Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રાજકોટમાં શુક્રવારથી એલઆઇસી વિકાસ અધિકારી સંગઠનની ઝોનલ કાઉન્સિલ મીટીંગ

રાજકોટ તા. ૫ : જીવન વિમા નિગમના વિકાસ અધિકારીઓના સંગઠનની ઝોનલ કાઉન્સિલ મીટીંગ આગામી તા.૧૧ અને ૧૨ ના રાજકોટ ખાતે મળી હોય તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે.

આ અંગે વિગતો વર્ણવતા સંગઠનના આગેવાનોએ જણાવેલ કે દેશવ્યાપી સંગઠનની ઝોનલ કાઉન્સીલ મીટીંગનું યજમાનપદ રાજકોટને મળતા અનેરા ઉમંગ સાથે તૈયારીઓ શરૂ કરાઇ છે.

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તા. ૧૧ અને ૧૨ ના મળનાર આ ઝોનલ કાઉન્સિલ મીટીંગમાં ઓલ ઇન્ડિયા પ્રેસીડેન્ટ એમ. વિનયબાબુ (સીકંદરાબાદ) અને ઓલ ઇન્ડિયા સેક્રેટરી જનરલ વિવેક સિંઘ (વારાણસી), ક્ષેત્રીય અધ્યક્ષ વિનાયક કામથ (મુંબઇ), ક્ષેત્રીય સચિવ દિપક વાઘેલા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ દ્વીવાર્ષિક અધિવેશન રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાવામાં આવશે. રાજકોટ ડીવીઝનના સીનીયર ડીવીઝનલ મેનેજર ગોવિંદ અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડાયરેકટર ભાવીન પંડયા (આઇ.એ.એસ.), નાયબ પોલીસ કમિશ્નરો રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ગણમાન્ય વ્યકિતઓ ઉપસ્થિત રહેશે.

મુંજકા આર્ષ વિદ્યામંદિરના અધિષ્ઠાતા પરમાત્માનંદજી સરસ્વતી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચનો પાઠવશે.

સમગ્ર પશ્ચિમ ક્ષેત્રનાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજયમાંથી મળીને એક હજાર જેટલા વિકાસ અધિકારીઓ આ મીટીંગમાં ભાગ લેનાર છે. ખાસ કરીને પોલીસી હોલ્ડરોને લાગતા જીએસટીનો મુદ્દો તેમજ કર્મચારીઓના પ્રશ્નો ચર્ચા ઉપર લેવાશે.

મીટીંગ દરમિયાન સંગઠનના નાવા સુકાનીઓની નિયુકિત કરાશે. સમગ્ર કાર્યક્રમોને આખરી ઓપ આપવા વિભાગીય સંગઠનના પ્રમુખ દિનેશ અધેરા, મહામંત્રી પી.એસ. રાણાના નેતૃત્વ હેઠળ ૧૦૦ થી વધુ કાર્યકર વિકાસ અધિકારીઓની ટીમ કામે લાગી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પી. એસ. રાણા (મો.૯૮૨૪૨ ૪૯૫૦૫), ડી. કે. શેઠ, એસ. આર. પટેલ, એ. વી. જોષી (મો.૯૯૨૪૮ ૪૫૪૪૯), શેખરસિંહ ગઢવી, એસ. સી. ચતવાણી, નરેશભાઇ મીરાણી, જે. કે. રોહડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

(3:32 pm IST)