Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ખાનગી શાળાઓમાં બિનજરૂરી ફી વધારો રોકવા શિક્ષણમંત્રીને રજુઆત

એફ.આર.સી. સમક્ષ ફી વધારાની કરાયેલી દરખાસ્ત નામંજુર કરો : વાલી મહામંડળની માંગ

રાજકોટ, તા. ૪ :  શહેરની ખાનગી શાળાઓમાં બિનજરૂરી ફી વધારો રોકવા શહેર જિલ્લા વાલી મહામંડળનાં હોદ્દેદારોએ રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદન પાઠવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે વિશાળ વિદ્યાર્થી વર્ગ અને વાલીઓના હિતમાં કાર્ય કરતા અમારા રાજકોટ શહેર જિલ્લાવાલી મહામંડળના ધ્યાનમાં આવેલ છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓએ અત્યારની ફી વધારવા માટે એફઆરસી સમક્ષ દરખાસ્ત કરેલ છે. જે કોઇપણ રીતે અત્યારના સમયમાં વ્યાજબી તથા તાર્કિક નથી.

સરકારશ્રીએ પસાર કરેલ નિર્ધારિત ફીના ધારા-ધોરણ કરતા પણ અત્યારે ખાનગી શાળાઓ દ્વારા ખુબ જ વધારે ફી લેવામાં આવી જ રહી છે. આ અંગે સમગ્ર ગુજરાતના વાલીઓએ સરકારશ્રીને રજુઆત કરવા છતાં આ બાબત કોર્ટમાં હોય એવું જણાવીને ફી અંગે કોઇ યોગ્ય નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.

દરમિયાન અત્યારે ખાનગી શાળાઓ દ્વારા જે ફી વસુલવામાં આવે છે તે પણ ખરેખર ખુબ જ અસહ્ય અને વધારે છે.આવા સંજોગોમાં ખાનગી શાળાઓ દ્વારા એફઆરસી સમક્ષ ફી વધારવા અંગેની દરખાસ્ત વ્યાજબી નથી, અત્યારે ખુબ જ મોંઘવારી અને આર્થિક કટોકટીમાંથી વાલીઓ પસાર થઇ રહ્યા છે. ત્યારે આવો ફી વધારો કરવામાં આવશે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ આર્થિક રીતે કમરતોડ આર્થિક બોજ પડશે જેની વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર વિપરીત અસર પડશે ત્યારે આ અંગે યોગ્ય પગલા ભરી તાત્કાલીક ધોરણ આવો બિનજરૂરી ફી વધારો એફઆરસી દ્વારા મંજુર કરવામાં ન આવે તો અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

આ રજુઆતમાં હિંમતભાઇ લાબડીયા, પ્રમુખ, ગજેન્દ્રસિંહ ઝાલા-ઉપપ્રમુખ, નયનભાઇ કોઠારી-મહામંત્રી, મોહનભાઇ સોજીત્રા-મુખ્ય સંયોજક, સરલાબેન પાટડીયા, કાજલબેન પરમાર, હિતાક્ષીબેન વાડોદરીયા, જયોતિબેન માઢક વિગેરે જોડાયા હતા.

(3:59 pm IST)