Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

બારદાન કૌભાંડમાં મગન ઝાલાવાડીયાના સાથીદાર મનસુખ લીંબાસીયાની 'ચાર્જશીટ' બાદની જામીન અરજી રદ

આરોપીની સંડોવણી ગુનામાં પ્રથમ દર્શનીય જણાઇ આવે છેઃ કોર્ટ

રાજકોટ તા.પઃ રાજકોટના એડી. સેશન્સ જજશ્રી વી.વી.પરમારે બારદાન સળગાવવાના કૌભાંડમાં ચોરાયેલ પ,૨૭૦૦૦ બારદાનો ગુજકોકના ગોડાઉનમાં કોઇપણ જાતની એન્ટ્રી, બિલ્ટી કે બીલ બનાવ્યા વિના અલગ અલગ ગોડાઉનોમાં સગેવગે કરવાના કાવતરામાં મગન ઝાલાવડીયાના સાથીદાર મનસુખભાઇ ભીખાભાઇ લીંબાસીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતા સેશન્સ કોર્ટે ઠરાવેલ છે કે, આ આરોપી બારદાન કૌભાંડના મુખ્ય આરોપી મગન ઝાલાવાડીયા સાથે પ્રથમથી જ કાવતરાના ભાગરૂપે સંડોવાયેલા હતા તેથી તેમની જામીન અરજી રદ કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, મગફળી અને બારદાન કૌભાંડના મુખ્ય આરોપી મગન ઝાલાવડીયાની રીમાન્ડ દરમ્યાન જણાયેલ હતુ કે ૨પ-લાખ બારદાનો સળગાવવાના કૌભાંડમાં બચી ગયેલ પ,૨૭,૦૦૦ બારદાનો મનસુખભાઇ લીંબાસીયા તથા કાનજીભાઇ ઢોલરીયા સાથે મળીને મગન ઝાલાવાડીયાએ આ તમામ બારદાનો સગેવગે કરી અલગ અલગ ગોડાઉનોમાં સંગ્રહ કરેલા હતા. મનસુખભાઇ લીંબાસયાની ચાર્જશીટ બાદની જામીન અરજીમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ચાર્જશીટ રજુ થઇ જવાની કઇ આરોપીને જામીન આપવા તેવો કાયદાનો કોઇ પ્રસ્થાપિત સિદ્ધાંત નથી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓ વિરૂદ્ધ ફકત આક્ષેપ હોય છે. પરંતુ તપાસના અંતે જયારે આરોપીઓ વિરૂદ્ધ ચોક્કસ અને સ્પષ્ટ પુરાવા મળી આવેલ હોય ત્યારે આરોપીઓ વિરૂદ્ધનો કેસ ફકત શંકા આધારીત રહેતો નથી પરંતુ પુરાવા આધારીત બની જાય છે.

આ પ્રકારના સંજોગો હોય ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહી. જે ટ્રકોમાં આ બારદાનો ખસેી ગોડાઉનમાં લઇ જવામાં આવેલા તે ગોડાઉનના રજીસ્ટરોમાં સાચી વિગતો જણાઇ ન આવે તેવા ઉદેશથી રજીસ્ટરના પાના ફાડી નાખવામાં આવેલા જે કૃત્યોના મગન ઝાલાવડીયા સાથે હાલના આરોપી મનસુખભાઇ  લીંબાસીયાની સંડોવણી તમામ પોલીસ પેપર્સ જોતા નિઃશકપણે જણાઇ આવે છે. આ તમામ બારદાનો શ્રી સરકારની માલિકીના હતા અને સરકારની માલિકી એટલે પ્રાનો માલિકી કહેવાય. આટલી મોટી સંખ્યાના અને આટલી મોટી કિંમતના બારદાનો જે શ્રી સરકારે પ્રજાના પૈસાથી પ્રજાના  હિત માટે ખરીદ કરેલ હોય ત્યારે આ કેસના આરોપીઓ જેવી માનસિકતા ધરાવતા વ્યકિતઓને સામાન્ય આરોપી કરતા જુદ જ દ્રષ્ટિએ જોવા અત્યંત જરૂરી છે. અને તે સંજોગોમાં હાલના આરોપીને જામીન ઉપર છોડવા હિતાવહ નથી કારણ કે આ પ્રકારના આરોપીઓ જામીન ઉપર છુટતાની સાથે જ સૌથી પહેલુ કામ સાક્ષીઓને ફોડવાનું કરે તે નિઃશકપણે જણાઇ આવે છે કારણ કે સાક્ષીઓને ફોડવા સિવાય આ આરોપી પાસે અન્ય કોઇ બચાવ ઉપલબ્ધ નથી. શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ એડી. સેશન્સ જજ વી.વી.પરમારે બે આરોપી મનસુખભાઇ લીંબાસીયાની જામીન અરજી રદ કરેલ છે. 

આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઇ કે.વોરા રોકાયેલા હતા.(૭.૧૧)

(11:42 am IST)