની ઘરવાળી અલ્કા ૧૫ લાખ સામે ૨૫ લાખની ઉઘરાણી કરી ધમકાવતી'તીઃ ઇમરાન મેણુ, ત્રણ અજાણ્યા સામે અંકિત પટેલના ઘર પર પથ્થરમારો કરી ધમકી આપવાનો અલગથી ગુનો નોંધાયો

માહિતી આપી રહેલા એસીપી એચ. એલ. રાઠોડ, પકડાયેલી એકતા અંકિત ભીમાણી (પટેલ) અને મહિલા પોલીસ કર્મચારી જોઇ શકાય છે

રાજકોટ તા. ૪:  સહકાર મેઇન રોડપર ન્યુ મેઘાણીનગર-૧૧માં રહેતાં અંકિત અમૃતલાલ ભિમાણી (ઉ.વ.૨૮) નામના કરિયાણાના ધંધાર્થી પટેલ યુવાન પત્નિ એકતા જૂગારની ટેવને કારણે ઘરમાં તિજોરીમાંથી રૂ. ૫,૬૦,૦૦૦ના દાગીના ઘરના સભ્યોની જાણ બહાર કાઢી લઇ ગિરવે મુકી ભાગી જતાં તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. ભકિતનગર પોલીસે આ પરિણીતાની ધરપકડ કરતાં કંઇક નોખી અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. અંકિતાએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે કાકીજી સાસુને કારણે જ પોતાને જૂગારની લત્ત લાગી હતી. ઇમરાન મેણુની પત્નિ અલ્કા સામે જૂગારમાં પોતે ૧૫ લાખ હારી જતાં પોતાના અને સાસરિયા પક્ષના દાગીના ગિરવે મુકી તેને આ રકમ ચુકવી હતી. પણ ઇમરાનની ઘરવાળી અલ્કા વ્યાજ પેટે વધુ ૧૦ લાખ માંગી હેરાન કરતી હોઇ જેથી પોતે ભાગી ગઇ હતી.

અંકિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની પત્નિ અંકિતા ઘરના કબાટની તિજોરીમાંથી રૂા ૫,૬૦,૦૦૦ના દાગીના કાઢી ફાયનાન્સમાં મુકી લોન મેળવી ઠગાઇ કરી તેના માવતરે જતી રહી હતી. આવા આક્ષેપો સાથેની ફરિયાદ સંદર્ભે એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી અને પીએસઆઇ આર.એન. સાંકળીયા, એ. એન. જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, રસિકભાઇ ગઢાદરા, કોન્સ. વિશાલ બસીયા, ભરતસિંહ સોલંકી, રણછોડભાઇ ઘૂઘલ તથા ટીમે તપાસ શરૂ કરી હતી અને   આરોપી અંકિતા અંકિત ભીમાણી (પટેલ) (ઉ.વ.૨૫-રહે. હાલ અમદાવાદ, નિકોલ સત્ય-૩ એપાર્ટમેન્ટ-૫૦૧, ન્યુ ઇન્ડિયા કોલોની)ની ધરપકડ કરી છે.

પોલીસ પુછતાછમાં અંકિતાએ એવી કબુલાત આપી હતી કે પોતે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. લગ્ન પહેલા જૂગાર નહોતી રમતી, સાસરિયે આવ્યા પછી એક વખત કાકીજી સાસુ સાથે આસ્થા રેસિડેન્સીમાં ગઇ હતી. જ્યાં કાકીજી જૂગાર રમ્યા હતાં અને પોતે જોવા માટે બેઠી હતી. એ પછી પોતે પણ ધીમે-ધીમે જૂગાર રમવા માંડી હતી. છેલ્લે જંકશન પ્લોટમાં ઇમરાન મેણુની પત્નિ અલ્કા સામે જૂગારની કલબમાં બહેનપણી મારફત ગઇ હતી અને ત્યાં બે માસમાં પંદરેક લાખની રકમ હારી ગઇ હતી. આ રકમ ચુકવવા માટે પોતાને માવતર તરફથી મળેલા દાગીના અને સાસરિયા પક્ષના દાગીના ગિરવે મુકી પંદરેક લાખ ફાયનાન્સ પર મેળવી ચુકવણી કરી હતી. એ પછી વ્યાજ સહિત વધુ ૧૦ લાખની ઉઘરાણી અલ્કા ઇમરાને શરૂ કરી હતી. આથી પોતે અમદાવાદ ભાગી ગઇ હતી.

પોલીસે અંકિત અમૃતલાલ ભીમાણીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો અને ઇમરાન મેણુ સામે અલગથી આઇપીસી ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. ઇમરાન અને અજાણ્યા શખ્સોએ અંકિતના ઘર પર પથ્થરમારો કરી નુકસાન કરી તેમજ તારી પત્નિ જૂગારમાં દસથી બાર લાખ હારી ગઇ છે તે તારે આપવા પડશે તેમ કહી ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.

અંકિતે આ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત નવરાત્રી વખતે રાત્રીના દસેક વાગ્યે એક યુવતિ અમારા ઘરે આવી હતી અને તેણે પોતે ઇમરાન મેણુની ઘરવાળી અલ્કા તરીકે ઓળખાણ આપી હતી. તેમજ તેની સાથે ગુડી નામની યુવતિ અને બીજા બે શખ્સ પણ હતાં. અલ્કાએ કહ્યું હતું કે તારી ઘરવાળી અમારે ત્યાં શ્રાવણ માસમાં જૂગાર રમવા આવી હતી અને દસથી બાર લાખ હારી જતાં તેની પાસેથી લેવનાન છે.  આથી મેં તેને એકતા અમદાવાદ જતી રહ્યાનું કહી ત્યાંનું સરનામુ પણ આપ્યું હતું. એ પછી એકાદ મહિના પહેલા રાત્રીના સમયે ઇમરાન મેણુ, બીજા બે-ત્રણ જણાએ ઘરે આવી મને ધમકી આપી હતી કે તારી પત્નિ અલ્કા સાથે જૂગાર રમતાં હારી ગઇ છે તેના તારે દસથી બાર લાખ દેવા જ પડશે. ત્યારે ઇમરાનના માણસો પથ્થરમારો કરી ભાગી ગયા હતાં.

એ પછી ગત ૧/૧/૨૦૨૦ના ફરીથી ઇમરાન અને અજાણ્યાએ આવી અમારો ડેલો ખખડાવ્યો હતો અને પથ્થરમારો કરતાં બારીઓના કાચ ફુટી ગયા હતાં. જેથી મારા પિતાએ આ લોકોને ખોટી રીતે ડરાવો નહિ તેમ કહેતાં તેણે ગાળો દઇ ધમકી આપી હતી અને રૂપિયા તો આપવા જ પડશે નહિતર મારી નાંખશું તેવી ધમકી દીધી હતી. ત્યારે મારા કાકા સહિતના આવી જતા ઇમરાન અને સાથેના શખ્સો ભાગી ગયા હતાં.

(3:53 pm IST)